હર ઘર તિરંગા- 1947 થી 2022 સુધીની રાષ્ટ્રધ્વજની રસપ્રદ બાબતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન બાદ દેશમાં 13થી 15 ઓગષ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન શરુ કરાયું છે. સરકારના લક્ષ્ય મુજબ ભારતના 20 કરોડ ઘરો પર તિરંગો લહેરાવાશે. હર ઘર તિરંગા અભિયાનમાં દરેકની સહભાગિતા સુનિશ્ચિત કરવા માટે સરકારે સત્તાવાર વેબસાઇટ harghartiranga.com પણ શરૂ કરી છે. અહીં તમે ત્રિરંગાનો ફોટો શેર કરી શકો છો. તમે અભિયાનમાં સહભાગિતાનું પ્રમાણપત્ર પણ મેળવી શકો છો. આ માટે તમારે વેબસાઈટ પર જ
Advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન બાદ દેશમાં 13થી 15 ઓગષ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન શરુ કરાયું છે. સરકારના લક્ષ્ય મુજબ ભારતના 20 કરોડ ઘરો પર તિરંગો લહેરાવાશે.
હર ઘર તિરંગા અભિયાનમાં દરેકની સહભાગિતા સુનિશ્ચિત કરવા માટે સરકારે સત્તાવાર વેબસાઇટ harghartiranga.com પણ શરૂ કરી છે. અહીં તમે ત્રિરંગાનો ફોટો શેર કરી શકો છો. તમે અભિયાનમાં સહભાગિતાનું પ્રમાણપત્ર પણ મેળવી શકો છો. આ માટે તમારે વેબસાઈટ પર જઈને PIN A Flag ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. આ પછી, નામ, મોબાઇલ નંબર અને સ્થાન સબમિટ કરીને, તમે તમારું પ્રમાણપત્ર મેળવી શકો છો. આ ઉપરાંત, તમે આ વેબસાઇટ પરથી ઝુંબેશની થીમ ફોટો પણ ડાઉનલોડ કરી શકો છો.
આ અભિયાન અંતર્ગત સરકારે પહેલી વખત પોલીએસ્ટરનો ઉપયોગ કરીને રાષ્ટ્રધ્વજ બનાવાની છૂટ આપી છે.
ટેક્સટાઇલ સિટી સુરતમાં પોલીએસ્ટર કાપડ વિશાળ જથ્થામાં ઉપલબ્ધ હોવાના કારણે તિરંગો બનાવાનું હબ બન્યું છે. પોલીએસ્ટરનો ઉત્પાદનનો ખર્ચો પણ ઓછો હોય છે અને પ્રોડક્શન વધુ હોવાથી વધુ તિરંગા તૈયાર થઇ રહ્યા છે. એકલા સુરતમાં જ 20 કરોડના રાષ્ટ્રધ્વજ તૈયાર થયા છે
કોટનના તિરંગાની કિંમત 40થી 50 રુપિયા છે જ્યારે પોલિએસ્ટરના તિરંગાની કિંમત 20 રુપિયા છે.
આસામમાં હર ઘર તિરંગા અભિયાનમાં અત્યાર સુધી કુલ 16.07 કરોડ રુપિયાના તિરંગાનું વેચાણ થયું છે. આસામમાં 3258134 રાષ્ટ્રધ્વજનું વેચાણ થયું છે.
અત્યાર સુધી 17520827 લોકોએ તિરંગા સાથે સેલ્ફી લઇને હર ઘર તિરંગાની વેબસાઇટ પર શેર કરી છે. આ આંકડો દર સેકન્ડે સતત વધતો રહે છે.
પોસ્ટ વિભાગે દેશભરની 1.5 લાખ પોષ્ટ ઓફિસોમાંથી છેલ્લા 10 દિવસમાં 1 કરોડથી વધુ રાષ્ટ્રીય ધ્વજનું વેચાણ કર્યું છે. ટપાલ વિભાગ 25 રુપિયામાં તિરંગો વેચી રહ્યું છે.
ઉદ્યોગપતિ નવીન જિંદાલ અમેરિકામાં અભ્યાસ કરીને 1992માં ભારત પરત ફર્યા હતા. વર્ષ 1992માં જ્યારે તેમણે પોતાની ફેક્ટરીમાં તિરંગો ફરકાવવાનું શરૂ કર્યું ત્યારે જિલ્લા પ્રશાસને તેમને સજાની ચેતવણી આપી હતી. જેના પર તેઓ વ્યક્તિગત રીતે રાષ્ટ્રધ્વજ ફરકાવવાના અધિકાર માટે દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ગયા હતા.
