VADODARA : વાઘોડીયા પાલિકા અંગે વોર્ડ સીમાંકન તથા અનામત બેઠકોના આદેશને મૂળ અસરથી રદ કરાયો
- વાઘોડીયા, માડોધર અને ટીંબી ગ્રામ પંચાયતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો
- નગરપાલિકાના વોર્ડ અને બેઠકો નક્કી કરવામાં આવી હતી
- ગુજરાત નગરપાલિકા અધિનિયમ-૧૯૬૩ ની કલમ-૭ ની જોગવાઈ હેઠળ કાર્યવાહી
VADODARA : વડોદરા જિલ્લા (VADODARA DISTRICT) ની નવીન અસ્તિત્વમાં આવેલી વાઘોડીયા નગરપાલિકામાં (WAGHODIA NAGAR PALIKA) સરકારના જાહેરનામા મુજબ તવરા ગ્રામ પંચાયતનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેના કારણે રાજ્ય ચૂંટણી આયોગ (STATE ELECTION COMMISSION) નો તા. ૧૩/૧૧/૨૦૨૪ નો વાઘોડીયા નગરપાલિકાની ચૂંટણી માટે શહેરના વોર્ડનું સીમાંકન તથા અનામત બેઠકોની ફાળવણી અંગેનો પ્રાથમિક આદેશ મૂળ અસરથી રદ કરવામાં આવ્યો છે.
જિલ્લામાં વાઘોડીયા નગરપાલિકાની રચના કરવામાં આવી
રાજ્ય ચૂંટણી આયોગની અખબારી યાદીમાં જણાવાયું છે કે, વાઘોડીયા નગરપાલિકાના વોર્ડની સંખ્યા અને બેઠકો (અનામત બેઠકો સહિત) નક્કી કરવા માટે હવે આગળની કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે, સરકારના શહેરી વિકાસ વિભાગ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગરના જાહેરનામાથી વડોદરા જિલ્લામાં વાઘોડીયા નગરપાલિકાની રચના કરવામાં આવી છે.
બેઠકોની ફાળવણી અંગેનો પ્રાથમિક આદેશ પ્રસિદ્ધ કર્યો
આ નવીન નગરપાલિકામાં વાઘોડીયા, માડોધર અને ટીંબી ગ્રામ પંચાયતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સરકારના તા. ૧૭/૦૮/૨૦૨૪ ના જાહેરનામાથી વાઘોડીયા નગરપાલિકાના વોર્ડ અને બેઠકો (અનામત બેઠકો સહિત) નક્કી કરવામાં આવી હતી, જેના આધારે ગુજરાત નગરપાલિકા અધિનિયમ-૧૯૬૩ ની કલમ-૭ ની જોગવાઈ હેઠળ રાજ્ય ચૂંટણી આયોગે તા. ૧૩/૧૧/૨૦૨૪ ના આદેશથી વાઘોડીયા નગરપાલિકાની ચૂંટણી માટે શહેરના વોર્ડનું સીમાંકન તથા અનામત બેઠકોની ફાળવણી અંગેનો પ્રાથમિક આદેશ પ્રસિદ્ધ કર્યો હતો. જે હવે મૂળ અસરથી રદ કરી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો ---- VADODARA : ડભોઇ તાલુકા પંચાયત પ્રમુખની દાદાગીરી, કોન્ટ્રાક્ટર પર હુમલો


