નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવશે, 12 માર્ચે ખેલ મહાકુંભ 2022નો કરાવશે પ્રારંભ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે
આવશે. કોરોના
મહામારીના પગલે બે વર્ષ બાદ યોજાઈ રહેલ ખેલ મહાકુંભનો પ્રારંભ વડાપ્રધાન
નરેન્દ્રમોદીના હસ્તે કરવામાં આવશે. 12 માર્ચે અમદાવાદના નવરંગપુરા
સ્થિત સરદાર પટેલ સ્ટેડિયમથી ખેલ મહાકુંભનો પ્રારંભ થશે. ખેલ મહાકુંભની શરૂઆતના
કાર્યક્રમને લઈ નવરંગપુરા સ્ટેડિયમ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયારીઓ શરુ
કરી દેવામાં આવી છે. ગુરુવારે ગુજરાત ખેલ મહાકુંભને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે
અધિકારીઓની એક બેઠક યોજાઇ હતી. જેમાં આ સમગ્ર કાર્યક્રમ અંગેની રૂપરેખા ઘડી
દેવામાં આવી હતી અને અલગ-અલગ અધિકારીઓને અલગ-અલગ જવાબદારી સોંપવામાં આવી છે.
ખેલમહાકુંભનું અમદાવાદ ખાતે આયોજનને લઈને સ્ટેડિયમમાં રંગરોગાન
સાફ-સફાઈ અને રોડની રિપેરિંગની કામગીરી સહિતની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 2010માં ખેલ મહાકુંભમાં 16.50 લાખ જેટલા રમતવીરોએ રજિસ્ટ્રેશન
કરાવ્યું હતું. ખેલ મહાકુંભ-2019 માં 39.32 લાખ જેટલા રમતવીરોએ ભાગ લીધો
હતો. ખેલ મહાકુંભ 2022માં 40 લાખ જેટલા રમતવીરો ભાગ લે તેવી આશા છે. કોરોનાની પરિસ્થિતિને
ધ્યાનમાં રાખીને કોવિડ નિયમોના પાલન સાથે ખેલ મહાકુંભ 2022નું
આયોજન થશે. જેમાં 29 જેટલી રમતો હશે. દિવ્યાંગ
ખેલાડીઓ માટે 26 રમતો હશે. ચાર વયજૂથના ખેલાડીઓ તેમાં ભાગ લઇ શકશે. વિજેતા ખેલાડીઓ
માટે રૂપિયા 30 કરોડના રોકડ પુરસ્કાર જાહેર કરવામાં આવ્યા છે.