સાત વર્ષની કાનૂની લડાઈ બાદ સુપ્રીમ કોર્ટે કહ્યું કે દેશના દરેક નાગરિકને સન્માન, ગૌરવ અને સન્માન સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો અધિકાર છે. આમ તે દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર બની ગયો. આ નિર્ણય બાદ કેન્દ્રીય કેબિનેટે ફ્લેગ કોડમાં સુધારો કર્યો. આ પહેલા ભારતના નાગરિકોને સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસ સિવાય અન્ય કોઈપણ દિવસે તેમનો રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો અધિકાર નહોતો. ખાસ કરીને તેમના ઘર કે ઓફિસમાં.
સુપ્રીમ કોર્ટના આદેશથી, 26 જાન્યુઆરી 2002 થી, ભારત સરકારે ફ્લેગ કોડમાં સુધારો કર્યો અને ભારતના તમામ નાગરિકોને કોઈપણ દિવસે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો અધિકાર આપ્યો.
વર્ષ 2009માં ગૃહ મંત્રાલયને પત્ર લખીને એવો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો કે રાષ્ટ્રધ્વજ એટલે કે ત્રિરંગાને દેશમાં રાત્રે વિશાળ ધ્વજ પર ફરકાવવાની મંજૂરી આપવામાં આવે. ગૃહ મંત્રાલયે તેમનો પ્રસ્તાવ સ્વીકારી લીધો હતો.
રાષ્ટ્રધ્વજના ઇતિહાસમાં 26 જાન્યુઆરીનું અલગ સ્થાન છે. તે પહેલાં સામાન્ય નાગરિકોને કોઇ પણ દિવસ પોતાના ઘર પર તિરંગા લહેરાવાની મંજૂરી ન હતી. તે દિવસે ઈન્ડિયન ફ્લેગ કોડમાં સંશોધન કરાયુ હતું અને સામાન્ય નાગરિકોને પણ ગર્વ સાથે રાષ્ટ્રીય ધ્વજ લહેરાવાનો મોકો મળ્યો. આ અધિકાર બાદ સામાન્ય નાગરિકો ગર્વ સાથે પોતાના ઘર પર, ઓફિસો પર અને ફેક્ટરીઓમાં ધ્વજ લહેરાવી શકે છે.
તેમાં ધ્યાન એ રાખવું જોઇએ કે કોઇ પણ રીતે તિરંગાનો અનાદર ના થવો જોઇએ. કારણ કે તિરંગાનો અનાદર કરવાથી પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ ટુ નેશન ઓનર એક્ટ 1971 મુજબ તમને સજા થઇ શકે છે.
તિરંગો લહેરાવતી વખતે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તિરંગાનું સન્માન સર્વોપરી હોવું જોઈએ. ગંદા કે ફાટેલા ધ્વજને ક્યારેય ન ઉડાડવો.
તિરંગો ક્યારેય ઊંધો ન લહેરાવવો જોઈએ. જ્યારે તમે તિરંગો ફરકાવો છો, ત્યારે કેસરી રંગ ટોચ પર દેખાવો જોઈએ.
ધ્વજ કોઈની સામે નીચો ન રાખવો જોઈએ. ઉપરાંત, તિરંગાની આસપાસ અન્ય કોઈ ધ્વજ તેનાથી ઊંચો ન હોવો જોઈએ, ન તો તેની બરાબરીમાં કોઈ ધ્વજ હોવો જોઈએ.
તિરંગામાં બીજું કંઈ ન મૂકવું જોઈએ. આમાં ફૂલોની માળા અને ચિહ્નનો સમાવેશ થાય છે.
તિરંગો ફરકાવતી વખતે તે ન તો જમીન પર હોવો જોઈએ અને ન તો પાણીમાં.
તિરંગાનો ઉપયોગ ડ્રેસ તરીકે ન કરવો જોઈએ. તમે તમારા રૂમાલ, ગાદી અથવા એવી કોઈપણ વસ્તુ પર ત્રિરંગાનો ઉપયોગ કરી શકતા નથી. તિરંગા પર કંઈ પણ લખી શકાતું નથી.
ઇતિહાસકારો નોંધે છે કે આઝાદી સમયે દેશની વસ્તી 37.6 કરોડ હતી જે હવે વધીને 140 કરોડ થઇ હોવાનું અનુમાન છે.
