VADODARA : SMC ની રેડમાં રૂ. 2.44 કરોડનો દારૂ પકડાતા PI સસ્પેન્ડ, ACP ને તપાસ સોંપાઇ
- વડોદરામાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ પોલીસ કમિશનરની કાર્યવાહી
- સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઐતિહાસિક જંગી માત્રામાં વિદેશી દારૂ પકડી પડાયો
- ચારેય આરોપીને કોર્ટમાં રજુ કરીને તેમના રિમાન્ડ મેળવવામાં આવ્યા
VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) ના દશરથ ગામ પાસે બાલાજી ટ્રેડર્સના ગોડાઉનમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલ (STATE MONITORING CELL) દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં અત્યાર સુધીનો સૌથી વધુ રૂ. 2.44 કરોડનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે. વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા છાણી પોલીસ મથકના પીઆઇ એ. પી. ગઢવીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અને આ મામલાની તપાસ એસીપી કક્ષાના અધિકારીને સોંપવામાં આવી છે. આ ઘટનાને પગલે પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.
પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર એક્શનમાં આવ્યા
સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, રાજુ બિશ્નોઇ નામના શખ્સે બેટરીનું પાણી બદલવા તથા જય અંબે એન્ટરપ્રાઇઝના નામથી પેપર ડિશ વેચવા માટે દશરથમાં રૂ. 18 હજારના માસિક ભાડા પર ગોડાઉન લીધુ હતુ. આ ગોડાઉન માટે 11 મહિનાનો ભાડા કરાર કરવામાં આવ્યો હતો. તે માટે એડવાન્સ પેટે રૂ. 36 હજારની ચૂકવણી કરવામાં આવી હતી. આ ગોડાઉનમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમો દ્વારા દરોડા પાડીને રૂ. 2.44 કરોડનો બિશ્નોઇ ગેંગનો વિદેશી દારૂ પકડી પાડવામાં આવ્યો છે. આ ઘટના બાદ શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર એક્શનમાં આવ્યા છે. અને છાણી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એ. પી. ગઢવીને સસ્પેન્ડ કરી દીધા છે. તે બાદ આ મામલાની તપાસ એસીપી કક્ષાના અધિકારીને સોંપવામાં આવી છે.
ગોવાની કંપની, ખોટા બિલો, નકલી પેઢીઓ અને ફરાર આરોપી સામે તપાસ
બીજી તરફ દશરથ ગામેથી ગોડાઉનમાંથી મળી આવેલા જંગી વિદેશી દારૂના જથ્થા મામલે ચાર આરોપીને કોર્ટમાં રજુ કરીને ચાર દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. દરમિયાન દારૂની બોટલ પર ઉત્પાદન તારીખ અને બેચ નંબર નહીં લખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જેની સઘન તપાસ હાથ ધરવામાં આવશે. આ સાથે જ ગોવાની કંપની, ખોટા બિલો, નકલી પેઢીઓ અને ફરાર આરોપીની ભાળ મેળવવાની દિશામાં ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો --- Kirti Patel Controversy: સુરત પોલીસ દ્વારા અમદાવાદ ખાતેથી કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી