Vadodara : ક્રિકેટર યુસુફ પઠાણના જમીન વિવાદમાં હાઇકોર્ટનો પાલિકાની તરફેણમાં નિર્ણય
- સાંસદ યુસુફ પઠાણની જમીન વિવાદમાં પીટીશન ફગાવતી ગુજરાત હાઇકોર્ટ
- તેઓ જે કંઇ કરતા હશે, તે અંગે આગળની કાર્યવાહી કરવામાં આવશે - સુરેશ તુવેર
- પાલિકા પાસે ઓર્ડરની કોપી આવી ગઇ છે, ગમે ત્યારે કાર્યવાહીની શક્યતા
Vadodara : વડોદરાના તાંદલજા વિસ્તારમાં મોટો આલિશાન બંગ્લો ધરાવતા પૂર્વ ક્રિકેટર અને હાલના સાંસદ યુસુફ પઠાણે (Cricketer Yusuf Pathan) જમીન વિવાદ મામલે (Land Encroachment Matter) હાઇકોર્ટમાં કરેલી પીટીશન ફગાવી દેવામાં આવી છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા પાલિકાની તરફેણમાં ચુકાદો આપવામાં આવ્યો છે. યુસુફ પઠાણ અને પરિવારે તેમના ઘર નજીક આવેલી સરકારી જગ્યામાં પોતાના ઘરનો કેટલોક ભાગ બાંધી દીધો હોવાનું સામે આવતા વિરોધ થયો હતો. આ મામલે પાલિકા દબાણ દુર કરવાની કાર્યવાહી આરંભે તેવામાં યુસુફ પઠાણે હાઇકોર્ટમાં પીટીશન ફાઇલ કરી હતી. જેમાં તેમને નિષ્ફળતા જ મળી છે. હવે આ મામલે ચુકાદો પોતાના પક્ષમાં આવ્યા બાદ પાલિકા કેટલી ત્વરિત કાર્યવાહી કરે છે, તે જોવું રહ્યું.
સરકારમાંથી મંજુરી મળી શકી ન્હતી
સમગ્ર મામલે પાલિકાના આસિ. કમિ. સુરેશ તુવેરએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં આવેલો ટીપીનો પ્લોટ પૂર્વ ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણના ઘરની નજીક આવેલો છે. તે જગ્યા પાલિકાની માલિકીની છે. અગાઉ આ પ્લોટ અંગેની માંગણી કરવામાં આવી હતી, તે સમયે પાલિકા દ્વારા પ્લોટ ફાળવણીની કાર્યવાહી કરવામાં આવી હતી. દરમિયાન આ પ્લોટ અંગે સરકારમાંથી મંજુરી મળી શકી ન્હતી.
તુરંત કાર્યવાહી કરવામાં આવશે
તેમણે વધુમાં જણાવ્યું કે, તેના અનુસંધાને તેમણે હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરી હતી. જેના અનુસંધાને નામદાર હાઇકોર્ટ દ્વારા પાલિકાની તરફેણમાં ચુકાદો આપ્યો છે. તેથી સદર પ્લોટ તેમને ફાળવવાનો રહેતો નથી. આ પ્લોટ વડોદરા પાલિકાની માલિકીનો હતો, અને રહેશે. તેઓ જે કંઇ કરતા હશે, તે અંગે આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ પ્લોટનો ઉપયોગ કરતા અથવા તો તેમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરશે, તો તુરંત કાર્યવાહી કરવામાં આવશે. આ અંગેનો હુકમ અમારી પાસે આવી ગયો છે, જેથી તુરંત જ કાર્યવાહી કરવામાં આવશે. સુત્રોના જણાવ્યા અનુસાર, હાઇકોર્ટનો નિર્ણય પાલિકાની તરફેણમાં આવતા યુસુફ પઠાણે જગ્યા પાલિકાને સુપરત કરવી પડશે.
આ પણ વાંચો ----- Vadodara : ચકચારી દિપેન હત્યા કેસનો આરોપી કોર્ટ સંકુલમાંથી ફરાર, પોલીસ દોડતી થઇ


