VADODARA : ફાયર વિભાગના સ્નોરસ્કેલ મશીનનું ઇન્શ્યોરન્સ અને ફિટનેશની માન્યતા પૂર્ણ
- વડોદરા ફાયર વિભાગની ગંભીર બેદરકારી છતી થઇ
- હાઇરાઇઝ બિલ્ડીંગ પર રેસ્ક્યૂ માટે ઉપયોગી સ્નોરસ્કેલની જાળવણીમાં નિષ્ફળ
- આ નિષ્કાળજી અંગે સરકારનો કોઇ વિભાગ કાર્યવાહી કરે છે કે કેમ તે જોવું રહ્યું
VADODARA : વડોદરા (VADODARA) માં હાઇરાઇઝ બિલ્ડીંગો આવેલી છે, સાથે જ શહેર-જિલ્લામાં મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે. ત્યારે ઉંચાઇ પર આગ લાગે ત્યારે વિશેષ મદદરૂપ થાય તેવું સ્નોરસ્કેલ મશીન (SNORKEL MACHINE) પાલિકાના ફાયર વિભાગ (VMC - FIRE DEPARTMENT) પાસે છે. પરંતુ તેની જાળવણી કરવામાં તંત્ર નિષ્ફળ નિવડ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર, ફાયર વિભાગ પાસે હાલ કાર્યરત સ્નોરસ્કેલ મશીનનું ઇન્શ્યોરન્સ અને ફિટનેશની માન્યતા વર્ષ 2024 માં પૂર્ણ થઇ ગઇ છે. આગ અકસ્માતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે તેવા સ્નોરસ્કેલની જાળવણીમાં તંત્ર બેદરકાર રહેતા આ પરિસ્થિતી સર્જાઇ છે. આવી નિષ્કાળજી બદલ શું પાલિકાના ફાયર વિભાગના અધિકારી સામે કોઇ પગલાં લેવાશે કે કેમ તેના પર લોકોની નજર રહેશે. ચીફ ફાયર ઓફિસરનું કહેવું છે કે, ફાઇલ પ્રોસેસમાં છે, ટુંક સમયમાં કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે.
મશીનની જાળવણીમાં પાલિકાનું તંત્ર ઉણું ઉતર્યું
વડોદરા તથા તેની આસપાસ મોટા ઔદ્યોગિક એકમો, હાઇરાઇઝ બિલ્ડીંગ, બિઝનેસ પાર્ક આવેલા છે. જેમાં મોટી કંપનીઓ અને ઓફિસો કાર્યરત છે. ખાસ કરીને ઉંચાઇ પર આગ અકસ્માત અથવા અન્ય કારણોસર લોકોને સરળતાથી બચાવી શકાય તથા કાર્યવાહી કરી શકાય તે માટે વડોદરા પાલિકા પાસે સ્નોરસ્કેલ મશીન આવેલું છે. આ સ્નોરસ્કેલ મશીન વર્ષ 2013 માં ખરીદવામાં આવ્યું છે. અને તેને 44 મીટર સુધીની ઉંચાઇ સુધી બચાવ કામગીરી માટે ઉપયોગમાં લઇ શકાય છે. પરંતુ આ સ્નોરસ્કેલ મશીનની જાળવણીમાં પાલિકાનું તંત્ર ઉણું ઉતર્યું હોવાની સાબિતી આપતો કિસ્સો સામે આવ્યો છે.
ફાઇલ પ્રોસેસમાં છે
આ સ્નોરસ્કેલ મશીનનું ઇન્શ્યોરન્સ અને ફિટનેશની માન્યતા પૂર્ણ થઇ ગઇ છે. દસ્તાવેજોને ધ્યાને લઇએ તો, જ્યાં સુધી તેને રિન્યુ કરવામાં ના આવે ત્યાં સુધી તેનો ઉપયોગ હિતાવહ નથી. 44 મીટર હાઇડ્રોલીક પ્લેટફોર્મનો વીમો 4 જુન 2025ના રોજ પુરો થઇ ગયો છે.ગાડીની ફીટનેસ વેલિડિટી ગત તા. 8 ઓક્ટોબર 2024ના પુરી થઇ છે, ગાડીનો ટેક્સ પણ 31 માર્ચ 2016 બાદ ભરાયો નથી, આ ઉપરાંત ગાડીનું પીયુસીની વેલિડીટી પણ ગત તા. 15 જુલાઇ 2025એ પૂર્ણ થઇ ગઇ છે. જો કે, આ અંગે ચીફ ફાયર ઓફિસર મનોજકુમાર પાટીલે મીડિયાને જણાવ્યું કે, ફાઇલ પ્રોસેસમાં છે. ટુંક સમયમાં કામગીરી પૂર્ણ કરી દેવાશે.
આ પણ વાંચો ---- Rajkot News: સરકારને છેતરતા ડોક્ટરોની પોલપટ્ટી ખુલી, આરોગ્ય વિભાગ થયુ સક્રિય


