નેશનલ હેરાલ્ડ કેસમાં ED દ્વારા રાહુલ ગાંધીની શરુ કરાઇ પૂછપરછ
નેશનલ હેરાલ્ડ કેસમાં પૂછપરછ માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે કેન્દ્રીય તપાસ એજન્સી ED સમક્ષ હાજર થવાના છે. બીજી તરફ રાહુલ ગાંધીના ઘરની બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, તો ED ઓફિસની બહાર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. સવારે 11 વાગે રાહુલ ગાંધી ED ઓફિસ પહોંચ્યા છે. તેમની સાથે પ્રિયંકા વાડ્રા સહિતના કોંગ્રેસના અગ્રણીઓ પણ જોડાયા છે. ત્યારબાદ રાહુલ ગાંધીની મેરેથોન પ
Advertisement
નેશનલ હેરાલ્ડ કેસમાં પૂછપરછ માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે કેન્દ્રીય તપાસ એજન્સી ED સમક્ષ હાજર થવાના છે. બીજી તરફ રાહુલ ગાંધીના ઘરની બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, તો ED ઓફિસની બહાર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. સવારે 11 વાગે રાહુલ ગાંધી ED ઓફિસ પહોંચ્યા છે. તેમની સાથે પ્રિયંકા વાડ્રા સહિતના કોંગ્રેસના અગ્રણીઓ પણ જોડાયા છે. ત્યારબાદ રાહુલ ગાંધીની મેરેથોન પૂછપરછ શરુ કરાઇ છે. EDના ત્રણ અધિકારી રાહુલ ગાંધીની પૂછપરછ કરી રહ્યા છે.
રાહુલ ગાંધી ED ઓફિસ પહોંચ્યા તે પૂર્વેથી ED ઓફિસ પાસે કોંગ્રેસના કાર્યકરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. અમદાવાદ સહિત દેશભરમાં કોંગ્રેસના કાર્યકરો અને અગ્રણીઓએ પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું. દિલ્હીમાં વિરોધ પ્રદર્શનના કારણે ઘણા રસ્તાઓ બંધ કરી દેવાયા હતા. વિરોધ પ્રદર્શન કરી રહેલા રણદિપ સૂરજેવાલા અને દિગ્વીજયસિંહની અટકાયત કરાઇ હતી.
રાહુલના ઘરની સામે એક પોસ્ટર લગાવવામાં આવ્યું છે. રાહુલની તસવીર સાથેના આ પોસ્ટરમાં લખ્યું છે- સત્ય ઝૂકશે નહીં. કોંગ્રેસ કાર્યાલયની બહાર વિરોધ પ્રદર્શનના કારણે કોંગ્રેસના ઘણા કાર્યકરો અને નેતાઓની અટકાયત પણ કરવામાં આવી છે.
રાહુલ ગાંધી મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થવાના એક દિવસ પહેલા, કોંગ્રેસે રવિવારે શાસક ભારતીય જનતા પાર્ટી (BJP) પર બદલો લેવાની રાજનીતિમાં સામેલ થવાનો આરોપ મૂક્યો હતો.
'નેશનલ હેરાલ્ડ-એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ' ડીલ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં રાહુલ ગાંધી આજે ED સમક્ષ હાજર થવાના છે. આવી સ્થિતિમાં, કોંગ્રેસે નિર્ણય કર્યો છે કે પાર્ટીના તમામ ટોચના નેતાઓ અને સાંસદો દિલ્હીમાં EDના મુખ્યાલય સુધી વિરોધ કૂચ કરશે અને "સત્યાગ્રહ" કરશે. રાજ્યોમાં પણ કોંગ્રેસના નેતાઓ સોમવારે તપાસ એજન્સીની કચેરીઓ તરફ કૂચ કરશે અને સત્યાગ્રહ કરશે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે કહ્યું હતું કે મની લોન્ડરિંગ કેસમાં રાહુલ ગાંધીને ઈડીના સમન્સ પાયાવિહોણા છે . ચિદમ્બરમે કહ્યું કે આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષી પાર્ટીઓ વચ્ચે એકતા બનાવવાના તમામ પ્રયાસો કરવા જોઈએ.
રાહુલ અને સોનિયા ગાંધીને EDને સમન્સ પાઠવીને અને સોમવારે તપાસ એજન્સી સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપવાના કોંગ્રેસના નિર્ણય વિશે પૂછવામાં આવતા ચિદમ્બરમે કહ્યું,"હું કોંગ્રેસના સભ્ય અને વકીલ તરીકે કહું છું કે PMLA (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ) હેઠળ રાહુલ ગાંધીને મોકલવામાં આવેલા EDના સમન્સ પાયાવિહોણા છે."
ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહ પ્રધાને કહ્યું, "મની લોન્ડરિંગના ગુનામાં 'મની' અને 'મની લોન્ડરિંગ' હોવી જોઈએ. નેશનલ હેરાલ્ડ કેસમાં, દેવું ઇક્વિટીમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે અને ધિરાણ આપતી બેંકો નિયમિત ધોરણે આમ કરે છે. આ કેસમાં કોઈ પૈસા ટ્રાન્સફર થયા નથી, તો તેને મની લોન્ડરિંગનો કેસ કેવી રીતે કહી શકાય. ચિદમ્બરમે કહ્યું કે તેઓ કોંગ્રેસના સભ્ય તરીકે પાર્ટીના નેતા રાહુલ ગાંધી સાથે એકતા વ્યક્ત કરશે અને સોમવારે ED ઓફિસ સુધીની કૂચમાં તેમની સાથે હશે.
કોંગ્રેસે રાહુલ ગાંધી સાથે એકતા દર્શાવવા અને ભાજપ પર બદલાની રાજનીતિ કરવાનો આરોપ લગાવવા દેશભરમાં રવિવારે અનેક સ્થળોએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. લખનૌમાં સચિન પાયલોટ, રાયપુરમાં વિવેક ટંખા, ભોપાલમાં દિગ્વિજય સિંહ, સિમલામાં સંજય નિરુપમ, ચંદીગઢમાં રંજીત રંજન, અમદાવાદમાં પવન ખેરા અને દેહરાદૂનમાં અલકા લાંબાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી.


