માધવપુરમાં 4 દિવસીય સાંસ્કૃતિક મહોત્સવનું સમાપન, CM હાજર
માધવપુરના પ્રાચીન મંદિર માધવરાયના નીજ મંદિરેથી ચૈત્ર સુદ બારસના ભગવાનશ્રી કૃષ્ણની જાન નજીકના પવિત્ર લગ્ન સ્થળ મધુવનમાં ગઇ હતી. ભગવાન માધવરાયના જયઘોષ અને અબીલ-ગુલાલના રંગોત્સવ વચ્ચે શ્રદ્ધામય વાતાવરણમાં મુખ્યમંત્રીશ્રીએ ભગવાનશ્રી કૃષ્ણના પ્રસંગમાં પરંપરાથી ઉજવાતા ઉત્સવમાં જોડાઇ ભાવિકોનું અભિવાદન ઝીલ્યુ હતું. મુખ્યમંત્રીએ ભગવાનશ્રી માધવરાયના દર્શન કરી માધવપુરના તેમજ દૂર-દૂરથી આવેલા પ્રવાસીઓ- ભાવિકોને દ્વારકાધીશના પવિત્ર પરિણય પ્રસંગે શુભકામના પાઠવી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યુ કે, રાણી રૂક્ષમણી ભારતના ઉતરપૂર્વીયના હતા અને ભગવાનશ્રી કૃષ્ણ રૂક્ષમણીજીને ગુજરાતના દરિયા કાંઠે માધવપુરમા પધારી પવિત્ર લગ્ન કર્યા હતા. આ હજારો વર્ષોની પરંપરા માધવપુરમાં ભગવાનના લગ્નને પ્રસંગ તરીકે ઉજવી દર વર્ષે લોકમેળો ઉજવાય છે. આ લોકમેળો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઉત્તર-પૂર્વ અને પશ્ચિમના સાસ્કૃતિક જોડાણથી રાષ્ટ્રીય ફલક ઉપર સાંસ્કૃતિક વિરાસત બન્યો છે.આ પ્રસંગે આસામના મુખ્યમંત્રી ડૉ.હેમંત બિસ્વા શર્માએ તેના પ્રવચનના પ્રારંભે ગુજરાતીમાં બોલીને માધવપુરના મેળામાં મહેમાન બનવા અંગે ધન્યતાની લાગણી વ્યક્ત કરી જણાવ્યુ હતુ કે, આસામ અને ગુજરાત વચ્ચે ૩ હજાર કી.મી.નુ ભલે અંતર હોય પરંતુ બંને રાજ્ય સંસ્કૃતિ, ઇતિહાસ અને પ્રાચિન સાહિત્ય અને કથાઓમાં એક તાંતણે બંધાયેલા છે. તેમણે કહ્યુ કે, ઉત્તર-પૂર્વની રાજકુમારી રૂક્ષમણીના લગ્ન માધવપુરમાં થયા તે આ બંને સંસ્કૃતિને જોડે છે પરંતુ મને ગર્વ થાય છે કે, ભગવાનશ્રી કૃષ્ણના પૌત્ર અનીરૂદ્ધએ આસામની પુત્રી ઉષા સાથે કર્યા હતા. તેઓએ ૧૪ અને ૧૫મી સદીના ભક્તિ આંદોલનનો ઉલ્લેખ કરી કહ્યુ કે, નરસિંહ મહેતા ગુજરાતમાં ભગવાનશ્રી કૃષ્ણની ભક્તિના માર્ગે રચનાઓ લખી સાહિત્યનો વારસો આપી રહ્યા હતા ત્યારે અમારા આસામમાં શંકર દેવ પણ તેમના સમકાલીન હતા. તેઓએ ગુજરાતના દ્વારકા સહિતના વિસ્તારોની આઠ મહીના સુધી યાત્રા કરી હતી.


