રાજયની આ યુનિવર્સિટીમાં યોજાશે ભારત જ્ઞાન પરીક્ષા, જાણો કયાં
ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા ગુજરાતના ખૂણે-ખૂણેથી તેજસ્વી છાત્રોને શોધવા ‘ભારત જ્ઞાન પરીક્ષા’ લૉન્ચ કરવામાં આવી છે. આ ઉપરાંત 10 લાખથી વધુ બાળકોને જોડતો ઑનલાઈન સમર કેમ્પ મે માસમાં યોજાશે તેવી જાહેરાત કરાઇ હતી. યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાશે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો દ્વિતીય પદવીદાન સમારંભ કુલાધિપતિ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ૨૧મી ઍપ્રિલે ને
Advertisement
ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા ગુજરાતના ખૂણે-ખૂણેથી તેજસ્વી છાત્રોને શોધવા ‘ભારત જ્ઞાન પરીક્ષા’ લૉન્ચ કરવામાં આવી છે. આ ઉપરાંત 10 લાખથી વધુ બાળકોને જોડતો ઑનલાઈન સમર કેમ્પ મે માસમાં યોજાશે તેવી જાહેરાત કરાઇ હતી.
યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાશે
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો દ્વિતીય પદવીદાન સમારંભ કુલાધિપતિ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ૨૧મી ઍપ્રિલે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના હૉલમાં યોજાશે, તેમ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ હર્ષદભાઈ શાહે જણાવ્યુ હતું.આ પદવીદાન સમારંભમાં યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા 101 વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવશે, જ્યારે આઠ છાત્રોને ગોલ્ડ મેડલ અપાશે. આ પદવીદાન સમારંભ માટે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી સહિતના મહાનુભાવોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
ભારત જ્ઞાન પરીક્ષા લેવાશે
તેમણે વધુમાં કહ્યું કે, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. ગર્ભસંસ્કારના માધ્યમ દ્વારા તેજસ્વી બાળકના જન્મથી તેજસ્વી ભારતના નિર્માણના ઉદ્દેશ્ય સાથે આ યુનિવર્સિટી કાર્ય કરી રહી છે. વિશ્વની આ એકમાત્ર અનોખી યુનિવર્સિટીની સ્થાપના ભારતના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિચારબીજથી થઈ છે. બાળકોમાં રહેલી ક્ષમતાઓ, તેજસ્વિતાને પારખીને તેને વિકસાવવાનું, સંવર્ધન કરવાનું કામ પણ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી કરે છે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં વસતાં તેજસ્વી બાળકોને શોધીને તેના હીરને વધુ નિખારવાના હેતુથી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા આજથી 8મી ઍપ્રિલથી ‘ભારત જ્ઞાન પરીક્ષા’ લૉન્ચ કરવામાં આવી રહી છે. આ પરીક્ષામાં ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. 9મી એપ્રિલથી તેના માટે રજિસ્ટ્રેશન શરૂ થશે, જે એક મહિના સુધી ચાલશે. ભારતનો ઇતિહાસ, ભૂગોળ, પર્યાવરણ, ભાષા-સાહિત્ય, વર્તમાન પ્રવાહો, રમત-જગત, નાગરિકશાસ્ત્ર અને બંધારણ સહિતના વિષયો આ પરીક્ષામાં હશે. તેના માટે અભ્યાસસામગ્રી રજિસ્ટ્રેશન સાથે જ આપવામાં આવશે. આ પરીક્ષાનો હેતુ તેજસ્વી છાત્રોને શોધીને તેમની ક્ષમતાઓને વધુ વિકસાવવાનો છે.
સૌથી મોટો ઓનલાઇન સમર કેમ્પ યોજાશે
તેમણે વધુમાં જણાવ્યું કે, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી વિશ્વનો સૌથી મોટા ઑનલાઈન સમર કેમ્પ કલામૃતમ્-૨૦૨૨ યોજવા જઈ રહી છે. 11થી 15 મે દરમિયાન આ સમર કેમ્પ યોજાશે, જેમાં 10 લાખ બાળકોને જોડવાનું આયોજન છે. આ સમર કેમ્પમાં નાના બાળકથી લઈને ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. આ કેમ્પમાં રૂપિયા બે લાખ સુધીનાં ઇનામો આપવામાં આવશે. આ સમર કેમ્પમાં ગીત-સંગીત, ચિત્રકળા, વેસ્ટમાંથી બેસ્ટ, પપેટ તેમજ જાદુના ખેલ ઑનલાઈન શીખવવામાં આવશે.
એથ્લેટિકસ મીટનું પણ આયોજન કરાયુ હતું
ઉલ્લેખનીય છે કે, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા હાલમાં જ 6થી 9 માર્ચ દરમિયાન નડિયાદ ખાતે ગુજરાતની પ્રથમ અંડર-11 એથ્લેટિક્સ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના માટે ગુજરાતના ખૂણે-ખૂણેથી રજિસ્ટ્રેશન થયું હતું અને ૩૦૦૦થી વધુ બાળકો તેમાં જોડાયાં હતાં. આ ઉપરાંત 5મી માર્ચે માતૃત્વ જાગરણ સંમેલન પણ યોજવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સગર્ભા માતાઓ અને દિવ્ય સંતાનના જન્મનું આયોજન કરતાં દંપતીઓ જોડાયાં હતાં.


