Vadodara Range ની મહિલા ખો-ખો ટીમે DGP કપ જીત્યો
- Vadodara Range ની મહિલા ખો-ખો ટીમે DGP કપ જીત્યો
- છોટાઉદેપુરની 8 ખેલાડીઓએ ગુજરાતનું નામ રોશન કર્યું
- DGP કપ વિજેતા ટીમમાં છોટાઉદેપુરની તાકાત છવાઈ
Vadodara Range Police : ગુજરાત પોલીસ વિભાગ માટે ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં પાલનપુર ખાતે યોજાયેલી પ્રતિષ્ઠિત DGP Cup મહિલા ખો-ખો ટુર્નામેન્ટમાં વડોદરા રેન્જ (Vadodara Range) ની ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ચેમ્પિયન ટ્રોફી પર કબજો જમાવ્યો છે. ફાઇનલ મેચમાં હરીફ ટીમને પરાજય આપીને વડોદરા રેન્જની ટીમે આ શાનદાર ટ્રોફી પર કબજો જમાવ્યો હતો, જેનાથી સમગ્ર પોલીસ વિભાગમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.
DGP કપ વિજેતા ટીમમાં છોટાઉદેપુરની તાકાત છવાઈ
આ વિજયમાં સૌથી મહત્વની અને નોંધપાત્ર બાબત એ છે કે, વિજેતા ટીમમાં છોટાઉદેપુર જિલ્લાની મહિલા ખેલાડીઓએ સિંહફાળો આપ્યો છે. માત્ર આ ટૂર્નામેન્ટમાં જ નહીં, પરંતુ આગામી નેશનલ ખો-ખો ટુર્નામેન્ટ માટે ગુજરાતની ટીમમાંથી જે 12 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે, તે પૈકીની 8 ખેલાડીઓ છોટાઉદેપુર જિલ્લાની છે! આ 8 વીરાંગનાઓ હવે જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી નેશનલ ટુર્નામેન્ટમાં ગુજરાત રાજ્યનું ગૌરવપૂર્ણ પ્રતિનિધિત્વ કરશે.
વડોદરા રેન્જના આ ભવ્ય વિજય બદલ છોટાઉદેપુરના SP ઇમ્તિયાઝ શેખે વિજેતા ટીમનું વિશેષ સન્માન કરીને દરેક ખેલાડીને તેમની સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ મહિલા ખેલાડીઓની સિદ્ધિ ખરેખર પ્રશંસાને પાત્ર છે, કારણ કે તેઓ માત્ર પોલીસ વિભાગની પડકારરૂપ ફરજો જ નથી નિભાવી રહી, પરંતુ સાથે સાથે પરિવારની જવાબદારીઓ પણ સંભાળે છે. આટલી વ્યસ્તતા વચ્ચે પણ તેમણે રમતગમતમાં જે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે, તે તેમના અડગ દ્રઢ સંકલ્પ અને પરિશ્રમનું જીવંત ઉદાહરણ છે.
છોટાઉદેપુરની ખેલાડીઓએ ગુજરાતનું નામ રોશન કર્યું
SP શેખે આ વિજયને 'ફિટ ઇન્ડિયા' અને 'ખેલો ઇન્ડિયા' અભિયાનની સફળતાનો પુરાવો ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "પોલીસ વિભાગની આ મહિલા કર્મીઓએ સમગ્ર દેશને એ સંદેશ આપી દીધો છે કે ફરજ, પરિવાર અને રમતગમત – આ ત્રણેયને એકસાથે સંપૂર્ણ ન્યાય આપી શકાય છે." છોટાઉદેપુરની આ દીકરીઓએ સાબિત કરી દીધુ છે કે તે કોઇનાથી પણ કમ નથી અને ગુજરાત પોલીસનું નામ સમગ્ર દેશમાં ઉજ્જવળ કર્યું છે.
અહેવાલ - સલમાન મેમણ, છોટાઉદેપુર
આ પણ વાંચો : Chhotaudepur : બીમાર દર્દીઓને હોસ્પિટલ લઈ જતી એમ્બ્યુલન્સ જ બીમાર!