Vadodara : નશામાં ચૂર કોન્સ્ટેબલ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ
- સોસાયટીના રહીશે પોલીસ ફરિયાદ નોંધાવી
- નશામાં ધમાલ મચાવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો
- પોલીસ દ્વારા કોન્સ્ટેબલ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરાઇ
Vadodara : વડોદરા (Vadodara) માં નશામાં ચૂર પોલીસ કોન્સ્ટેબલ (Police Constable) વિરૂદ્ધ પોલીસ ફરિયાદ (Police Complaint) નોંધવામાં આવી છે. વડોદરા જિલ્લામાં આવેલા પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ દ્વારા નશાની હાલતમાં સોસાયટીના રહીશો જોડે બબાલ કરવામાં આવતી હોવાની ઘટના સામે આવી હતી. જો કે, પહેલી ઘટનામાં પોલીસે સમાધાનકારી વલણ અપનાવ્યું હતું. જે બાદ ફરી એક વખત ધમાલ મચાવવાની ઘટના સામે આવતા મામલો પોલીસ મથક પહોંચ્યો હતો. જેમાં ફરિયાદ નોંધાઇ છે. આ ઘટના અંગેના વાયરલ થયેલા વીડિયોમાં પોલીસ કોન્સ્ટેબલને બોલવાના અને ઉભા રહેવાના પણ હોશ ના હોવાનું જાણવા મળી રહ્યું છે. સાથે જ તે વીડિયો લેનાર વ્યક્તિ પર વારે વારે આક્રોશિત થતો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઇ આવે છે. હવે આ મામલે પોલીસ કેવી કડક કાર્યવાહી કરે છે, તે જોવું રહ્યું.
100 નંબર પર ફોન કર્યો હતો
મકરપુરા પોલીસ મથકમાં કિરણકુમાર બાબુભાઇ નાગરે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ એડવર્ટાઇઝમેન્ટ એજન્સી ચલાવે છે. અને શિવશક્તિ નગરમાં રહે છે. તેમની સોસાયટીમાં આવેલા મંદિરના બાકડા પર તેઓ બેઠા હતા. ત્યારે એક ઇસમે આવીને કહ્યું કે, તમારાથી કશું તુટવાનું નથી, બાદમાં તેણે બકવાસ શરૂ કર્યો હતો. બાદમાં તેમણે 100 નંબર પર ફોન કર્યો હતો. અને જાણ કરી કે, એક ઇસમ દારૂ પીને ઝઘડો કરે છે. જે વર્ધીના આધારે પોલીસ આવી પહોંચી હતી. બાદમાં તેની પુછપરછ કરતા પોતાનું નામ અમિતકુમાર નરોત્તમભાઇ પરમાર (રહે. હરિઓમ ધામ સોસાયટી, મકરપુરા) હોવાનું જણાવ્યું હતું.
પરમિટ માંગતા તે આપી શક્યો ન્હતો
અમિત પરમારની આંખો નશામાં લાલચોળ જણાતી હતી. એટલું જ નહીં, તેના ચાલવાના પણ હોશ ન્હતા, તે પોતાનું સંતુલન જાળવી શકે તેમ પણ ન્હતું. તેની પાસે દારૂ પીવાની પરમિટ માંગતા તે આપી શક્યો ન્હતો. આખરે અમિત પરમાર વિરૂદ્ધ મકરપુરા પોલીસ મથકમાં પ્રોહીબીશનની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો ------ Vadodara માં ફરી SMC નો સપાટો, રૂ. 51 લાખથી વધુનો વિદેશી દારૂનો મુદ્દામાલ જપ્ત


