Vadodara : ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે જિલ્લાને રૂ. 37 કરોડના વિકાસકાર્યોની ભેંટ મળી
- ગૃહ રાજ્યમંત્રીશ્રી અને પ્રભારી મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં સોખડા ખાતે જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાયો
- વડોદરા જિલ્લાને મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે રૂ. ૩૭ કરોડથી વધારે ખર્ચના વિકાસના ૮૬૦ જેટલા પ્રકલ્પોની ભેટ મળી
- આ વિકાસ રથ ગુજરાત અને દેશની કાયાપલટની ફિલ્મ નિદર્શનની સાથે લોકોને યોજનાકીય લાભો અને વિકાસાત્મક કાર્યોથી પણ લાભાન્વિત કરે છે: શ્રી હર્ષભાઈ સંઘવી
Vadodara : વિકાસ સપ્તાહ-૨૦૨૫ (Vikas Saptah - 2025) ના દ્વિતીય દિવસે ગૃહ રાજ્યમંત્રી અને પ્રભારી મંત્રી હર્ષભાઈ સંઘવીની (Home Minister Of Gujarat - Harsh Sanghavi) પ્રેરક ઉપસ્થિતિમાં સોખડા સ્થિત હરિધામ સ્વામિનારાયણ મંદિર સામે વડોદરા જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લાને મંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે કુલ રૂ. ૩૭ કરોડથી વધારે ખર્ચના અંદાજે ૮૬૦ જેટલા વિકાસ પ્રકલ્પોની ભેટ મળતા વિકાસોત્સવની ઊજવણી કરવામાં આવી હતી. જેમાં રૂ. ૧૧.૮૭ કરોડના ખર્ચે નિર્માણ થયેલા કુલ ૨૫૭ પ્રકલ્પોના ઈ-લોકાર્પણ તેમજ રૂ. ૨૫.૭૭ કરોડના ખર્ચે નિર્માણ થનાર વિકાસના કુલ ૬૦૨ પ્રકલ્પોના ઈ-ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.
તમામ ક્ષેત્રે સાધેલા વિકાસગાથાને વર્ણવી
૭ ઓક્ટોબર, ૨૦૦૧ નો દિવસ ગુજરાત અને ગુજરાતીઓ માટે ઐતિહાસિક હતો, તેમ કહીને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ (Home Minister Of Gujarat - Harsh Sanghavi) નત મસ્તક થઈને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો (PM Narendra Modi) આભાર વ્યક્ત કર્યો હતો. આજના વિકસિત ગુજરાતને સમજવા માટે ભૂતકાળમાં ડોકિયું કરવું પડે, તેમ કહીને મંત્રીશ્રીએ છેલ્લા ૨૪ વર્ષમાં ગુજરાતે મહિલા સશક્તિકરણ, કન્યા કેળવણી, શિક્ષણ, આરોગ્ય, માળખાકીય સુવિધાઓ, કૃષિ, કાયદો-વ્યવસ્થા સહિતના તમામ ક્ષેત્રે સાધેલા વિકાસગાથાને વર્ણવી હતી.
નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની જે કેડી કંડારી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના (PM Narendra Modi) નેતૃત્વમાં ગુજરાતની ૨૪ વર્ષની સફળ અને સર્વગ્રાહી વિકાસયાત્રાની ઉજવણી બદલ શ્રી સંઘવીએ સૌને શુભકામનાઓ પાઠવી જણાવ્યું હતું કે, એક સમયે બિસ્માર અને પછાત ગણાતા ગુજરાત રાજ્યની છેલ્લા ૨૪ વર્ષમાં એવી કાયાપલટ થઈ છે કે આજે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બની ચૂક્યું છે. આયુષ્માન ભારત, કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના, મુદ્રા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી અનેક કલ્યાણકારી યોજનાઓની ઉપલબ્ધિ અને સિદ્ધિઓનો તેમણે સવિસ્તૃત ઉલ્લેખ કર્યો હતો. નરેન્દ્રભાઈ મોદીએ (PM Narendra Modi) વિકાસની જે કેડી કંડારી છે, તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel) સતત આગળ ધપાવી રહ્યા છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
ભારતમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા આહ્વાન કર્યું
મંત્રી સંઘવીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ વિકાસ રથ ગુજરાતની વિકાસગાથાનું ફિલ્મ નિદર્શન કરવાની સાથે છેવાડાના માનવીને ઘર આંગણે યોજનાકીય લાભો અને વિકાસાત્મક કાર્યોથી લાભાન્વિત કરશે. સ્વદેશી અભિયાનમાં જનભાગીદારી પર ભાર મૂકીને મંત્રીશ્રીએ સ્વદેશી વસ્તુઓની ખરીદી થકી આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.
હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી
સાંસદ ડો. હેમાંગ જોષીએ ગુજરાતને અગ્રેસર ગણાવી જણાવ્યું હતું કે, આજથી ૨૪ વર્ષ પહેલા જે સપનું નરેન્દ્રભાઈ મોદીએ જોયું હતું, તે હવે ગુજરાત માટે ઉપલબ્ધિ બની ચૂક્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે સર્વગ્રાહી, સર્વસમાવેશી અને સર્વાંગી વિકાસના મીઠા ફળ જે આપણે ખાઈ રહ્યા છે, તેનું બીજ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી પદના શપથ લીધા ત્યારે વાવ્યું હતું. તેમણે ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અભિયાનને મક્કમતાથી વધાવી લઈને આત્મનિર્ભર ભારત અને તેના થકી વિકસિત ભારતની યાત્રામાં સહભાગિતા માટે સૌને અનુરોધ કર્યો હતો.
અથાગ પરિશ્રમ કરવા ગૌરવભેર અનુરોધ
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા મહિડાએ વિકાસ સપ્તાહની શુભકામનાઓ પાઠવી સરકારની ઉપલબ્ધિઓ અને સિદ્ધિઓ વર્ણવી હતી. વિકાસ સપ્તાહ અંતર્ગત ‘સંકલ્પથી સિદ્ધિ’ સુધીની વિકાસગાથા જન-જનના મનમાં ઉજાગર થાય તે ઉદ્દેશ્યની પરિપૂર્તિ થતી હોવાનું તેમણે ઉમેર્યું હતું. સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત સ્વદેશી અભિયાન, આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતના મંત્રને જીવનમંત્ર બનાવવા અને તેને સાકાર કરવા અથાગ પરિશ્રમ કરવા ગૌરવભેર અનુરોધ કર્યો હતો.
પોતાનો સુખદ અનુભવ સૌને જણાવ્યો
વિકાસ સપ્તાહના બીજા દિવસે વડોદરા તાલુકાના સોખડા ગામે આવી પહોંચેલા વિકાસ રથનું મહાનુભાવોએ હિંદુ સંસ્કૃતિની પરંપરા મુજબ કંકુનો ચાંદલો, સ્વસ્તિક દોરીને અને શ્રીફળ વધેરીને ભાવભેર સ્વાગત કર્યું હતું. સાથે જ મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભો એનાયત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન યોજનાકીય લાભોના લાભાર્થીઓએ પોતાનો સુખદ અનુભવ સૌને જણાવ્યો હતો. સૌએ વિકાસ રથની એલ.ઈ.ડી. સ્ક્રીન પર ગુજરાતની વિકાસગાથાની ટૂંકી ફિલ્મ નિહાળી હતી.
ગ્રીન ગુજરાતનો સંદેશ આપ્યો
કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત સૌએ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સમર્પિત ભાવ સાથે સંપૂર્ણ યોગદાન આપવા 'ભારત વિકાસ પ્રતિજ્ઞા' લીધી હતી. તેમજ પરિસરમાં વૃક્ષારોપણ કરી ગ્રીન ગુજરાતનો સંદેશ આપ્યો હતો.
આ પણ વાંચો ----- Vadodara : ગરબા મેદાનના કલાત્મક તોરણ હવે શહેરની શોભા વધારશે


