VADODARA : ફરજ પ્રત્યે બેદરકારી દાખવતા પાલિકાના ત્રણ એન્જિનિયરોને નોટિસ
- વડોદરા પાલિકામાં મહત્વની સંકલનની બેઠક મળી
- ચૂંટાયેલા પ્રતિનિધીઓ દ્વારા અધિકારીઓની કામગીરીને લઇને બળાપો ઠાલવ્યો
- મ્યુનિ. કમિ. દ્વારા ત્રણ એન્જિનિયરને નોટિસ ફટકારી હોવાની વાતને પુષ્ટિ
VADODARA : તાજેતરમાં વડોદરા પાલિકામાં (VMC - VADODARA) ચૂંટાયેલા પ્રતિનિધીઓ અને અધિકારીઓ વચ્ચે સંકલનની બેઠક મળી હતી. જેમાં ચૂંટાયેલા પ્રતિનિધીઓ દ્વારા પાલિકાના એન્જિનિયરની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. અને કામો સમયસર પૂર્ણ નહીં થતા હોવાની રજુઆતો કરી હતી. તે બાદ વડોદરા પાલિકાના કમિશનર અરૂણ મહેશ બાબુએ ત્રણ ડે. એન્જિનિયરોને નોટિસ ફટકારી છે. જેને પગલે કામચોર એન્જિનિયરોમાં ભારે ફફડાટ પેંસી જવા પામ્યો છે. સાથે જ અધિકારીઓને ચોમાસાને ધ્યાને રાખીને કામગીરી વેગવંતી બનાવવા માટેના જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે.
જે કામોમાં ઢીલાશ થતી હતી તેના કારણો પણ આપ્યા
સમગ્ર બેઠક અંગે વડોદરા પાલિકાના કમિશનર અરૂણ મહેશ બાબુએ મીડિયા સાથેની વાતમાં કહ્યું કે, પાલિકાના ત્રણ ડે. એન્જિનિયરોને નોટીસ ફટકારવામાં આવી છે. હાલમાં ચૂંટાયેલા પ્રતિનિધીઓ જોડે સંકલનની બેઠક મળી હતી. આ બેઠકમાં પાછલા ત્રણ મહિનાના કામો, પ્રતિનિધીઓ દ્વારા કરવામાં આવેલા સૂચનો, રાજ્ય સરકારની ગ્રાન્ટ ના બાકી કામોની ચર્ચા કરવામાં આવી છે. જે કામોમાં ઢીલાશ થતી હતી તેના કારણો પણ આપ્યા છે. કામો આગળ વધારવાની સૂચના આપી છે.
મોનીટરીંગ એન્જિનિયર્સ દ્વારા થવું જોઇએ
તેમણે વધુમાં જણાવ્યું કે, આગામી સમયમાં વરસાદની સ્થિતીને ધ્યાને રાખીને સ્વાસ્થ્ય, પાણી અને ડ્રેનેજની સમસ્યાઓને ધ્યાને રાખીના સૂચનાઓ આપવામાં આવી છે. રોડ અને ખાડા પૂરવા માટેની ચર્ચાઓ થઇ છે. કામ પૂર્ણ થયા બાદ પણ તેનું મોનીટરીંગ એન્જિનિયર્સ દ્વારા થવું જોઇએ, તેનું સૂચન પણ કર્યું છે. આવનારા સમયમાં અધિકારીઓ સમયસર ચૂંટાયેલા પ્રતિનિધીઓના કામો અંગે જવાબ આપશે.
આ પણ વાંચો --- VADODARA : પાલિકાના અધિકારીઓને ફિલ્ડમાં જવા ધારાસભ્યની કડક ટકોર


