Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Tribals Akhatreej : આદિવાસીઓ માટે અખાત્રીજ એટલે નવા વર્ષની શરૂઆત

આદિવાસીઓ દરેકે દરેક તહેવારોની ઉજવણી રુતુચક્ર પ્રમાણે ઉજવતા હોય છે, અખાત્રીજ આદિવાસીઓ માટે વર્ષની શરૂઆતનો પ્રથમ તહેવાર છે
tribals akhatreej   આદિવાસીઓ માટે અખાત્રીજ એટલે નવા વર્ષની શરૂઆત
Advertisement
  • આદિવાસીઓ અખાત્રીજનો દિવસ ઘરની પૂજન વિધિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે
  • અખાત્રીજે નવા વર્ષની શરૂઆતના લીધે ઘણા પ્રાણીઓ પોતાનો પ્રાકૃતિક વ્યવહાર બદલે
  • પહેલાના સમયમાં દુનિયામાં હવામાન જાણવા માટેની કોઈ લેબોરેટરી નહોતી

Tribals Akhatreej : આદિવાસીઓ હંમેશા પ્રકૃતિને પૂજવામાં માને છે, આદિવાસીઓ દરેકે દરેક તહેવારોની ઉજવણી રુતુચક્ર પ્રમાણે ઉજવતા હોય છે, અખાત્રીજ આદિવાસીઓ માટે વર્ષની શરૂઆતનો પ્રથમ તહેવાર છે. અખાત્રીજે આદિવાસીઓ પોતાના ખત્રી પૂર્વજોને યાદ કરી પોતાના પૂર્વજોના સ્થાનકો પર જરૂરી પૂજન વિધિ કરી, ભાવતી વાનગીઓ બનાવીને ખાય છે. તેમજ હવે વરસાદ આવવાની તૈયારી છે તે બાબતે એક બીજા પર પાણીનો છંટકાવ કરી એક બીજાને પાણીથી ભીંજવી લોકો સાથે હર્ષોલ્લાસ કરે છે. નાના બાળકો ખાખરાના ઝાડનાં ડોરાના ઘોડા બનાવીને ગામ ફળીયામાં દરેક ઘરનાં ઝાંપે જઇને ગીતો ગાતાં ગાતાં એક એક ખાખરાના ડાળીઓથી ઝાપટાં મારે છે.

આદિવાસીઓ અખાત્રીજને પોતાના ઘરની પૂજન વિધિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે

આદિવાસીઓ અખાત્રીજને પોતાના ઘરની પૂજન વિધિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે, અખાત્રીજે પાટલા પૂજન, પિઠોરા પૂજન, સમોણીયુ,પાણગુ જેવી વિવિધ પ્રકારની વિધિઓ ભારે આસ્થાભેર કરતા હોય છે. આદિવાસી સમાજના વાલસિંહભાઈ રાઠવા જણાવે છે કે પ્રકૃતિએ રુતુચક્ર પ્રમાણે અખાત્રીજથી ઘણી બધી રીતે બદલાવ લાવે છે, ધરતી પણ મે મહિનામાં જૂની ખાલ ઉતારીને નવી કૂંપળો થકી પોતાનું નવું સ્વરૂપ ધારણ કરી નવોઢાની જેમ નૈસર્ગિક સૌંદર્ય રેલાવવા માટે સજ્જ થઈ જાય છે, ઝાડ પરના પાંદડાથી માંડીને ઝાડનાં મૂળિયામાં પણ નવી કૂંપળો ફૂટી નીકળે છે અને વગર વર્ષા-પાણીએ, સૂર્ય પણ આકાશમાંથી ધગધગતા અંગારા પૃથ્વી પર ફેંકી રહ્યો હોય એવા તાપમાન છતાં પ્રકૃતિના બેનમૂન વ્યવહાર થકી ઝાડ-મૂળની નવી કૂંપળો ફૂટી નીકળવું એ પ્રકૃતિએ જ પરમેશ્વર, પ્રકૃતિ જ જીવન સુવાક્યને સાર્થક કરે છે.

