Vadodara : 'વિસ્તારના રાવણનો વધ કરવાની માતાજી શક્તિ આપે', BJP MLA શૈલેષ સોટ્ટા
- ભાજપના ધારાસભ્ય વિકાસના વિરોધીઓ પર વરસ્યા
- વિરોધીઓને રાવણ ગણાવી વધ કરવા માટે માતાજી પાસે શક્તિ માંગી
- અગાઉ પાદરાના ભાજપના ધારાસભ્યએ વિરોધીઓને રાક્ષસ તરીકે વર્ણવ્યા હતા
Vadodara : વડોદરા ગ્રામ્યમાં આવતા ડભોઇ (દર્ભાવતી) ના (Vadodara - Dabhoi) ધારાસભ્ય શૈલેષ સોટ્ટાનું (BJP MLA Shailesh Sotta) વિસ્તારના વિકાસમાં રાવણની ભૂમિકા ભજવતા લોકો સામેનું નિવેદન સામે આવ્યું છે. જેની પંથકમાં ભારે ચર્ચા છે. નવરાત્રીના નવમાં નોરતાની રાત્રે ડભોઇના ધારાસભ્યએ લોકોને પોતાનું ટુંકુ સંબોધન કર્યું હતું. જેમાં તેમણે વિસ્તારના વિકાસમાં જેટલા રાવણ હોય તેમના વધ કરવાની માતાજી શક્તિ આપે તેવી ઇચ્છા વર્ણવી હતી. આ અગાઉ પાદરાના ભાજપના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા વિરોધીઓને હવનમાં હાડકા નાંખતા રાક્ષસો જોડે સરખાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ હવે ડભોઇના ધારાસભ્યોએ વિકાસના વિરોધીઓને રાવણ તરીકે વર્ણવીને તેમનો વધ કરવાની શક્તિ માંગી છે.
યજ્ઞમાં હાડકા નાંખતા રાવણો બહુ આવતા હોય છે
ડભોઇના ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, અમે આવીએ ત્યારે રંગમાં ભંગ પડે છે. અહિંયા અપેક્ષાની વાત કરી, આપણે માતાજી પાસે એટલું જ માંગીએ, જેવી રીતે ભગવાન રામે, રાવણનો વધ કર્યો, આ વિસ્તારના વિકાસમાં જેટલા રાવણ હોય, તેમના વધ કરવાની માતાજી મને શક્તિ આપે. કારણકે, જ્યારે પણ સારૂ કામ કરતા હોઇએ તો, યજ્ઞમાં હાડકા નાંખતા રાવણો બહુ આવતા હોય છે. આપણે તો એટલું જ માંગીએ, જે કોઇ શત્રુઓ હોય, હિતશત્રુઓ હોય તમામનો માતાજી નાશ કરે, અને વિસ્તારનો વિકાસ કરવાની શક્તિ આપે તે જ અભ્યર્થતા. તમારી જે કોઇ અપેક્ષાઓ હોય, તે મને જણાવી દેજો, તેને પરિપૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશ, આભાર.
નિવેદને ભારે ચર્ચા જગાવી
અત્રે નોંધનીય છે કે, અગાઉ પાદરાના ભાજપના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા વિરોધીઓને ખાસ કરીને કોંગ્રેસીઓના નામ લીધા વગર તેમને હવનમાં હાડકા નાંખનારા રાક્ષસો તરીકે વર્ણવ્યા હતા. જેને પગલે સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો હતો. અને સામ-સામે નિવેદનબાજી થઇ હતી. ત્યાર બાદ હવે ડભોઇના ભાજપના ધારાસભ્યનું વિરોધીઓના વધ કરવાની શક્તિ માતાજી આપે તેવું નિવેદન સામે આવ્યું છે. જે પંથકમાં ભારે ચર્ચામાં આવ્યું છે. હવે આ મામલે કોઇ વિરોધી પ્રતિક્રિયા આપે છે, કે નહીં તે જોવું રહ્યું.
આ પણ વાંચો ----- Vadodara : દશેરા પર્વ પર શહેર પોલીસ કમિશનરે શસ્ત્રો, વાહન અને અશ્વની પૂજા કરી


