સાબરમતી River Cruise પર સંકટના વાદળો? ક્રૂઝના સંચાલકોએ ઉચ્ચ કક્ષાએ કરી રજુઆત
River Cruise Shutdown in Sabarmati : અમદાવાદનું પ્રતિષ્ઠિત આકર્ષણ ગણાતી સાબરમતી River Cruise સેવા એપ્રિલ મહિનાથી બંધ હાલતમાં છે, જે શહેરના પ્રવાસન માટે ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે. સાબરમતી નદીમાં જળસ્તર ઘટવાને કારણે ક્રૂઝ ચલાવવું અશક્ય બન્યું છે, ખાસ કરીને ચોમાસાની ઋતુમાં જળસ્તર ઇરાદાપૂર્વક ઓછું રાખવામાં આવે છે. જેના પરિણામે, ક્રૂઝના સંચાલકોને નોંધપાત્ર આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે, જેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ને દર વર્ષે રૂ. 65 લાખનું ભાડું ચૂકવવું પડે છે.
આ નાણાકીય બોજને હળવો કરવા અક્ષર ગ્રૂપે 3થી 4 મહિનાનું ભાડું માફ કરવાની રજૂઆત ધારાસભ્ય અમિત શાહ, અમદાવાદના મેયર અને મ્યુનિસિપલ કમિશનર સમક્ષ કરી છે. જો આ મુદ્દે તાત્કાલિક ઉકેલ નહીં આવે, તો આ પ્રોજેક્ટ નિષ્ફળ થવાની ભીતિ ઉભી થઈ છે, જે અમદાવાદના પ્રવાસન ઉદ્યોગ અને શહેરની છબીને નુકસાન પહોંચાડી શકે છે.


