29

21મી ફેબ્રુઆરી એટલે માતૃભાષા દિવસ. 1999ની સાલથી આખી દુનિયામાં માતૃભાષા દિવસની ઉજવણી થાય છે. 1952ની સાલમાં પૂર્વી પાકિસ્તાન- હાલનું બાંગ્લાદેશમાં પાકિસ્તાની સરકારે ઉર્દૂ ભાષાને ફરજિયાત કરી. તેના વિરોધમાં વિદ્યાર્થીઓએ આંદોલન કર્યું. કેટલાક વિદ્યાર્થીઓ શહીદ થયા. માતૃભાષા કાજે શહીદ થનારા વિદ્યાર્થીઓની યાદમાં માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં આજે પણ એ વિદ્યાર્થીઓની યાદમાં બંધાયેલા શહીદ સ્મારક પર પ્રવાસીઓ જઈને શીશ નમાવે છે. માતૃભાષા દિવસની ઉજવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવું. દુનિયાની ૭૦૦૦થી પણ વધુ ભાષામાંથી અડધી ખલાસ થવાની તૈયારીમાં છે.
પોતાના વિચારોને અભિવ્યક્ત કરવાનું શ્રેષ્ઠ માધ્યમ માતૃભાષા જ છે. જગતભરની બધીજ ભાષાઓ પોતપોતાના સ્થાને ઉત્તમ છે. પણ માતૃભાષા એ માનો ખોળો છે, એટલે બાળક જે ભાષામાં હાલરડું સાંભળતું-સાંભળતું ઉંધી જતું હોય હોય એ જ ભાષામાં તેને શિક્ષણ આપવું જોઈએ. માતૃભાષા કેવળ માતૃભાષા નથી, એક હૂંફ છે, સ્નેહ છે, સંસ્કાર છે. આપણી માતૃભાષા અન્ય ભાષાઓથી જરાય ઉતરતી નથી, તે ઘણી જ સમૃદ્ધ છે.
માતૃભાષા એટલે શું?
બાળકને માતા તરફથી મળેલી ભાષા, પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા. જે ભાષામાં બાળક હસ્યું, રડ્યું, જે ભાષાનો શબ્દ બાળકે સૌપ્રથમ સાંભળ્યો, કાલુ-કાલુ બોલવાનો પ્રયત્ન જે ભાષામાં બાળકે કર્યો, બાદમાં તે ભાષાનું શબ્દભંડોળ સમૃદ્ધ થવાથી તેના પર પ્રભુત્વ આવ્યું, જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું, તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું બાળક શીખ્યું તે ભાષા એટલે માતૃભાષા. જે ભાષાએ બાળકમાં સંસ્કારસિંચન કર્યું તેમજ સંસ્કૃતિ આપી. નાના બાળકો ને પોતાની ભાષામાં વિચારેલી વાતો બીજી ભાષામાં બોલવા કે લખવામાં પોતાની છ ગણી તાકાત વધારે વાપરવી પડે છે. પરંતુ પોતાની માતૃભાષા દ્વારા જો બાળકને ભણાવવામાં આવે તો ,જે તે વિષય બાળકને સહેલાઈથી શીખવાડી શકાય છે.
ફક્ત આપણા દેશમાં જ પોતાના બાળકોને અંગ્રેજી ભાષામાં ભણાવવાની જે ઘેલછા છે, તેટલી દુનિયાના બીજા દેશોમાં નથી. દુનિયાના ૧૮૦ દેશોમાંથી ફક્ત ૧૨ દેશો જ અંગ્રેજીમાં વ્યવહાર કરે છે. બાકીના દેશો પોતાની માતૃભાષાનો જ ઉપયોગ કરે છે. દુનિયાનો કોઈપણ દેશ પારકી ભાષામાં શિક્ષણ આપતો નથી. આપણા દેશમાં ફક્ત ૩ %બાળકો જ અંગ્રેજી માધ્યમમાં ભણે છે. બાકીના ૯૭ % બાળકો પોતાની માતૃભાષામાં શિક્ષણ લઈને સારા એન્જીનિયર,ડોક્ટર કે વૈજ્ઞાનિક બને છે.
