51

ભારતીય ટીમ વેસ્ટ ઇંડીઝની વિરુદ્ધ 6 ફેબ્રુઆરીથી વનડે સીરીઝ રમવા જઈ રહી છે. રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઇન્ડિયા આવતા એક વર્ષમાં થવા જઈ રહેલાં બે વર્લ્ડ કપ પર નજર રાખી રહી છે. આ બધાની વચ્ચે સુનિલ ગાવસ્કરે ભુવનેશ્વર કુમારના ટીમ ઇન્ડિયામાં સ્થાન પર સવાલ ઊભા કરી દીધા છે. સુનિલ ગાવસ્કરે કહ્યું કે, ભુવનેશ્વર કુમારને લઇને મને ચિંતા થાય છે. કારણ કે મને પણ નથી લાગતુ કે તેમનું ટીમ ઇન્ડિયામાં હવે શું ભવિષ્ય હશે. તે તેમની ગતિ અને લાઇન ગુમાવી ચૂક્યા છે. જે રીતે તેમને બોલિંગ કરી તે એકદમ નિરાશાજનક હતી. તેમને તેમના બેઝિક્સ ફરીથી ક્લીયર કરવા પડશે.
પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કરનું માનવું છે કે, હવે ટીમ ઇન્ડિયાએ દીપક ચહરને વધારે તક આપવી જોઇએ. કારણ કે તે પણ ભુવનેશ્વરની જેમ બોલ સ્વિંગ કરાવી શકે છે. અને સાથે જ નીચલા ક્રમમાં બેટિંગ પણ કરી શકે છે. એમને ઉમેર્યું કે ભુવનેશ્વરનું પ્રદર્શન સારું રહ્યું છે. પરંતુ છેલ્લા એક-બે વર્ષમાં તેઓ ઘણાં મોંઘા સાબિત થયાં છે અને લાઇન ગુમાવી ચૂક્યાં છે.
તમને જણાવી દઈએ કે સાઉથ આફ્રિકાની વિરૂદ્ધ રમાયેલી વન ડે સિરિઝમાં તેઓ ફોર્મમાં જણાતા ન હતા. તેઓ લાંબા સમય બાદ ટીમમાં જોવા મળી રહ્યાં હતા પરંતુ કોઇ ખાસ અસર ના દેખાડી શક્યા. આ જ કારણથી તેમને વેસ્ટ ઇન્ડિઝની વિરુદ્ધ રમવા જઈ રહેલી વનડે સીરીઝમાં તેમને જગ્યા આપવામાં નથી આવી.