Dipen Patel Murder : Vadodara ના દીપેન પટેલ હત્યા કેસનો ઉકેલાયો ભેદ!
વડોદરા શહેરના દરજીપુરામાં રહેતા દિપેન પટેલ નામનો યુવક હરણી વિસ્તારમાં પિયરે ગયેલી પત્નીને મળવા ગયો હતો. દરજીપુરાથી કાર લઈને નીકળેલો મોડી રાત થઈ ત્યાં સુધી સાસરીએ પહોંચ્યો નહીં..કે ના તો તે પરત ઘરે આવ્યો. જેથી, પરિવારજનોને ચિંતા થતાં તેના ગુમ થયાની ફરિયાદ હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પોલીસ તેની શોધખોળ કરી રહી હતી. તેના ત્રીજા દિવસે દિપેનની કાર અનગઢ ગામ પાસે મહીસાગર નદીમાંથી મળી આવી હતી. કારમાં લોહીના નિશાન હતા અને કારના એક્સિલેટર પર પથ્થર મૂકેલો હતો. એ જોઈને પોલીસને દીપેનની હત્યા થયાની શંકા લાગી. તેના બે દિવસ બાદ કાલોલ કનેટિયાની નર્મદા કેનાલમાંથી દિપનેની લાશ મળી આવી હતી. પોલીસે પીએમ કરાવતા દીપેનની હત્યા તીક્ષ્ણ હથિયારથી કર્યા બાદ કેનાલમાં લાશ નાંખી હોવાનું બહાર આવ્યું હતું. કેસની શરૂઆતથી પોલીસને દીપેનના મિત્ર હાર્દિક પ્રજાપતિ પર શંકા હતી. જેથી શંકાના આધારે તેની કડકાઈથી પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો અને દીપેનની હત્યા કર્યાની કબૂલાત કરી.