Advertisement

અખાત્રીજે નવા વર્ષની શરૂઆતના લીધે ઘણા પ્રાણીઓ પોતાનો પ્રાકૃતિક વ્યવહાર બદલે

અખાત્રીજે નવા વર્ષની શરૂઆતના લીધે ઘણા પ્રાણીઓ પોતાનો પ્રાકૃતિક વ્યવહાર બદલે છે. તો કેટલાક પશુ-પક્ષીઓ જીવ જંતુઓ પોતાની રુવાંટી બદલે છે તો કેટલાક પોતાના શરીર પરનો રંગ બદલે છે. તો કેટલાક પક્ષીઓ પોતાના જૂના પીંછા ત્યજીને નવા પીંછા આવતા હોય છે, કેટલાંક પશુ-પક્ષીઓ પોતાના અવાજ પણ બદલી દેતા હોય છે, પક્ષીઓ પોતાના અવાજથી નવા વર્ષના વધામણા કરતા હોય છે. આદિવાસીઓ અખાત્રીજે જ મોટા ભાગે આખા વર્ષના બારેય મહિનાઓ કેવા વિતશે, વરસાદ કેવો થશે અને અનાજ ધાન્ય પાકો તેલીબિયા, રોકડીયા પાકો સહિતની ખેતીમા કેવી બરકત રહેશે તેનો અંદાજો અન્ય ઝાડ પર થતા ફળ ફુલ પરથી લગાવી દેતાં હોય છે. આ બધી બાબતો પર અંદાજો લગાવવા માટે પણ અલગ અલગ માન્યતાઓ રહેલી છે, જેવી કે સિમળાના ઝાડ પર થતા ડોડા જે પ્રમાણમાં લાગે તે પ્રમાણે મકાઇનો પાક કેવો રહેશે તેનો અંદાજ લગાવવામાં આવે છે. એજ પ્રમાણે ઉંબરાના ઝાડ પર થતા ફળ પરથી જૂવારનો પાક કેવો રહેશે તેનો અંદાજ લગાવવામાં આવે છે, કાંકડીયાના ફળ પરથી કપાસનો પાક કેવો રહેશે તેનો અંદાજ દરેક પાકો માટે લગાવવામાં આવે છે.

Advertisement

પહેલાના સમયમાં દુનિયામાં હવામાન જાણવા માટેની કોઈ લેબોરેટરી નહોતી

આમ પહેલાના સમયમાં દુનિયામાં હવામાન જાણવા માટેની કોઈ લેબોરેટરી નહોતી તે સમયે પણ આકાશમા ચંદ્ર-તારા અને સૂર્યની સ્થિતિ થકી સારા ખરાબ સમયનો અંદાજ લગાવી દેતાં હોય છે. જ્યારે દુનિયામાં ઘડિયાળ જેવા યંત્રની શોધ નહોતી થઈ ત્યારે પણ આદિવાસીઓ સુર્ય અને ચંદ્ર-તારાની સ્થિતિઓ જોઈ સમયનો સચોટ અંદાજ લગાવી દેતા હતા. વિશ્વમાં કોઈ હવામાન ચક્ર વિશે આગાહી કરવા માટે કોઈ પ્રકારની સાધન પધ્ધતિઓ નહોતી ત્યારે વાદળોના આકાર અને પ્રકાર જોઇને ક્યા સમયે કેટલા પ્રમાણમાં વરસાદ પડશેનું જણાવતા. આમ પ્રકૃતિના તમામ નિયમોને ભણી ચૂકેલો આદિવાસી પ્રકૃતિની ભાષા સમજી શકતો હોવાને લીધે જ આ અંદાજ લગાવી શકે છે.

અહેવાલ : તોફિક શેખ, છોટાઉદેપુર

આ પણ વાંચો: Chardham Yatra : સઘન સુરક્ષા વચ્ચે ચારધામ યાત્રાનો આરંભ, ગંગોત્રી-યમુનોત્રી ધામના કપાટ ખુલ્યા

Tags :
Advertisement

.

×