Vadodara : પ્રથમ વખત દુર્લભ અલ્બીનો ઇન્ડિયન ફ્લૅપશેલ કાચબો મળી આવ્યો
- વડોદરાના સામાજીક વનીકરણ વિભાગ માટે મોટી કેસ સ્ટડી
- પ્રથમ વખત દુર્લભ કાચબો મળી આવ્યો
- આ ગુજરાતમાં પ્રથમ કિસ્સો હોવાનો દાવો
Vadodara : વડોદરા (Vadodara) ના ચિખોદ્રા ગ્રામ્ય હદમાં આજરોજ બુધવારે મીઠા પાણીના તળાવના કિનારે એક દુર્લભ અલ્બીનો ઇન્ડિયન ફ્લૅપશેલ ટર્ટલ - Indian Flapshell Turtle (Lissemys punctata) જોવા મળ્યો હતો, જેને સ્થાનિક લોકોએ સામાજિક વનીકરણ વિભાગને જાણ કરી બચાવાયો. આ દુર્લભ પીળા રંગના બાળ કાચબાને વન વિભાગે સુરક્ષિત રીતે બચાવી વડોદરાના કમાટીબાગ નજીક આવેલા તેમના કેન્દ્રમાં લાવવામાં આવ્યો છે.
લોકો ચકિત થઈ ગયા
અલ્બીનો કાચબાની ઝાંખી મળતાની સાથે જ આસપાસના લોકોમાં અદભુત ઉત્સુકતા ફેલાઈ ગઈ હતી. સામાન્ય રીતે જોવા મળતા કાચબા કરતા કંઈક અલગ ફ્લૅપશેલ ટર્ટલ અહીં ચટક પીળા રંગમાં જોવા મળતા લોકો ચકિત થઈ ગયા હતા.
એક અજોડ રંગનો કાચબો દેખાયો છે
વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણસિંહ રાજપૂતે ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું, "અમને ચિખોદ્રામાંથી ફોન મળ્યો કે તળાવ પાસે એક અજોડ રંગનો કાચબો દેખાયો છે. અમારી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને કાચબાને સુરક્ષિત રીતે લાવી કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે. આ અલ્બીનો ફ્લૅપશેલ ટર્ટલ ( Indian Flapshell Turtle) ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે અને ગુજરાતમાં કદાચ આ પ્રકારનો પહેલો કેસ હોઈ શકે." તેમણે વધુમાં જણાવ્યું કે, હાલ આ કાચબાનું સંરક્ષણ અને યોગ્ય સારવાર શરૂ કરવામાં આવી છે અને આગળના પગલાં માટે જિલ્લા વન્યજીવન વોર્ડન પાસેથી માર્ગદર્શન લેવાશે.
અલ્બીનો ફ્લૅપશેલ ટર્ટલ શા માટે ખાસ છે ?
અલ્બીનો એટલે કે શરીરમાં રંગદ્રવ્યના અભાવને કારણે છાલ પર સફેદ કે પીળા રંગનું આવરણ હોય છે. આમ કાચબાની આ અલ્બીનો જાત ખૂબ જ દુર્લભ હોવાથી તેની પારદર્શકતા અને દેખાવ જંગલના કુદરતી વ્યવસ્થામાં સરળતાથી છૂપાઈ ન શકે તેથી તેનો જીવનચક્ર પણ અન્ય કરતાં અલગ હોય છે. આ પ્રકારના બચાવ પ્રયોગો પ્રકૃતિપ્રેમી અને વન્યજીવ સંરક્ષણ માટે કાર્યરત અધિકારીઓની ચેતના અને પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે, જે પ્રજાતિઓના જતન માટે મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો ---- Bullet Train Update : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વિશ્વામિત્રી નદી પરનો પુલ પૂર્ણ