જો બાળકને માતૃભાષા સિવાયની ભાષામાં શિક્ષણ આપવામાં આવે તો તે પ્રથમ પોતાની ભાષામાં સમજવા પ્રયત્ન કરશે. પછી તે જે તે ભાષામાં સમજવા પ્રયત્ન કરશે. જે તે ભાષા માટેના શબ્દો શોધીને, ગોઠવી, એ ભાષામાં ઢાળવા પ્રયત્ન કરે છે. આ બધી પ્રક્રિયા કરવામાં બાળકની ઘણી બધી શક્તિ વેડફાઈ જાય છે અને માનસિક રીતે થાકી જાય છે.
ગાંઘીજીએ પણ કબૂલ્યું હતું કે, જો તેઓને ગણિત, કેમેસ્ટ્રી જેવા વિષયોનું શિક્ષણ અંગ્રેજીને બદલે માતૃભાષામાં મળ્યું હોત તો તેઓ ચાર વર્ષને બદલે એક જ વર્ષમાં વધારે સહેલાઈથી અને સ્પષ્ટ પણે ગ્રહણ કરી શક્ય હોત. જો કે, કરુણતા એ વાતની છે કે, આપણાં ગુજરાતમાં જન્મેલાં અને ગુજરાતી એવા ગાંધીજીનો આપણી પાસે એક પણ ઇન્ટરવ્યૂ આપણી માતૃભાષામાં જ નથી. ડો. રામ મનોહર લોહિયાએ એકવાર કહ્યું હતું કે ,”ભાષા, ભૂષા, ભવન અને ભોજન તો દેશી જ હોવા જોઈએ. એમાં જ આપણી સંસ્કૃતિ સચવાય છે.”
ઉમાશંકર જોશીએ જેને ‘ગાંધીગિરા’કહી, પૂજ્ય મહાત્મા ગાંધીજીએ જેને ‘દૂધભાષા ‘કહી છે. જે ભાષાએ આપણામાં સંસ્કારસિંચન કર્યું તેમજ સંસ્કૃતિ આપી એ ગુજરાતી ભાષા આપણી અભિવ્યક્તિનું માધ્યમ છે. માતૃભાષામાં બોલાયેલું વાક્ય-હૃદયને સ્પર્શી જાય છે. જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું, તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું, માતૃભાષામાં વિચારો અને પોતાની જાત ને વધુ સારી રીતે સ્પષ્ટ કરી શકાય છે. ભાવ આંખ અને દિલ જે અનુભવે છે ત્યારે તેની અસર ચિરકાળ રહે છે. કોઈપણ વ્યક્તિને ગમે તેટલી ભાષાનું જ્ઞાન હોય પણ તેને વિચારો કે સપનાં તો પોતાની માતૃભાષામાં જ આવતા હોય છે. ભલે પછીથી તેના વિચારો તે ગમે તે ભાષાઓમાં રજૂ કરે. સવાયા ગુજરાતી ફાધર વાલેસ કહેતા કે, “ભાષા જશે તો સંસ્કૃિત જશે”. માતૃભાષાથી દૂર જવું કે ભૂલી જવું એટલે આપણાપણું અને આપણા વિચારોથી દૂર જવું. માતૃભાષા જમીન પર સ્થિર ઉભા રહેવાનો આત્મવિશ્વાસ શીખવે છે. મા, માતૃભાષા અને માતૃભૂમિનો અન્ય કોઇ વિકલ્પ નથી! ટૂંકમાં માતૃભાષામાં માનવજીવનના તમામ પાસાંનો સમન્વય છે.
આપણા ગુજરાતી કવિ ખબરદારે પોતાની સુંદર કાવ્ય રચનામાં ઉલ્લેખ કર્યો છે કે,
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત..!!