ગાંધીનગર અકસ્માત : લોકોને કારથી ઉડાવી દેનારા હિતેષ પટેલની કર્મકુંડળી આવી સામે
ગાંધીનગર અકસ્માત : રાજ્યના પાટનગરના રાંદેસણ વિસ્તારમાં ભાઇજીપુરા નજીકના સીટી પલ્સ સર્વિસ રોડ પર એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ટાટા સફારી ચાલક બેદરકાર રીતે બેફામ ઝડપે કાર હાંકતો પસાર થયો અને તે દરમિયાન તેના કાબૂ બહાર થઈ જતાં રસ્તે જતા રાહદારીઓ અને વાહનચાલકોને અડફેટે લીધા હતા. આ દુર્ઘટનામાં 1 મહિલા સહિત 3 લોકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયાના અહેવાલો છે.
અકસ્માત અંગે મેયર અને પોલીસની પ્રાથમિક વિગતો જાહેર
ગાંધીનગરના મેયરે ઘટનાની વિગતો આપતા જણાવ્યું કે, દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ તેઓ તરત ઘટનાસ્થળે પહોંચ્યા હતા, જ્યાં 3 લોકોનાં કરૂણ મોત થઈ ચૂક્યાં હતાં, જ્યારે 2 ગંભીર રીતે ઘાયલ વ્યક્તિઓને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. ઘટના અંગે વધુ માહિતી આપતાં સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ રવિ તેજાએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે કારચાલક નશામાં હતો. આરોપીની ઓળખ હિતેશ પટેલ તરીકે થઈ છે, જે અકસ્માત સર્જનારી ટાટા સફારી કારનો માલિક પણ છે.
હિતેશ પટેલનો વિવાદાસ્પદ ભૂતકાળ
અકસ્માતના આરોપી હિતેશ પટેલનું નામ અગાઉ પણ વિવાદોમાં રહ્યું છે. ગાંધીનગરના ખ રોડ પર કેટલાક સમય પહેલા તે એક ગંભીર અકસ્માતમાં સામેલ થયો હતો, જેમાં તેના સાથે રહેલા એક વ્યક્તિનું મોત થયું હતું અને હિતેશ પણ ઈજાગ્રસ્ત થયો હતો. માત્ર અકસ્માત જ નહીં, પરંતુ હિતેશ પટેલનું નામ અગાઉ પોલીસ સાથે પણ તકરારમાં આવ્યું હોવાનું જાણવામાં આવ્યું છે. ભૂતકાળમાં થયેલા આ વિવાદો અને તેનું અપરાધી વર્તન તેના ઉપર લાગેલા આરોપોને વધુ ગંભીર બનાવે છે. હાલ તેની વિરુદ્ધ અગાઉ દાખલ થયેલા ગુનાઓની પણ તપાસ ચાલી રહી છે, જેને લઈ પોલીસ હિતેશ પટેલનો પૂરો ઈતિહાસ ફરીથી ખંગાળી રહી છે.


