Vadodara : ખાડા દુર કરવા પ્રથમ વખત 'જેટ પેચર મશીન' મુકાયું, રોડના બજેટમાં વધારો કરવાની નેમ
- વડોદરામાં ખાડા પૂરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઇ
- પ્રથમ વખત ઝડપી કામગીરી કરવા જેટ પેચર મશીન મુકાયું
- આગામી સમયમાં ઝોન દીઠ જેટ પેચર મુકવાનું આયોજન
- રોડ કન્સલ્ટન્ટની નિમણૂંક કરવાની પણ તૈયારી દર્શાવતા મ્યુનિસિપલ કમિશનર
Vadodara : વડોદરા (Vadodara) માં રોડ રસ્તા પર એટલા ખાડા પડી ગયા છે કે, શહેરને ખાડોદરાની ઉપમા આપવામાં આવી રહી છે. આ વચ્ચે આજે પાલિકા દ્વારા રોડ પરના ખાડા પુરવા માટે પ્રથમ વખત જેટ પેચર મશીન (Jet Pacher Machine - VMC) કામે લગાડવામાં આવ્યું છે. આજે દક્ષિણ ઝોનમાં પ્રથમ જેટ પેચર મશીન કામે લગાડવામાં આવ્યું છે. આવનાર સમયમાં ઝોન દીઠ એક એક મશીન મુકવામાં આવશે. આ મશીન સમય બચાવશે, અને રોડનું પેચ વર્ક કરીને ઝડપથી વાહનો તેના પરથી પસાર થઇ શકશે. સાથે જ પાલિકા કમિશનર દ્વારા રોડ પ્રોજેક્ટના બજેટમાં વધારો કરવાના સંકેતો પણ આપ્યા છે.
જૂની રીતે કરીએ તો સમય વધારે જાય
પાલિકા કમિશનર અરૂણ મહેશ બાબુએ (VMC Commissioner - Arun Babu IAS) મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે. ચોમાસાની રૂતુમાં રોડ રસ્તા પર ખાડા પડી ગયા છે. તેનું પરમ દિવસથી કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ વખતે પહેલી વખત જેટ પેચર મશીન થકી કામ શરૂ કરવામાં આવ્યું છે. કામ ઝડપથી કરી શકાય અને વાહનો પણ તેના પરથી સરળતાથી પસાર થઇ શકે, જો જૂની રીતે કરીએ તો સમય વધારે જાય. હાલ આપણે જેટ પેટર મશીન એક લાવ્યા છીએ. અને આગામી સમયમાં ત્રણ લાવીશું. આના કારણે જલ્દીથી લોકોની નારાજગી દુર કરી શકાશે. વહેલી તકે ખાડા પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સાથે જ 18 મીટરથી વધુના રોડના કામો માટે ટેન્ડરીંગ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
કામગીરીમાં કન્સલ્ટન્ટનો ઉમેરો કરાશે
તેમણે વધુમાં જણાવ્યું છે, પાલિકા રોડ વર્કસ માટે જે ખર્ચ કરતી હતી, તેના કરતા 45 ટકા વધારે બજેટ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. આવનાર વર્ષમાં રોડ માટે સ્વર્ણીંંમ અને અમૃતમ યોજનામાંથી બજેટ ફાળવવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં રોડ કન્સલ્ટન્ટ્સને પણ લાવવાનું અમે આયોજન કરી રહ્યા છે. આ વખતે ત્રણથી ચાર કન્સલ્ટન્ટ્સને અમે ઝોન પ્રમાણે કામગીરી સોંપીને હાથ ધરનાર છીએ. હાલ સાઉથ ઝોનમાં કામ શરૂ કરવામાં આવ્યું છે.
પેચ વર્ક કાયમી કામગીરીનો ભાગ નથી
તેમણે આખરમાં જણાવ્યું કે, વેસ્ટ ઝોનમાં નટુભાઇ સર્કલ, ચકલી સર્કલ ત્યાં પણ તેનો ઉપયોગ કરવામાં આવનાર છે. અમે ત્રણ દિવસ સુધી અલગ અલગ વિસ્તારોમાં મુલાકાતે જનાર છીએ. આ ખાડાઓ વહેલીતકે પૂરવા માટે અમે તત્પર છીએ. પેચ વર્ક કાયમી કામગીરીનો ભાગ નથી, તે માત્ર રિસ્ટોરેશન છે. આવનાર સમયમાં રોડનું રીસર્ફેસિંગ પણ હાથ ધરવામાં આવશે, જેમાં યોગ્ય રીતે રોડનું નિર્માણ કરવામાં આવશે.
આ પણ વાંચો ------ Vadodara : શ્રાદ્ધ પર્વ નિમિત્તે સેંકડો ગૌ માતા-નંદીજી મહારાજને ડાઇનીંગ ટેબલ પર તૈયાર ભાણું પીરસાયું


