
સામાન્ય રીતે આજની
પેઢીમાં વેલેન્ટાઈન ડેની ખુબ જ ઘેલછા જોવા મળે છે. એમાંય જેમ પ્રસંગ પૂર્વે જે તે
પ્રસંગને અનુરુપ પૂર્વ તૈયારીઓ કરવામાં આવે છે, તે જ રીતે યુવાવર્ગ વેલેન્ટાઈન ડે પૂર્વે એક સપ્તાહ
અગાઉથી જ વેલેન્ટાઈન ડેની તૈયારીમાં જોડાઈ જતા હોય છે. આજની યુવાપેઢી માટે તો
વેલેન્ટાઈન ડે જાણે એક તહેવાર જ બની ગયો છે. આજના મોર્ડન યુગમાં વેલેન્ડાઇન ડે
પૂર્વેના એક સપ્તાહની વેલેન્ટાઇન વીક તરીકે ઉત્સાહભેર ઉજાણી કરવામાં આવી રહી છે.
14 ફેબ્રુઆરીએ
ઉજવાતા વેલેન્ટાઈન ડેની તૈયારીઓ યુવાપેઢી 7 ફેબ્રુઆરીથી જ શરુ કરી દે છે. વેલેન્ટાઈન વીકમાં આવતા દરેક દિવસને એક ખાસ
વિષય સાથે સાંકળીને હરખભેર ઉજવવામાં આવી રહયો છે, ત્યારે વેલેન્ટાઈન ડે પૂર્વે વેલેન્ટાઈન વીકમાં ઉજવાતા
દિવસોની વાત કરીએ તો આ ખાસ વીકનો પહેલો દિવસ રોઝ ડે, બીજો દિવસ પ્રપોઝ ડે, ત્રીજો દિવસ ચોકોલેટ ડે, ચોથો દિવસ ટેડી ડે, પાંચમો દિવસ પ્રોમિસ ડે, છઠ્ઠો દિવસ હગ ડે, સાતમો દિવસ કિસ ડે અને છેવટે આવે છે એ દિવસ જેની યુવાઓ
અને પ્રેમી યુગલો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એ દિવસ પ્રેમનો દિવસ એટલે કે વેલેન્ટાઈન
ડે.
આજે વેલેન્ટાઈન
વીકનો એ બીજો પ્રેમભર્યો દિવસ છે, એટલે
કે પ્રપોઝ ડે. પ્રપોઝ એટલે કે પ્રસ્તાવ, ટૂંકમાં આજનો દિવસ એટલે પ્રસ્તાવ રજૂ કરવાનો દિવસ, મનમાંને મનમાં કોઈને વરી ચૂકેલા કે કોઈના મોહમાં ઘેલા
થયેલા યુવક-યુવતીઓ તેમના પસંદગીના પાત્ર સામે તેમના પ્રેમનો પ્રસ્તાવ રજૂ કરે છે.
કદાચ આજના દિવસની, આજની એ
રોમાંચક ક્ષણોની યુવાઓ ન જાણે કેટલાય સમયથી રાહ જોઈને બેઠા હોય છે. આ એ દિવસ છે
જ્યાં કોઈના હૃદયમાં ફુટેલું પ્રેમનું અંકુર બાગ બનીને ખીલી ઉઠે છે, તો કોઈનાં હૃદયમાં ફુટેલુ અંકુર ખીલવા પહેલા જ
કરમાઈ જાય છે.
આમ, તો પ્રેમ કોઈ ખાસ વસ્તુ, કોઈ
ખાસ સમય કે કોઈ ખાસ દિવસનો મોહતાજ નથી, પ્રેમ વ્યક્ત કરવા માટે કોઈ ખાસ સમય કે ખાસ વસ્તુની પણ આવશ્યકતા નથી,
પ્રેમ તો એ સુગંધ છે, જેટલો વધારે વહેંચશો એટલો એ વધુ ખીલીને મોહરી
ઉઠશે. હા, એ અલગ વાત છે કે પ્રેમ
વ્યક્ત કરવું જરૂરી છે. અને કરવું જ જોઈએ જેથી સમય જતા વસવસો ન રહે. જો કે પ્રેમ
વ્યક્ત કરવાની બધાની રીત અલગ-અલગ હોય એ વાતમાં પણ શંકાને કોઈ જ સ્થાન નથી. માણસ
પોતાની ક્ષમતા અને પસંદ – નાપસંદને અનુરૂપ પ્રેમ વ્યક્ત કરવાનો માર્ગ પસંદ કરતા
હોય છે.
તો ચાલો, આજે તમે પણ પસંદ કરો તમારો પ્રેમ વ્યક્ત કરવાનો માર્ગ અને તમારો
પ્રેમ મનમાં ન રાખી મુક્તા તમારા પ્રિયજનની સામે મુક્તમને તમારો પ્રેમ અભિવ્યક્ત
કરો.અને ઉજવો આજનો દિવસ તમારા મનના માણીગર સાથે.