ગુજરાતમાં દશેરાએ ફાફડા-જલેબીનો મહાઉત્સવ! ભાવ વધવા છતાં લોકોની લાંબી લાઈનો લાગી
સમગ્ર ગુજરાતમાં આજે વિજયાદશમી (દશેરા)ના પવિત્ર પર્વની ઉજવણી ધાર્મિક ઉત્સાહ સાથે થઈ રહી છે, ત્યારે ગુજરાતીઓની ખાસ ઓળખ સમાન ફાફડા-જલેબી ખાવાનો રિવાજ ચરમસીમા પર છે. ગુજરાતીઓ માટે દશેરા એટલે જ ફાફડા-જલેબી ખાવાનો પર્વ, જેના પગલે વહેલી સવારના 5-6 વાગ્યાથી જ અમદાવાદ સહિત રાજ્યભરના તમામ સ્ટોર પર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે.
ફાફડા-જલેબીના ભાવમાં વધારો
ભગવાન શ્રી રામની વિજયની ખુશીમાં મોં મીઠું કરવાની ધાર્મિક પરંપરા સાથે જોડાયેલી આ વાનગીનો ઉત્સાહ આજની યુવા પેઢીએ પણ જાળવી રાખ્યો છે. જોકે, આ વર્ષે ખાદ્ય સામગ્રીમાં થયેલા વધારાના કારણે ફાફડા અને જલેબીના ભાવમાં કિલો દીઠ ₹ 30 થી ₹ 50 નો વધારો નોંધાયો છે; ફાફડાનો ભાવ ₹ 750 પ્રતિ કિલોગ્રામ અને જલેબીનો ભાવ ₹ 600 પ્રતિ કિલોગ્રામથી વધુ હોવા છતાં, પૈસા કરતાં પરંપરાનું મહત્ત્વ વધુ હોવાથી લોકોનો ઉત્સાહ જરાય ઓછો થયો નથી. દશેરાનો આ દિવસ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતને ફાફડા તળવાના અને જલેબીના ગળપણની મીઠી સુગંધથી મહેકાવી રહ્યો છે.
આ પણ વાંચો : ગુજરાતમાં દશેરા એટલે Fafda-Jalebi ની મોજ, સવારથી જ સ્ટોર પર લાંબી કતારો જોવા મળી


