Vadodara : નોરતામાં કન્ટેનરના પાર્ટીશનમાં રાખીને લઇ જવાતો વિદેશી દારૂ જપ્ત કરતી LCB
- તહેવાર ટાણે વડોદરા ગ્રામ્ય પોલીસ સતર્ક
- વિદેશી દારૂ લઇ જતું કન્ટેનર ઝડપી પાડ્યું
- પાર્ટીશનમાં ગુપ્ત ખાનું બનાવી દારૂને હેરાફેરીનો કિમિયો નાકામ
Vadodara : હાલ નવરાત્રી (Navratri - 2025) ચાલી રહી છે. દરમિયાન બુટલેગરો દ્વારા દારૂ ઘૂસાડવા માટે અવનવા કિમિયા અજમાવવામાં આવી રહ્યા છે. સામે પોલીસ પણ તેમના આ કિમિયા ડામવા માટે સતર્ક બની છે. વડોદરા ગ્રામ્ય એલસીબી (Vadodara Rural - LCB) દ્વારા બાતમીના આધારે એક્સપ્રેસ-વે પરથી કન્ટેનરમાં લઇ જવાતો વિદેશી દારૂનો જંગી જથ્થો (Illegal Liquor) પકડી પાડ્યો છે. આ કાર્યવાહીમાં એક આરોપીને દબોચી લેવામાં આવ્યો છે.
એક્સપ્રેસ-વે ના ટોલનાકા નજીક વોચ ગોઠવી
વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (Vadodara Rural - LCB) દ્વારા ઓપરેશન પરાક્રમ હેઠળ બુટલેગરો અને માદક પદાર્થોનો વેપાર કરતા તત્વો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલને સંયુક્ત બાતમી મળી કે, ભરૂચછી વડોદરા તરફ એક્સપ્રેસ-વે પર અમદાવાદ તરફ એક કન્ટેનરમાં દારૂનો જથ્થો લઇ જવામાં આવી રહ્યો છે. બાતમીના ધ્યાને રાખીને એલસીબીની ટીમે આજોડ ગામની સિમમાં એક્સપ્રેસ-વે ના ટોલનાકા નજીક વોચ ગોઠવી હતી.
કુલ રૂ. 61.19 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો
દરમિયાન બાતમીથી મળતું આવતું કન્ટેનર જણાતા તેને રોકવામાં આવ્યું હતું. કન્ટેનરમાં સઘન તપાસ કરતા પાર્ટીશન પાડીને ગુપ્ત ખાનું બનાવવામાં આવ્યું હતું. જે ખાનાનો દરવાજો કન્ટેનરના ઉપરના ભાગે હતો. જેને ખોલીને તપાસ કરતા, ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો મોટી માત્રામાં મળી આવી હતી. જેની કિંમત રૂ. 46.06 લાખ આંકવામાં આવી રહી છે. આ કાર્યવાહીમાં પોલીસે વિદેશી દારૂનો જથ્થો, કન્ટેનક, મોબાઇલ મળીને કુલ રૂ. 61.19 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
બે વર્ષથી નાસતો-ફરતો હતો
ઉપરોક્ત કાર્યવાહીમાં એલસીબીની ટીમોએ (Vadodara Rural - LCB) પન્નારામ ઉર્ફે સુરેશ ચુનારામ જાટ (રહે. ગામ, ધારાસર, રામજી કી ધાણી, ચોટણ, બાડમેર, રાજસ્થાન) ની ધરપકડ કરી છે. આરોપી ગાંધીધામના આડેસર પોલીસ મથક અને રાજસ્થાનના કરવાર પોલીસ મથક ખાતે નોંધઘાયેલા વિદેશી દારૂના કેસમાં વિતેલા બે વર્ષથી નાસતો ફરતો હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો ----- Vadodara : નર્સિંગ કોલેજની અવ્યવસ્થા ઉજાગર કરતા યુવરાજસિંહ જાડેજા, પાણી-ભોજનમાં ભારે મુશ્કેલી


