26

જુનાગઢ ગિરનાર તળેટીમાં આવેલ ભવનાથમાં આજથી શિવરાત્રીનો મેળો શરૂ થઈ ગયો છે. આ મેળામાં ભારતના જુદાં જુદાં સ્થળોથી હજારો સાધુ સંતો આવીને ધૂણી ધખાવીને ભગવાન શંકરને રિઝવવા અહીં આવે છે. કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી શિવરાત્રિનો મેળો યોજાતો ન હતો,જો કે આ વર્ષે ગિરનારની તળેટીમાં શિવરાત્રી મેળાને જૂનાગઢ જિલ્લા કલેક્ટરની મંજૂરી મળી છે. આ વખતે રાજ્યભરમાં કોરોનાના કેસોમાં નોંઘપાત્ર ઘટાડો થયો હોવાથી ભવનાથના મેળાને મંજૂરી આપી દેવામાં આવી છે. આજથી ભવનાથના મેળાની શરુઆત થઈ રહી છે, જે પહેલી માર્ચે મહાશિવરાત્રીના દિવસે પૂર્ણ થશે.
લોકોની સુરક્ષા માટે અલગ અલગ 14 સમિતિઓ બનાવવામાં આવી
ભવનાથના મેળામાં દર વર્ષે લાખોની સંખ્યામાં શિવભક્તો ઉમટી પડતા હોય છે. ખાસ કરીને રવેડી સરઘસના દર્શન તેમજ રાત્રે નીકળતી દિગમ્બર સાધુઓની રવેડી ભવનાથના મેળાનું મુખ્ય આકર્ષણ હોય છે. તંત્ર દ્વારા જણાવાયું છે કે, મેળામાં આવનારા દરેક લોકોએ કોરોના ગાઇડલાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સિંગ તેમજ માસ્કના નિયમનું પાલન કરવાનું રહેશે. સ્થાનિક તંત્રનો દાવો છે કે આ વર્ષે મેળામાં મોટી સંખ્યામાં લોકોની જનમેદની ઉમટી પડશે તેવી ગણતરી સાથે તેની તૈયારીમાં કોઈ કચાશ ના રહી જાય તે સુનિશ્ચિત કરવા માટે અલગ-અલગ 14 સમિતિઓ પણ બનાવવામાં આવી છે.
આ સ્થળનું પૌરાણિક મહત્ત્વ છે અનેરું
ભવનાથના મેળા સંદર્ભે સ્કંદ પુરાણમાં એક દંતકથા જોવાં મળે છે. આ દંતકથા મુજબ શિવ-પાર્વતી રથમાં આકાશ માર્ગે જતાં હતાં, ત્યારે પાર્વતીજીનું દિવ્ય ઘરેણું નીચે ભવનાથના મંદિર પાસે પડી જાય છે. આથી આ ક્ષેત્રને ‘વસ્ત્રા પૂતક્ષેત્ર’ તરીકે ઓળખવામાં આવે છે. જટાળા જોગી ગિરનાળની તળેટીનું ભગવાન શંકરનું આ પ્રિય સ્થળ છે. જૂનાગઢના ગરવા ગિરનારની તળેટીમાં સુવર્ણરેખા નદીના કિનારે ભવનાથ ભગવાનનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે. મંદિરના સ્વયંભુ શિવલીંગ છે. જે વનરાજીથી શોભે છે. ભવનાથના આ સ્થળે મુચકુંદ, ભર્તુહરિ અને ગુરુદત્તની ગુફાઓ પણ ખુબ પ્રખ્યાત છે.
મહાશિવરાત્રીના દિવસે થતી મહાપૂજાના સમયે શંખોના ધ્વનિ સાથે નીકળેલું નાગાબાવાઓનું સરઘસ, તેઓનું મૃગીકુંડમાં સ્નાન અને ગિરનારની તળેટીમાં થતો શંખનાદ એક આધ્યાત્મિક અનુભવ હોય છે. એક લોકવાયકા પ્રમાણે મૃગીકુંડમાં ન્હાવાથી લોકોને મોક્ષ મળે છે. નવનાથ અને 84 સિદ્ધોના સ્થાનક ગિરનારમાં ભર્તુહરિ, ગોપીચંદ અને અશ્વત્થામા જેવા સિદ્ધો રહે છે.
કહેવાય છે કે શિવરાત્રીના દિવસે આ સિદ્ધ પુરુષો મૃગીકુંડમાં ન્હાવા માટે આવે છે. વળી એવી પણ માન્યતા છે કે સિદ્ધો પુરુષો એકવાર આ કુંડમાં ન્હાવા પડે છે પછી બહાર દેખાતા નથી. આ મેળામાં ભારત સિવાય વિદેશોમાંથી પણ સાધુ સંતો જોડાય છે.
મહાશિવરાત્રીની મધ્યરાત્રિએ ભગવાન ભવનાથની વિશેષ પૂજા
ભવનાથના મેળાનું મુખ્ય આકર્ષણ છે નાગા બાવાઓનુ સરધસ જેમાં તેઓ અવનવા દાવ પણ રજૂ કરે છે. ગયા વર્ષે તો એક સાધુએ પોતાની ઈન્દ્રીય વડે પોલીસની જીપને ખેંચી હતી. ભોલેનાથના પ્રતિવાદ સમાન મહાશિવરાત્રીનો આ મેળો આજથી વાજતે-ગાજતે શરૂ થશે.આ મેળામાં સૌ પ્રથમ મંદિરમાં પૂજન અર્ચન કર્યા પછી મંદિરમાં ધ્વજારોહણ કરીને મેળાનો શુભારંભ કરવામાં આવે છે. આ મંદિરમાં પૂજાવિધિ મંદિરના મહંત રમેશગીરીબાપુના હાથે મંત્રોચ્ચાર સાથે થાય છે. એવુ જાણવા મળ્યું છે કે આ મેળામાં ભારત સાધુ સમાજના પ્રમુખ પૂ. ગોપાલાનંદજી અને અંબાજી મહંત તનસુખગીરીબાપુ, મહામંડલેશ્વર પુ. ભારતીબાપુ, શ્રી શેરનાથબાપુ જેવા સાધુ સંતો ઉપસ્થિત રહેશે.ભવનાથના મેળામાં મહાશિવરાત્રીની મધ્યરાત્રિએ ભગવાન ભવનાથની પૂજા કરવામાં આવે છે. મહાપૂજાના દર્શન કરવા ગુજરાતના ખૂણે ખૂણેથી સાધુ-સંતો અને નાગા બાવાઓ ખુબ મોટી સંખ્યામાં આવે છે. દર્શનને આવતા લોકો માટે ઠેર ઠેર જગ્યાઓએ અન્નક્ષેત્ર પણો ખુલ્લાં મુકાયા છે.