ચાર પૈડાં પર ફરતી લાઇબ્રેરીએ હજારો બાળકોની ઉત્સુકતા સંતોષી
- વડોદરામાં વ્હીલ્સ ઓન લાઇબ્રેરીનો અનોખો કોન્સેપ્ટ
- અત્યાર સુધીમાં હજારો બાળકોની ઉત્સુકતા સંતોષી
- સેવાનો હેતુ સાક્ષરતા વધારવા અને યુવાન વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યેનો પ્રેમ વધારવાનો છે
Library On Wheels : વડોદરાની સરકારી શાળાઓના બાળકોના જીવનમાં જ્ઞાન, સર્જનાત્મકતા અને કલ્પનાશક્તિના નવા રંગો ભરી રહેલી બિલિયન લાઈવ્ઝ ફાઉન્ડેશનની “લાઇબ્રેરી ઑન વ્હીલ્સ” (Library On Wheels - Vadodara) પહેલ આજે સમગ્ર જિલ્લામાં પ્રેરણાસ્ત્રોત બની છે. વર્ષ 2023માં શરૂ થયેલી આ મોબાઇલ લાઇબ્રેરી અત્યાર સુધી 60 થી વધુ શાળાઓ સુધી પહોંચી છે અને 4500 થી વધુ બાળકોના જીવનમાં વાંચનનો પ્રકાશ ફેલાવ્યો છે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાઓમાં 500થી વધુ વાર્તા પુસ્તકો, નૈતિક કથાઓ, જીવનચરિત્રો, ગણિત કોયડાં, પંચતંત્ર, અકબર-બીરબલ, રંગીન પ્રવૃત્તિ પુસ્તકો જેવી અનેક સામગ્રી સાથે આ વાન શાળાઓની મુલાકાતે જતી હોય છે.
વ્હીલ્સ પર જ્ઞાન યાત્રા
“લાઇબ્રેરી ઑન વ્હીલ્સ” (Library On Wheels - Vadodara) જયારે શાળાની મુલાકાતે જાય ત્યારે એક કલાક માટે બાળકોને પોતાના મનગમતા પુસ્તકો વાંચવાની તક મળે છે. સ્વયંસેવકો વિદ્યાર્થીઓની વાંચન આદતોની સમીક્ષા કરે છે, સાથે આરોગ્ય, સ્વચ્છતા અને જીવનકૌશલ્ય જેવી બાબતો પણ શીખવે છે. ઘણા બાળકો માટે આ પહેલી જ વાર છે જ્યારે તેઓ પાઠ્યપુસ્તકો સિવાય અન્ય પુસ્તકો વાંચી રહ્યા છે, જેના કારણે તેમની જિજ્ઞાસા, કલ્પનાશક્તિ અને આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. ખાસ કરીને સરકારી શાળાઓના બાળકોને સેવા આપવા માટે રચાયેલ આ મોબાઇલ લાઇબ્રેરી સેવાનો હેતુ સાક્ષરતા વધારવા અને યુવાન વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યેનો પ્રેમ વધારવાનો છે.
“જો બાળકો પુસ્તકાલય સુધી નહીં પહોંચી શકે, તો પુસ્તકાલયને તેમની પાસે લઈ જઈશું”
બાળકો આ વાનની (Library On Wheels - Vadodara) આતુરતાથી રાહ જોતા હોય છે. રંગીન શેલ્ફમાંથી પુસ્તકો પસંદ કરવાની મજા, મિત્રો સાથે વાંચવાનો આનંદ અને સ્વયંસેવકો દ્વારા આરોગ્ય-સ્વચ્છતા, મૂલ્યો અને વાર્તા કથન જેવી પ્રવૃત્તિઓ, આ બધું બાળકોને વાંચનની દુનિયા સાથે જોડે છે. ધોરણ 4, 5, 8, અને 11ના બાળકોને ધ્યાનમાં રાખીને સંપૂર્ણપણે “પાઠ્યપુસ્તકો સિવાયની” વાંચન સામગ્રી સાથે આ લાઇબ્રેરી બનાવામાં આવી છે.
શિષ્યવૃત્તિ શરૂ કરાઈ
સંચાલક કિન્નરી હરિયાણીએ જણાવ્યું કે, “અમારું ધ્યેય સાક્ષરતા વધારવું અને યુવા મનમાં સર્જનાત્મકતાનો ચેતનાનો દીવો પ્રગટાવવાનો છે. વંચિત બાળકોને પુસ્તકોનો સીધો સંપર્ક મળે એ માટે જ ‘લાઇબ્રેરી ઑન વ્હીલ્સ’ (Library On Wheels - Vadodara) શરૂ કરી હતી.” બિલિયન લાઇવ્ઝ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે તેજસ્વી વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ શરૂ કરાઈ છે અને દર વર્ષે નવી સરકારી શાળા ઉમેરવામાં આવે છે. વધુ શાળાઓ સુધી પહોંચવા માટે બીજી મોબાઇલ લાઇબ્રેરી ઉમેરવાનું આયોજન કરી રહ્યા છે.
ગુજરાતમાં મોબાઇલ લાઇબ્રેરીનો ઇતિહાસ
ગુજરાત રાજ્યમાં મોબાઇલ લાઇબ્રેરીનો (Library On Wheels - Vadodara) વિચાર નવો નથી. મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ બરોડા રાજ્યમાં જાહેર પુસ્તકાલયની ક્રાંતિ શરૂ કરી હતી અને 1910માં સ્થાપિત સેન્ટ્રલ લાઇબ્રેરી, વડોદરા ભારતનું પ્રથમ આધુનિક જનપુસ્તકાલય બની. તે સમયથી ગામ-ગામ સુધી “ટ્રાવેલિંગ લાઇબ્રેરી” કે "મોબાઇલ પુસ્તકાલય"ની સેવા શરૂ થઈ હતી. એટલે બાળકો અને સામાન્ય નાગરિકોને પુસ્તકો સુધી સીધું ઍક્સેસ મળી રહે.
સર્વ શિક્ષા અભિયાનના લક્ષ્યોને ગતિ આપે
આજકાલ બિલિયન લાઈવ્સ ફાઉન્ડેશન જેવી એનજીઓ આ જ વારસાને આધુનિક સ્વરૂપ આપી રહી છે. વડોદરાની સરકારી શાળાઓમાં “લાઇબ્રેરી ઑન વ્હીલ્સ” (Library On Wheels - Vadodara) સર્વ શિક્ષા અભિયાનના લક્ષ્યોને ગતિ આપે છે અને બાળકોમાં વાંચનની ટેવ કેળવવા માટે નવા માપદંડો ઊભા કરી રહી છે. આજે આ પહેલ માત્ર પુસ્તકો પૂરતી નથી પરંતુ નવા વિચાર, નવી કલ્પના અને ભવિષ્યની શક્યતાઓ તરફનું એક ખુલ્લો દ્વાર છે. મહારાજા સયાજીરાવની દ્રષ્ટિથી શરૂ થયેલી પબ્લિક લાઇબ્રેરી સંસ્કૃતિ આજે આ પહેલ દ્વારા જીવંત બની છે. સરકાર, એનજીઓ અને સમુદાય સાથે મળીને કામ કરે તો ગ્રામ્ય અને વંચિત વિસ્તારોમાં શિક્ષણની અસર અનેકગણી વધી શકે છે.
આ પણ વાંચો ------ Vadodara : ગરબાના મેદાન સુધી મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરતી વડોદરા પોલીસ


