
ભારત-શ્રીલંકા (IND vs SL) વચ્ચેની 3 મેચની T20 શ્રેણીના એક દિવસ પહેલા, સૂર્યકુમાર યાદવ વિશે એક મોટું અપડેટ બહાર આવ્યું છે. આ સાથે ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. આ પહેલા પણ ટીમ ઈન્ડિયાને વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી સીરિઝમાં ઘણા મોટા આંચકાઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ, સૂર્યકુમાર યાદવ વિશે આવી રહેલા આ મોટા સમાચાર આશ્ચર્યજનક છે.
શ્રીલંકા સામેની ત્રણ T20 ઈન્ટરનેશનલ મેચની શરૂઆત પહેલા ટીમ ઈન્ડિયાને વધુ એક આંચકો લાગ્યો છે, કારણ કે મિડલ ઓર્ડર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. જમણા હાથના બેટ્સમેને વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને તેને પ્લેયર ઓફ ધ સીરિઝ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. ક્રિકબઝના જણાવ્યા અનુસાર, જમણા હાથના બેટ્સમેન પ્રારંભિક T20I માટે લખનઉ ગયો હતો પરંતુ તે હવે ટીમનો ભાગ નહીં હોય. કથિત રીતે તેના હાથમાં હેરલાઇન ફ્રેક્ચર થયું છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની શરૂઆતની T20Iમાં સૂર્યકુમારે 18 બોલમાં 34 રન બનાવ્યા હતા. બીજી T20Iમાં તે 8 રન બનાવીને આઉટ થયો હતો. ત્રીજી રમતમાં, 31 વર્ષીય ખેલાડીએ 31 બોલમાં 65 રન ફટકારીને ભારતને 184/5ના વિશાળ સ્કોર સુધી પહોંચાડ્યું હતુ. બેટ વડે શાનદાર પ્રદર્શન કરવા બદલ તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. સૂર્યકુમારની ગેરહાજરી મેન ઇન બ્લુ માટે મોટો આંચકો છે, કારણ કે હોમ ટીમ પહેલેથી જ વિરાટ કોહલી અને રિષભ પંત વિના રમવાની છે. બંને ખેલાડીઓને સફેદ બોલની મેચમાંથી આરામ આપવામાં આવ્યો છે.
મળી રહેલી માહિતી અનુસાર, સૂર્યકુમારની ગેરહાજરીમાં શ્રેયસ ઐય્યરની પ્લેઈંગ ઈલેવનમાં આપોઆપ પસંદગી થઈ જશે. દીપક હુડાને પણ ડેબ્યૂ કેપ આપવામાં આવી શકે છે. દીપક ચહરને પણ શ્રેણીમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે અને તે લખનઉ પહોચ્યો નથી. વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી T20 ઈન્ટરનેશનલ દરમિયાન તેને હેમસ્ટ્રિંગની સમસ્યા થઈ હતી અને તે પોતાનો સ્પેલ પૂરો કરી શક્યો નહોતો. BCCI સૂર્યકુમાર અને ચહરના સ્થાનની જાહેરાત કરે છે કે કેમ તે જોવું રહ્યું. શ્રેણીની ત્રણ T20 મેચો 24, 26 અને 27 ફેબ્રુઆરીએ રમાશે. લખનઉ પ્રથમ T20 મેચની યજમાની કરશે જ્યારે આગામી બે મેચ ધર્મશાળામાં રમાશે. ત્રણ T20 ઈન્ટરનેશનલ મેચો પછી, બંને ટીમો બે મેચની ટેસ્ટ શ્રેણીમાં ટકરાશે. મેચો અનુક્રમે 4 અને 12 માર્ચે મોહાલી અને બેંગલુરુમાં શરૂ થશે.