આઝાદી સમયે પંદર કરોડ જેટલા ભારતીય પરિવારો હતા જે આજે પચીસ કરોડથી વધુ થયા છે.
આઝાદી સમયે દેશમાં ભારે ઉત્સાહનું વાતાવરણ હતું અને લોકોએ 14મી ઓગષ્ટે રાત્રે ધ્વજ વંદન, ઘંટનાદ કર્યો હતો અને પોતાના ઘરો પર રોશની કરી હતી. આઝાદીની મંગલ ઘડીની જાહેરાત વઘાવી લેવા માટે મહોલ્લે મહોલ્લે તથા મંદિરોમાં અને દેવળોમાં બે મિનિટ સુધી ઘંટાનાદ થયો હતો.
1947ની સાલમાં ૧૫મી ઓગસ્ટની વહેલી સવારે આંગણા સાફસૂફ કરીને લોકો સાથિયા પૂરી આસોપાલવના તોરણોથી તથા રાષ્ટ્રધ્વજ ફરકાવી મકાનો અને શેરીઓ શણગારવામાં આવ્યા હતાં.
વેપારીઓએ પોતાની દુકાનો શણગારી ધ્વજ ચઢાવ્યા હતા અને દુકાનો ખુલ્લી રાખી હતી. આઝાદીનો એ દિવસ દિવાળીના તહેવાર તરીકે ઉજવાયો હતો.
આખું ભારત આઝાદી સમયે ત્રણ રંગે રંગાઈ ગયું હતું. આજે 2022ની સાલમાં આઝાદી સમયનો માહોલ ત્રણ રંગમાં રંગાઈ ગયો છે. ફરક એટલો છે કે, ભારત દેશ આઝાદીના પંચોતેરમા વર્ષની ઉજવણી કરી રહ્યું છે.
હરઘર તિરંગા અભિયાન હેઠળ આજે દરેક ભારતીય પોતાની દેશભક્તિ અને રાષ્ટ્ર્પ્રેમ તિરંગો ફરકાવીને વ્યક્ત કરી રહ્યો છે.
15 ઓગસ્ટ 1947ના 24 દિવસ પહેલાં મળેલી બંધારણ સભામાં ભારતનો રાષ્ટ્રધ્વજ નક્કી કરાયો હતો.
1947માં પસંદ કરાયેલા રાષ્ટ્રધ્વજને પિંગાલી વૈંક્યાએ બનાવ્યો હતો. કોંગ્રેસના ધ્વજના આધારે તે બનાવાયો હતો. આ ધ્વજ આડા ત્રણ રંગના પટ્ટા ધરાવે છે, જેમાં ઉપરનો પટ્ટો ઘેરો કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ હોય છે. કેન્દ્રમાં ઘેરા વાદળી રંગનુ ૨૪ આરા ધરાવતું ચક્ર અવેલું છે, કે જે અશોક ચક્ર છે. આ અશોક ચક્ર સારનાથના સિંહાકૃતિ વાળા અશોક સ્થંભ માંથી લેવામાં આવેલ છે. અશોક ચક્રનો વ્યાસ સફેદ પટ્ટાની પહોળાઇના ૩/૪ ભાગ જેટલો હોય છે. આ ધ્વજની પહોળાઇ અને લંબાઇનું પ્રમાણ ૨:3ના ગુણોત્તરમાં હોય છે. આ ધ્વજ ભારતીય સૈન્યનો યુધ્ધ ધ્વજ પણ ગણાય છે અને તમામ સૈનિક છાવણીઓ પર દરરોજ ફરકાવવામાં આવે છે.
ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ 7 ઓગસ્ટ, 1906 માં કલકત્તા પારસી બગન સ્ક્વેર (ગ્રીન પાર્ક) માં લહેરાવ્યો હતો. ત્યાર બાદ 6 વખત રાષ્ટ્રધ્વજની ડિઝાઇન બદલાઇ હતી. 1904માં સિસ્ટર નિવેદિતાએ ગુલામ ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ બનાવ્યો હતો. તેમણે લાલ રંગના ચોરસ ધ્વજની ડિઝાઈન તૈયાર કરી હતી. ચોરસની ચારે તરફ 108 અગ્નિ જેવા પીળા રંગની નાની નાની એક સરખી પતાકા હતી અને વચ્ચે ઇન્દ્રના વજ્રનું નિશાન હતું. તેની ડાબી તરફ વંદે અને જમણી તરફ માતરમ બંગાળી ભાષામાં લખેલું હતું.
