Vadodara : દશેરા પર્વને લઇને પાલિકાના ફૂડ વિભાગનું ચેકિંગનું નાટક
- પાલિકાને મોડે મોડે ચેકિંગ કરવાનું સુઝ્યુ
- દશેરાને ધ્યાને લઇને ચારેય ઝોનમાં ચેકિંગ હાથ ધરાયું
- આજે સવારથી જ ફરસાણની દુકાનોએ તૈયારીઓનો ધમધમાટ જોવા મળ્યો
Vadodara : આવતી કાલે દશેરા નિમિત્તે વડોદરા (Vadodara) સહિત દેશભરમાં કરોડો રૂપિયાના ફાફડા-જલેબી લોકો આરોપી જશે. દશેરાના (Dussehra) એક દિવસ પહેલા વડોદરામાં પાલિકાના ફૂડ વિભાગ (VMC Food Department) દ્વારા ચેકિંગનું નાટક કરવામાં આવ્યું છે. જેમાં શહેરના ચારેય ઝોનમાં પાલિકાની ટીમો ત્રાટકી છે, અને ફરસાણના વેપારીઓને ત્યાંથી શંકાસ્પદ નમુના લેવામાં આવી રહ્યા છે. આ નમુનાઓને ચેકિંગ અર્થે પાલિકાની લેબોરેટરીમાં મોકલવામાં આવશે. જેના પરિણામો આવતા વાર લાગશે, ત્યાં સુધીમાં તો કેટલોય બિન આરોગ્યપ્રદ ખોરાક લોકોના પેટમાં જઇ ચૂક્યો હશે. પાલિકાની ટીમ દ્વારા આવી ઢીલી કામગીરીને પગલે જ મિલાવટખોરો, અથવા તહેવારોમાં કમાઇ લેવા માટે નિયમોની ઐસીતૈસી કરતા તત્વોને છુટ્ટો દોર મળ્યો હોવાની પ્રબળ લોકચર્ચા છે.
ટીમો ચારેય ઝોનમાં વિવિધ દુકાનોએ ત્રાટકી
આવતી કાલે દશેરાએ ફાફડા-જલેબીની માંગને લઇને વેપારીઓ દ્વારા છેલ્લા કેટલાય દિવસોથી તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આજે સવારથી જ કેટલીક દુકાનોએ ચુલ્હા સળગી ગયા છે, અને એડવાન્સ ઓર્ડરને પહોંચી વળવા વેપારીઓએ કમર કસી છે. ત્યારે મોડે મોડે પાલિકાના આરોગ્ય વિભાગની ચેકિંગ કરવાનું સુઝ્યું છે. આજે સવારથી જ પાલિકાની આરોગ્ય શાખાની ટીમો ચારેય ઝોનમાં વિવિધ દુકાનોએ ત્રાટકી છે. અને શંકાસ્પદ નમુનાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે. અનેક ફરસાણની દુકાનોએથી ફાફડા, જલેબી અને ચટણી સહિતના નમુના લેવામાં આવ્યા છે.
ઘોડા છૂટ્યા બાદ તાળા મારવા નીકળ્યા
જો કે, પાલિકાની આ કામગીરી શંકાના દાયરામાં છે. આવતી કાલે ફાફડા અને જલેબી લોગો આરોગી ગયા બાદ શંકાસ્પદ ખાદ્યપદાર્થોનો રિપોર્ટ આવશે. જેનાથી લોકોના આરોગ્ય સાથે ચેડાં અટકાવી શકાય તેમ નથી. જેથી આ કામગીરી ઘોડા છૂટ્યા બાદ પાલિકાની ટીમ તાળા મારવા નીકળી હોય તેવી ગણવામાં આવી રહી છે. અત્રે નોંધનીય છે કે, પાલિકાની ખોરાક શાખાની કામગીરી સામે અવાર-નવાર સવાલો ઉઠવા પામતા હોય છે.
આ પણ વાંચો ----- Surat : દિવાળી પહેલા સુરતવાસીઓને મોટી ભેટ, ST નિગમને 40 નવી બસ ફાળવાઈ