Co-operative movement : વડોદરાની એક એવી સંસ્થા જે ૧૧૫ વર્ષથી કરે છે સહકારી પ્રવૃત્તિ
Co-operative movement : સર સયાજીરાવ ગાયકવાડના સૂચનથી બરોડા સ્ટેટના અધિકારીઓ દ્વારા ધી ગવર્નમેન્ટ સર્વન્ટ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી ૧૯૧૦માં બરોડા સ્ટેટ (Baroda State)ના ૧૩ અધિકારી સાથે શરૂ થયેલી. આ સંસ્થામાં આજે સરકારી વિભાગોના ૧૧ હજાર કરતા વધુ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયેલા છે
વડોદરા (Vadodara)માં છેલ્લા ૧૧૫ વર્ષથી ચાલતી સરકારી કર્મચારીઓની સહકારી પ્રવૃત્તિની સંસ્થાએ સહકારથી સમૃદ્ધિના સંકલ્પને સાકાર કર્યો છે. વડોદરાના તત્કાલીન મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની પ્રેરણાથી સ્થપાયેલી આ સહકારી સંસ્થાએ વડોદરામાં ફરજ બજાવતા અનેક સરકારી કર્મચારીઓના ઘરના ઘરની સ્વપ્નને સાકાર તો કર્યું છે, પણ સાથે નાણાંકીય ભીડના સમયે આર્થિક સહાય પણ કરી છે.
આ વાત ૧૯૧૦ના વર્ષની છે. બરોડા રાજ્ય(Baroda State)ના રાજવી સર સયાજીરાવ ગાયકવાડે પોતાના કર્મચારીઓ અને અધિકારીઓને સહકારી પ્રવૃત્તિ-Co-operative movement કરવા માટે પ્રેરિત કર્યા. સમયના બરોડા રાજ્યના ઉચ્ચ અધિકારી શ્રી અનંત નારાયણ દાતારની પહેલથી અન્ય સનદી અધિકારી શ્રી પુરુષોત્તમ નાથાલાલ દેસાઇના પ્રમુખ સ્થાને તા. ૧૭-૧૨-૧૯૧૦ના રોજ ધી બરોડા ગવર્નમેન્ટ સર્વન્ટ અર્બન કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ(The Baroda Government Servants Urban Cooperative Credit Society Limited)ની સ્થાપના કરવામાં આવી હતી.
રાજ્યની સૌથી જૂની ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી
સ્થાપના સમયે તેમાં બરોડા રાજ્યના ૧૩ સનદી અધિકારીઓ જોડાયા હતા. બાદમાં સભાસદોની સંખ્યા ૬૬ થઇ હતી. આમ, રાજ્યની સૌથી જૂની ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી કાર્યાન્વિત થઇ. દેશને આઝાદી મળી એ બાદ બરોડાનો મુંબઇ રાજ્યમાં સમાવેશ થતા આ સહકારી સંસ્થાનું નામ ધી ગવર્નમેન્ટ સર્વન્ટ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ વડોદરા તરીકે ઓળખાવા લાગી. શરૂઆતમાં મહેસુલ, બાંધકામ, જિલ્લા પંચાયતના કર્મચારીઓ જોડાયા હતા.
બાદમાં આ સહકારી પ્રવૃત્તિને નીહાળીને વડોદરા જિલ્લાના સરકારી, અર્ધસરકારી, યુનિવર્સિટી, મ્યુનિસિપલ કોર્પોરેશન, ટેલીફોન, આકાશવાણી, ગેરી વિગેરે ખાતા કર્મચારીઓ પણ ઉમેરાતા ગયા. પ્રારંભિક સમયે આ સંસ્થા શહેરની શાસ્ત્રી પોળમાં ભાડાના મકાનમાં ચાલતી હતી. તે બાદ સંસ્થા વસાહતમાં રૂ. ૯ હજારથી જમીન ખરીદી અને તા. ૨૦-૧૦-૧૯૫૭ના રોજ બરોડા રાજ્યના પૂર્વ પ્રધાન શ્રી છોટાલાલ સુતરિયા તથા સંસ્થાના પ્રથમ સભ્ય શ્રી શંકર બળવંત ડિડમિસેના હસ્તે કરવામાં આવ્યું હતું. બાદમાં સમયાંતરે આધુનિક ઓફિસ બનાવવામાં આવી.
રૂ. ૨૦ લાખ સુધીનું ધીરાણ
૧૯૯૨થી સતત પ્રમુખ તરીકે સેવા આપતા શ્રી પ્રતાપરાવ એસ. ભોઇટે કહે છે, આ સહકારી સંસ્થા ૧૯૭૫ સુધી સભાસદોને રૂ. ૨૫૦૦ સુધીનું ધીરાણ કરતી હતી. બાદમાં ૧૯૯૫ સુધી સરકારી પગાર ધોરણોને ધ્યાને રાખી રૂ. ૧૫ હજાર સુધીનું ધીરાણ કરવામાં આવતું હતું. સહકારી પ્રવૃત્તિ-Co-operative movement નો સુદ્રઢ વહીવટથી આર્થિક સદ્ધરતા વધતા ક્રમે ક્રમે ધીરાણની મર્યાદા વધારવામાં આવી અને હાલમાં રૂ. ૨૦ લાખ સુધીનું ધીરાણ કરવામાં આવે છે. રાજ્યમાં સૌથી વધુ ધીરાણ કરવામાં અને થાપણમાં આ સંસ્થા સમગ્ર રાજ્યમાં અવલ્લ છે. ૧૯૮૧થી ઓડિટમાં અ વર્ગ મળે છે.
સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ એવા સભાસદોને રૂ. ૨૦ લાખ સુધીનું ધીરાણ આપવામાં આવતું હોવાથી અનેકના ઘરના ઘરનું સપનુ સાકાર થયું છે. કેટલાયના દીકરાદીકરીના લગ્નપ્રસંગો સુપેરે પત્યા છે. આ ઉપરાંત આરોગ્યલક્ષી સહાય, વાર્ષિક ભેટ, ડિવિડન્ડ, શૈક્ષણિક સહાય આપવામાં આવે છે. આજે આ સહકારી પ્રવૃત્તિઓ સાથે ૧૧૩૪૭ લોકો જોડાયેલા છે. સંસ્થાએ ગત્ત વર્ષે રૂ. ૧૮૬ લાખનો નફો કર્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા તા. ૧થી સહકારી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ત્યારે વડોદરાની આ સંસ્થા સહકારથી સમૃદ્ધિના મંત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કરે છે.
આ પણ વાંચો: Jamnagar : મોબાઈલના વળગણ સામે જાગૃતિ અભિયાન, બાળકોએ કર્યું Fun Walk નું આયોજન


