VADODARA : મચ્છરોનો ઉપદ્રવ ડામવા પહેલી વખત ડ્રોનથી દવાનો છંટકાવ કરાશે
- વડોદરા પાલિકાનું તંત્ર હાઇટેક બન્યું
- મચ્છરોનો ત્રાસ ડામવા માટે પ્રથણ વખત ડ્રોનનો ઉપયોગ કરાશે
- સવારે અને સાંજે ચોક્કસ સમયે દવાનો છંટકાવ કરાશે
VADODARA : વડોદરા (VADODARA) માં ચોમાસામાં મચ્છરોનો ઉપદ્રવ વધી જતો હોય છે. આ ઉપદ્રવને ડામવા માટે પાલિકા તંત્ર (VADODARA - VMC) દ્વારા પહેલી વખત ડ્રોનનો ઉપયોગ કરીને દવાનો છંટકાર કરવામાં આવનાર છે. વડોદરા પાલિકા ટેક્નોલોજીનો સદઉપયોગ કરીને લોકોને મદદરૂપ થઇ રહી હોવાનો આ બીજો કિસ્સો છે. આ પહેલા પાલિકા દ્વારા વિશ્વામિત્રી નદી કાંઠાના વિસ્તારમાં જ્યાં માનવનું પહોંચવું મુશ્કેલ છે, ત્યાં ડ્રોન મારફતે બીજ વેરીને વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વડોદરા પાલિકા દ્વારા કરવામાં આવતી કામગીરીને લોકો સરાહી રહ્યા છે. સુત્રોએ જણાવ્યું કે, ખાસ કરીને સવારે 7 - 9 અને સાંજે 5 - 6 વાગ્યા સુધીમાં આ દવાનો છંટકાવ કરવામાં આવનાર છે.
બે તબક્કામાં વિસ્તારને આવરી લેવામાં આવશે
વડોદરામાં ખાડા અને મચ્છરોનો ત્રાસ જુનો છે. ખાસ કરીને ચોમાસામાં લોકો બંનેથી મુશ્કેલીમાં મુકાય છે. તાજેતરમાં વડોદરા પાલિકાના કમિશનર અરૂણ મહેશ બાબુએ અધિકારીઓને ફિલ્ડમાં જઇને કામગીરી કરવાની અને તેનું મોનીટરીંગ કરવાની સ્પષ્ટ સૂચના આપી દીધી છે. બીજી સમસ્યા મામલે હવે પાલિકાનું તંત્ર હાઇટેક વિકલ્પ સાથે મેદાને ઉતર્યું છે. વડોદરા પાલિકા દ્વારા પહેલી વખત ડ્રોન મારફતે દવાનો છંટકાવ કરીને મચ્છરોનો ત્રાસ કાબુમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પાલિકા સુત્રોના જણાવ્યા અનુસાર, ડ્રોન મારફતે 1 ચો કિમી વિસ્તારને બે તબક્કામાં આવરી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. પાલિકા દ્વારા મચ્છર મારવાની દવા આપવામાં આવશે. જ્યાં જરૂર જણાય છે ત્યાં મચ્છરો અને તેના લારવાનનો નાશ કરવામાં આવશે. આ દવાની લોકો પર કોઇ અસર થશે નહીં.
લાર્વિસાઇડલ ઓઇલનો ઉપયોગ કરવામાં આવશે
સુત્રોએ ઉમેર્યું કે, દવા છંટકાવની કામગીરી માટે ડ્રોન 10 ફૂટની ઉંચાઇએ રહેશે. ડ્રોનનો ઉપયોગ સવારે 7 - 9 અને સાંજે 5 - 6 દરમિયાન ચોક્કસ જગ્યાઓએ કરવામાં આવનાર છે. દવામાં ખાસ પ્રકારે તૈયાર કરવામાં આવેલા લાર્વિસાઇડલ ઓઇલનો ઉપયોગ કરવામાં આવશે. જે હવામાં ઉડતા મચ્છરોના ત્રાસને ડામશે. અગાઉ લખનઉ અને હૈદરાબાદમાં આ પ્રકારે ડ્રોનમાં દવા નાંખીને તેનો ઉપયોગ સફળ રહ્યો હતો. ત્યાર બાદ હવે વડોદરામાં આ પ્રયાસ કરવામાં આવનાર છે.
આ પણ વાંચો ---- VADODARA : ખેડૂતે 4 વીઘા જમીનમાં તૈયાર બાજરીનો પાક ગૌ માતા-નંદીજી માટે ખુલ્લો મુક્યો


