16

અત્યારે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન લખમપુર ખીરી કાંડનો મુદ્દે વારંવાર ઉછળી રહ્યો છે. ખેડૂત આંદોલન સમયે ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ગાડી વડે કચડીને ખેડૂતોની હત્યાના આરોપી આશિષ મિશ્રાની જમાનત અત્યારે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં મુદ્દો બન્યો છે. ત્યારે હવે મૃતક ખેડૂતોના પરિવાર દ્વારા આશિષ મિશ્રાની જમાનત સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાકલ કરવામાં આવી છે.આ ઘટનાની અંદર આઠ લોકોના મોત થયા હતા. આશિષ મિશ્રા કેન્દ્રિય મંત્રી અજય મિશ્રા ટેનીનો દીકરો છે. પરિવારે આશિષ મિશ્રાના જામીન રદ્દ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે.
અલ્લાહાબાદ હાઇકોર્ટ દ્વારા જમાનત
આરોપી આશિષ મિશ્રાને અલ્લાહાબાદ હાઇકોર્ટની લખનઉ બેંચ દ્વારા થોડા દિવસો પહેલા જમાનત આપવામાં આવી હતી. જ્યારે જમાનત મંજૂર કરવામાં આવી ત્યારે જ મૃતકોના પરિવાર દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવાનમાં આવ્યો હતો અને સાથે જ આ આદેશને પડકારવાની વાત પણ કરી હતી. તો વિપક્ષી પાર્ટીઓ દ્વારા પણ અત્યારે આશિષ મિશ્રાની જમાનતને મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે.
પ્રશાંત ભૂષણ મારફત સુપ્રીમમાં અરજી
વકીલ પ્રશાંત ભૂષણ દ્વારા સુપ્રીમમાં આ અંગે અરજી દાખલ કરવામાં આવી છે. તેમણે અરજીમાં જણાવ્યું છે કે, હાઈકોર્ટે જામીન આપતી વખતે ગુનાની ગંભીરતા પર ધ્યાન આપ્યું નથી. રાજ્ય સરકારે તેની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવી જોઈતી હતી, પરંતુ તેમણે આવું નથી કર્યુ. આ પહેલા વકીલ શિવ કુમાર ત્રિપાઠી અને સીએસ પાંડાએ 17 ફેબ્રુઆરીએ જામીન વિરુદ્ધ અરજી કરી હતી. તેમણે હાઈકોર્ટના આદેશને રદ્દ કરવાની માંગ કરી હતી. તેમજ SITની કામગીરીને એસંતોષકારક ગણાવી છે. જો કે સુપ્રીમ કોર્ટે હજુ સુધી આ મામલે સુનાવણી કરી નથી. તેવામાં હવે બીજી અરજી પણ દાખલ થઇ છે.
ઘટના શું હતી?
ગયા વર્ષે 3 ઓક્ટોબરે ઉત્તર પ્રદેશના લખીમપુરમાં ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો પર ભાજપના નેતાઓના કાફલાની એક કાર ફરી વળી હતી. જેના કારણે કેટલાક ખેડૂતોના મોત થયા હતા. આ ઘટના દરમિયાન સ્થાનિક પત્રકાર રમણ કશ્યપનું પણ મોત થયું હતું અને ઉશ્કેરાયેલા ખેડૂતોએ માર મારતા કેટલાક ભાજપના કાર્યકરોના પણ મોત થયા હતા.આ કેસમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાનું નામ સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરીને જેલમાં ધકેલ્યો હતો.