VADODARA : પાલિકાના સેફ્ટિ ઓડિટમાં 41 બ્રિજ સલામત, 2 જર્જરિત હોવાથી બંધ કરાયા
- પાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત તમામ બ્રિજનું ઓડિય કરાયું
- 43 પૈકી 41 બ્રિજ સલામત મળી આવ્યા, 2 બ્રિજ જર્જરિત હોવાનું સામે આવ્યું
- લોકોની સલામતીને ધ્યાને રાખીને જર્જરિત બ્રિજ બંધ કરી દેવામાં આવ્યા છે
VADODARA : ગતરોજ વડોદરાના પાદરામાં ગંભીરા-મુજપુર ઓવરબ્રિજનો એક (GAMBHIRPURA BRIDGE COLLAPSE) ભાગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 5 જેટલા વાહનો નદીમાં ખાબકતા અત્યાર સુધીમાં 16 લોકોના મૃત્યું થયાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ શહેરમાં આવેલા બ્રિજને લઇને લોકોના મનમાં અનેક સવાલો છે. જો કે, પાલિકા (VADODARA - VMC) દ્વારા પ્રિમોન્સૂન કામગીરીના ભાગરૂપે બ્રિજનું સેફ્ટિ ઓડિટ કરાવી લેવામાં આવ્યું છે. જેમાં વડોદરા પાલિકાની હદમાં આવતા 43 પૈકી 41 બ્રિજ સલામત હોવાનું સામે આવ્યું છે. અને 2 બ્રિજ જોખમી હોવાથી તેને અવર-જવર માટે બંધ કરવામાં આવ્યા છે.
તમામનું સેફ્ટિ ઓડિટ કરાવવામાં આવ્યું
વડોદરા પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રીએ (DR. SHITAL MISTRY) મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત પાલિકા દ્વારા કન્સલ્ટન્ટની નિમણૂંક કરવામાં આવી છે. વડોદરામાં કુલ 43 બ્રિજ આવેલા છે. તેમાંથી 14 રેલવે બ્રિજ છે, 22 ઓવર બ્રિજ છે, 4 ફ્લાય ઓવર છે, અને અન્ય એક બ્રિજ છે. તે તમામનું સેફ્ટિ ઓડિટ કરાવવામાં આવ્યું હતું. 43 બ્રિજમાંથી 41 બ્રિજનો સ્ટ્રક્ચર સ્ટેબિલીટી રિપોર્ટ અને તેની મજબુતાઇ છે, તે બરાબર છે. નિમણૂંક કરવામાં આવેલી એજન્સી અને પાલિકાના અધિકારીઓ બંને દ્વારા સંયુક્ત તપાસ કરવામાં આવી છે.
અધિકારીઓને કડક સૂચનાઓ આપવામાં આવી
તેમણે વધુમાં જણાવ્યું કે, 41 બ્રિજ સલામત છે. 2 બ્રિજ જર્જરિત હાલતમાં છે, તેમાંથી એક કમાટીબાગનો ફૂટ ઓવર બ્રિજ છે, તેને વપરાશ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. બીજો જાંબુઆનો જુનો બ્રિજ છે. તેને પણ વાહનોની અવર-જવર માટે બંધ કરવામાં આવ્યો છે. જો કોઇ બ્રિજમાં નાનું-મોટું સમારકામ બાકી હોય તો તેને તાત્કાલિક પૂર્ણ કરવા માટે અધિકારીઓને કડક સૂચનાઓ આપવામાં આવી છે. વડોદરા પાલિકા જાગૃત છે, અને પ્રામાણીકતાથી સેફ્ટિ ઓડિટ કરીને કોઇ ઘટના ના બને તેની તકેદારી રાખી રહ્યું છે.
આ પણ વાંચો ---- VADODARA : 'એક્સીડન્ટ કરકે ક્યું ભાગા', કહી ઝાંસામાં લઇને લૂંટતી ગેંગ ઝબ્બે