1906માં બંગાળના સચિન્દ્રપ્રસાદ બોઝ અને સુકુમાર મિત્રએ રાષ્ટ્રધ્વજ તૈયાર કર્યો હતો. આ રાષ્ટ્રધ્વજમાં ઉપર લીલો, વચ્ચે પીળો અને નીચે લાલ રંગ હતો અને લીલા પટ્ટામાં અર્ધ ખીલેલા કમળની ડિઝાઇન હતી પીળા રંગમાં સંસ્કૃતમાં વન્દે માતરમ અને લાલ પટ્ટામાં ડાબી તરફ સૂર્ય તથા જમણી તરફ ચાંદની છાપ હતી.
1907માં આ કલકત્તા ફ્લેગની ડિઝાઇનમાં નજીવો ફેરફાર કરી ભીકાજી કામાએ નવા ધ્વજની રચના કરી હતી. આ ધ્વજમાં ઉપર લીલો અને નીચે લાલ રંગ હતો પણ વચ્ચેના પીળા રંગેને કેસરીયો કરાયો હતો.
1916માં લોકમાન્ય તિળક અને એની બેસન્ટે નવા સ્વદેશી ધ્વજની રચના કરી હતી જેમાં પાંચ આડી લાલ પટ્ટીઓ અને ચાર આડી લીલી પટ્ટીઓ હતી. જમણી તરફના ઉપરના ભાગે બ્રિટનનો યુનિયન જેક હતો. લાલ અને લીલી પટ્ટીવાળા ક્ષેત્રમાં સાત સફેદ તારા અને ઉપરની તરફ ડાબી બાજુ ચાંદ તારાની છાપ હતી.
1921માં પિંગલી વૈકેંયાએ રાષ્ટ્રધ્વજ બનાવ્યો હતો જેમાં તેમણે ગાંધીજીના સૂચન બાદ રાષ્ટ્રધ્વજ બનાવ્યો હતો. ગાંધીજીએ તેને સ્વરાજ ધ્વજ નામ આપ્યું હતું. જેમાં લાલ,લીલી અને ગાંધીજીના સુચનથી સફેદ પટ્ટી રાખવામાં આવી હતી.
ત્યારબાદ 1931માં ઈન્ડિયન નેશનલ કોંગ્રેસની મિટીંગમાં સ્વરાજ ધ્વજમાં લાલ પટ્ટાને કેસરી રંગમાં પરિવર્તીત કરી વચ્ચે ચરખાનું ચિન્હ યથાવત રખાયું હતું. તેને ભારતનો ઓફિશીયલ ધ્વજ જાહેર કરાયો હતો.
1947માં કોંગ્રેસની બંધારણ સભામાં આ ધ્વજમાં ચરખાના સ્થાને અશોક ચક્રનું સ્થાન આપવાનો ઠરાવ કરાયો હતો અને તેને આઝાદ ભારતના રાષ્ટ્રધ્વજ તિરંગા તરીકે માન્ય ઠરાવ કરાયો હતો.
જો કે તિરંગામાંથી ચરખાને હટાવી અશોક ચક્ર લવાતા ગાંધીજી નારાજ થયા હતા અને તેમણે કહ્યું હતું કે ધ્વજમાં ચરખો હટાવવાનું તે મંજૂર નહીં કરે. ચરખા વગરનો ધ્વજ હું સ્વીકાર કરી શકું નહીં. જો કે બિન કોંગ્રેસી લોકોએ ચરખાનો વિરોધ કર્યો હતો અને ચરખાવાળો ધ્વજ કોંગ્રેસનો ધ્વજ હોવાનું જણાવ્યું હતું.
ડૉ.બી.આર.આંબેડકરની સમિતિએ તિરંગાને યથાવત રાખી ચરખાની જગ્યાએ અશોક ચક્ર રાખવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ ગાંધીજીએ પણ મન બદલ્યું હતું.
1907માં બર્લિનમાં મેડમ કામાએ બર્લિન સમિતિનો ધ્વજ ફરકાવ્યો હતો. તેને સચિન્દ્રપ્રસાદ બોઝે ડિઝાઇન કર્યો હતો.
વિદેશી ધરતી પર 15 ઓગષ્ટ 1947ના દિવસે આઝાદ ભારતનો પહેલો રાષ્ટ્રધ્વજ ઓસ્ટ્રેલીયાના કેનબરામાં લહેરાવાયો હતો.
