VADODARA : મેયરની ઓફિસ બહાર ઉત્પાત મચાવનારા AAP કાર્યકર્તા વિરૂદ્ધ પોલીસ ફરિયાદની તજવીજ
- મેયરની ઓફિસ બહાર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ધમાલ મચાવી
- ઘટના બાદ સિક્યોરીટી ઓફિસરે નવાપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
- વડોદરા પોલીસે બે ડઝન કાર્યકર્તાઓની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી
VADODARA : આજે વડોદરા પાલિકાની કચેરી (VADODARA - VMC) ખાતે મેયરની ઓફિસ (MAYOR OFFICE) બહાર આમ આદમી પાર્ટી (AAP) ના કાર્યકર્તાઓ દ્વારા ઉત્પાત મચાવવામાં આવ્યો છે. મેયરની ઓફિસના દરવાજે શાહી લગાડી તેમજ તેમની નેમ પ્લેટને પગ વડે કચડી કચડીને તોડી નાંખી છે. આ ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી છે. ઉપરોક્ત મામલે મેયરની ઓફિસ બહાર ઉત્પાત મચાવનારા આમ આદમી પાર્ટીના બે ડઝન કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે. જે બાદ તમામ વિરૂદ્ધ નવાપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું ડીસીપી અભય સોનીએ મીડિયાને જણાવ્યું છે.
કોઇ પણ પોલીસની મંજૂરી લેવામાં આવી ન્હતી
ડીસીપી અભય સોની (DCP ABHAY SONI) એ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, આજે વડોદરા પાલિકાની કચેરીમાં પ્રવેશ મેળવીને મેયરની ઓફિસ બહાર શાહી ફેંકી અને તેમની નેમ પ્લેટ તોડવામાં આવી હતી. આ તોડફોડ તથા કચેરી ખાતે હંગામો કરવામાં આવ્યો હતો. જે મામલે કાયદેસરની ફરિયાદ કરવામાં આવી રહી છે. પાલિકાના સિક્યોરીટી ઓફિસર દ્વારા નવાપુરા પોલીસ મથક ખાતે ફરિયાદ આપવામાં આવી છે. જે અનુસાર આજે 12 - 30 કલાકના આરસામાં વડોદરા પાલિકાની કચેરીએ આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝા, શશાંક ખરે, પીયુષ રામાણી, જ્હાવની બા ગોહેલ તથા અન્ય 15 જેટલી મહિલાઓ આવ્યા હતા. તેઓ આવેદન પત્ર આપવાના હતા. આવેદન પત્ર માટે કોઇ પણ પોલીસની મંજૂરી લેવામાં આવી ન્હતી. અને તેઓ પાલિકાની કચેરીએ એકદમ ઉગ્ર થઇ ગયા હતા. અને મેયરની ચેમ્બરની બહાર શાહી નાંખી અને નેમ પ્લેટ તોડી નાંખી હતી. આ મામલે 24 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે. જે પૈકી 6 પુરૂષ અને 18 જેટલી મહિલાઓ છે.
ફરિયાદની તપાસ સિનિયર અધિકારીને સોંપાશે
વધુમાં ઉમેર્યું કે, પોલીસ આ મામલાને ગંભીરતાથી લઇ રહી છે. આમાં ગેરકાયદેસર મંડળી, રાયોટીંગ, કાવરતું, સરકારી કામકાજમાં રૂકાવટ અને પબ્લીક પ્રોપર્ટીને નુકશાન સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવનાર છે. આમાં અમુક કલમો બેલેબલ છે, અને અમુક અનબેલેબલ છે. આ મામલે ફરિયાદની તપાસ સિનિયર અધિકારીને સોંપવામાં આવનાર છે.
આ પણ વાંચો ---- VADODARA : બ્લિન્કઈટ, વાડીલાલ, સંતુષ્ટી શેક, લક્ષ્મીનારાયણ ક્લબ સહિત 21 સ્થળોના ફૂડ સેમ્પલ સબસ્ટાન્ડર્ડ પુરવાર


