Chhotaudepur : બીમાર દર્દીઓને હોસ્પિટલ લઈ જતી એમ્બ્યુલન્સ જ બીમાર!
- કવાંટ તાલુકામાં દીપક ફાઉન્ડેશનને આપેલ ambulance ખોટકાઈ
- એમ્બ્યુલન્સને પીક અપ વડે બધી છોટાઉદેપુર રીપેર માટે લઇ જવાઈ
- કવાંટ તાલુકામાં 26 ગામોની સુવિધા માટે ફળવવામાં આવી છે એમ્બ્યુલન્સ
Chhotaudepur : છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આરોગ્ય સેવાઓની કફોડી સ્થિતિ દર્શાવતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ગ્રામીણ વિસ્તારોને સેવા આપતી એમ્બ્યુલન્સ (ambulance) ખોટકાઈ જતાં તેને રિપેરિંગ માટે અન્ય વાહન સાથે બાંધીને લઈ જવી પડી હતી. આ એમ્બ્યુલન્સ આરોગ્ય અને કલ્યાણ વિભાગ દ્વારા દીપક ફાઉન્ડેશનને ફાળવવામાં આવી હતી, જે કવાંટ તાલુકાના 26 જેટલા ગામોના દર્દીઓને તાત્કાલિક સારવાર માટેની સુવિધા પૂરી પાડતી હતી. પરંતુ, લાંબા સમયથી મેન્ટેનન્સના અભાવે આ જીવનરક્ષક વાહન ખરાબ થઇ ગયું હતું.
એમ્બ્યુલન્સને દોરડા વડે બાંધીને ખેંચવામાં આવી
એમ્બ્યુલન્સ બગડી જતાં તેને રિપેર કરાવવા માટે કવાંટથી છોટાઉદેપુર સુધી લઈ જવાની ફરજ પડી હતી. જોકે, આ એમ્બ્યુલન્સ (Ambulance) ને રસ્તા પર દોડાવવાને બદલે તેને એક છકડા (પીકઅપ વાહન) સાથે દોરડા વડે બાંધીને ખેંચી જવામાં આવી હતી. જે એમ્બ્યુલન્સ દર્દીઓને જીવનદાન આપવા માટે અપાઈ હતી, તે જ એમ્બ્યુલન્સની આવી હાલત ઘણા સવાલો ઉભા કરે છે. આ અંગે દીપક ફાઉન્ડેશનના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર હાર્દિક પ્રજાપતિએ જણાવ્યું હતું કે, "અમારી ગાડી ફિલ્ડમાં જતી વખતે બગડી છે. આ ગાડી સરકારી છે અને અહીં (કવાંટમાં) રિપેર થઈ શકે તેમ નથી, તેથી તેને બાંધીને છોટાઉદેપુર રિપેરિંગ માટે લઈ જવામાં આવી છે. આ ગાડી 26 ગામોને સુવિધા આપે છે."
બીમાર દર્દીઓને લઈ જતી Ambulance જ બીમાર
ઉલ્લેખનીય છે કે, આ એમ્બ્યુલન્સ બીમાર દર્દીઓ (Ambulance sick patients) ને લઈ જવા માટે સરકારે આપી હતી પરંતુ અહીં એમ્બ્યુલન્સ જ બીમાર થઈ ગઈ. સરકાર મેન્ટેનન્સ માટે સમયસર ગ્રાન્ટ આપે તો છોટાઉદેપુર જિલ્લાની આવી અનેક એમ્બ્યુલન્સો ખોટકાઈ ત્યારે રિપેર થઈ શકે. છોટાઉદેપુર જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્ર માં એમ્બ્યુલન્સની મરામતની જરૂરિયાત ઉભી થયેલી છે. આ ઘટના સરકારી આરોગ્ય સેવાઓના જાળવણી અને મેન્ટેનન્સ પ્રત્યેની બેદરકારી છતી કરે છે, જેના કારણે ગ્રામીણ વિસ્તારોની આરોગ્ય સેવાઓ ગંભીર રીતે ખોરવાઈ રહી છે.
અહેવાલ - સલમાન મેમણ, છોટાઉદેપુર
આ પણ વાંચો : Chhota Udepur : કવાંટની કરા નદી ઉપરનો બ્રિજ અતિ જર્જરિત બન્યો! વાહનચાલકો માટે જોખમી!