બંગાળના અતુલચન્દ્ર ઘોષે અંગ્રેજોની ઉંઘ ઉડાડી દીધી હતી અને 1945ની સાલમાં રાષ્ટ્રીય ધ્વજ લહેરાવા બદલ અંગ્રેજોએ તેમની ધરપકડ પણ કરી હતી, તેમને ગુલામ ભારતમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવા બદલ જેલની સજા થઈ હતી.
15 ઓગસ્ટ 1947ના રોજ, જ્યારે નવી સરકારની વાઈસરોય હોલ (હાલના રાષ્ટ્રપતિ ભવન) ખાતે શપથ લેવામાં આવી રહ્યા હતા, ત્યારે હોલના સેન્ટ્રલ ડોમ પર સવારે 10.30 વાગ્યે સ્વતંત્ર ભારતનો રાષ્ટ્રધ્વજ પ્રથમ વખત ફરકાવવામાં આવ્યો હતો.
દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નેહરુએ 16 ઓગસ્ટ 1947ના રોજ સવારે 8:30 કલાકે લાલ કિલ્લા પર પ્રથમ વખત ધ્વજ ફરકાવ્યો હતો.
ધ્વજ લહેરાવવામાં કે લહેરાવવાની બે રીત છે. ધ્વજને ઉપરની તરફ ખેંચીને ફરકાવવામાં આવે છે અને તેને ધ્વજવંદન કહેવામાં આવે છે. અંગ્રેજીમાં તેને Flag Hoisting કહે છે. બીજી તરફ, પ્રજાસત્તાક દિવસ પર, રાષ્ટ્રધ્વજને બાંધીને ફરકાવવામાં આવે છે અને તેને ધ્વજવંદન કહેવામાં આવે છે. અંગ્રેજીમાં તેને ફ્લેગ અનફર્લિંગ કહે છે.
સ્વતંત્રતા દિવસ (15 ઓગસ્ટ)ના અવસરે, વડાપ્રધાન કાર્યક્રમમાં ભાગ લે છે અને તેઓ ધ્વજ ફરકાવે છે. જ્યારે દેશના રાષ્ટ્રપતિ 26 જાન્યુઆરીના ગણતંત્ર દિવસના મુખ્ય કાર્યક્રમમાં સામેલ થાય છે અને તેઓ ધ્વજ ફરકાવે છે.
સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે વડાપ્રધાન ધ્વજ ફરકાવે છે. તે જ સમયે, રાજપથ પર પ્રજાસત્તાક દિવસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ દિવસે રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવે છે.
વડાપ્રધાન દેશના રાજકીય વડા છે જ્યારે રાષ્ટ્રપતિ બંધારણીય વડા છે. દેશનું બંધારણ 26 જાન્યુઆરી 1950 ના રોજ અમલમાં આવ્યું. તે પહેલા દેશમાં ન તો બંધારણ હતું કે ન તો રાષ્ટ્રપતિ હતા. આ કારણોસર, દર વર્ષે 26 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ રાષ્ટ્રધ્વજ ફરકાવે છે.
રાષ્ટ્રધ્વજ દેશમાં માત્ર એક જ સ્થળે તૈયાર કરાય છે અને તે છે કર્ણાટકના ધારીવાડમાં આવેલા કર્ણાટક ખાદી ગ્રામોધ્યોગ સંયુક્ત સંઘ. આખા દેશમાં માત્ર આ જ સંસ્થાને રાષ્ટ્રધ્વજ બનાવવાનો અધિકાર છે.
ભારતની સાથે 15 ઓગષ્ટે બહેરીન, ઉત્તર કોરીયા, દક્ષિણ કોરીયા અને કોંગો તથા Liechtenstein લિચેટેન્સ્ટાઈન દેશ પણ આઝાદ થયા હતા.
જો કે ભારત આઝાદ થયા બાદ ઘણાા સમય સુધી ગોવા પોર્ટુગીઝોના શાસન હેઠળ હતું. 1961માં તેને ભારત સાથે જોડવામાં આવ્યું હતું. જેથી ગોવામાં 15 ઓગસ્ટેે સ્વતંત્રતા દિવસ ઉજવાતો નથી.
29 મે 1953ના રોજ સવારે 11.30 કલાકે વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટને ન્યૂઝીલેન્ડના એડમન્ડ હિલેરી અને નેપાળના શેરપા તેનઝિંગ નોર્ગેએ સર કર્યું હતું અને તિંરગો લહેરાવ્યો હતો.


