Vadodara : અધિકારીએ કામ શરૂ કરવાનો વાયદો પૂર્ણ નહીં કરતા કોર્પોરેટર સલવાયા
- ભાજપના કોર્પોરેટર લોકરોષનો ભોગ બન્યા
- વરસાદી ચેનલનું કામ શરૂં નહીં કરવામાં આવતા લોકો નાખુશ
- કોર્પોરેટર સ્નેહલબેન પટેલે અધિકારીમાં અંદરો-અંદર સંકલનનો અભાવ ખુલ્લો પાડ્યો
Vadodara : વડોદરા (Vadodara) ના વહીવટી (VMC) વોર્ડ નં - 16 માં વરસાદમાં અનેક સોસાયટીઓમાં પાણી ભરાઇ જવાની સમસ્યા સર્જાય છે. ત્યારે આ સમસ્યાનો લાંબાગાળાનો ઉકેલ લાવવા માટે ગુરૂકુલ ચાર રસ્તાથી હાઇવે સુધી વરસાદી ચેનલ નાંખવાનું કામ મંજુર કરવામાં આવ્યું હતું. આ કામ પહેલા નોરતેથી શરૂ કરવાનો વાયદો અધિકારીએ આપ્યો હતો. જો કે, પાંચના નોરતા સુધી કામ શરૂ નહીં કરવામાં આવતા સ્થાનિકો રોષે ભરાયા હતા. જેને પગલે કોર્પોરેટરે નારાજગીનો સામનો કરવો પડ્યો છે. પાલિકા દ્વારા રસ્તા પર મોટા મોટા સિમેન્ટના ભૂંગળા મુકી દેવામાં આવ્યા છે. લોકો અને કોર્પોરેટરનો રોષ સામે આવ્યા બાદ, હવે કામગીરી ક્યારે શરૂ થાય છે, તે જોવું રહ્યું.
આપણે અહિંયાથી કામ ચાલુ કરવાના હતા
વડોદરાના વહીવટી વોર્ડ નં - 16 ના ભાજપના કોર્પોરેટર સ્નેહલ બેન પટેલે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, વર્ષ 2019 થી વરસાદમાં પાણી ભરાતા હતા, ત્યારથી હું તેમની સાથે છું, ત્યાર બાદ મેં વરસાદી લાઇન મંજુર કરાવી હતી. કામ મંજુર થઇ ગયા બાદ હાલમાં 6 મહિના વરસાદ હોવાના કારણે કામ ન્હતું ચાલુ કર્યું. અધિકારીએ પહેલી નવરાત્રીથી ચાલુ કરવાનું જણાવ્યું હતું. મેં મારા નાગરિકોને જ્યારે કહ્યું હોય, કે પહેલા નોરતેથી કામ ચાલુ થશે, લોકો સતત પુછતા હતા. મને ગરબા થાય છે તેનો વિરોધ નથી. પરંતુ અધિકારીને ખબર નથી, કે આપણે અહિંયાથી કામ ચાલુ કરવાના હતા.
તેમનો આક્રોશ સ્વભાવિક છે
તેમણે વધુમાં જણાવ્યું કે, અધિકારીઓમાં અંદરો-અંદર સંકલન નહીં હોવાના કારણે, અમારે લોકોનો આક્રોષ વેઠવો પડ્યો છે. હું નાગરિકો સાથે છું, તેમનો આક્રોશ સ્વભાવિક છે. અધિકારીએ જણાવ્યું હતું કે, પહેલા નોરતે ગુરૂકુલ ચાર રસ્તાથી હાઇવે સુધી વરસાદી ચેનલ નાંખવાનું કામ થવાનું હતુંં. આ કામગીરી ચાલુ કરવાની હતી. હવે લોકોને થયું કે, અમારૂ કામ ના થયું, જેથી તેમનો આક્રોશ સ્વભાવિક છે. જ્યાં સચ્ચાઇ હશે, ત્યાં હું ઉભી રહીશ. આ મોટું કામ છે, તેને થતા 6 મહિના લાગી શકે છે, હાલ નવરાત્રી ચાલી રહી છે, અને પછી દિવાળી આવશે, એટલે રજાઓ પડશે, જેથી આ કામ જલ્દી થાય તેવી મારી માંગ હતી.
આ પણ વાંચો ------ Rain Forecast in Navratri 2025 : ખેલૈયાઓની મજા બગાડશે મેઘરાજા, 4 દિવસ ભારે વરસાદની આગાહી