PhD માટે પ્રવેશની રજૂઆત સમયે વિદ્યાર્થિનીનો ગંભીર આક્ષેપ
Saurashtra University : રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે, જ્યાં એક વિદ્યાર્થિનીએ PhD ગાઈડ સામે શારીરિક શોષણનો ગંભીર આરોપ મૂક્યો છે. NSUIના આગેવાનો યુનિવર્સિટીમાં છેલ્લા બે વર્ષથી PhD પ્રવેશ પરીક્ષા ન લેવાઈ હોવા અંગે રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે આ વિદ્યાર્થીનીએ કુલપતિ ડૉ. ઉત્પલ જોશી સમક્ષ આક્ષેપ કર્યો હતો.
વિદ્યાર્થીનીએ આરોપ લગાવ્યો કે PhD માં પ્રવેશ મેળવવા માટે ગાઈડના અયોગ્ય સંબંધો માટે દબાણ થાય છે, જેના કારણે યુનિવર્સિટીની શૈક્ષણિક વ્યવસ્થા પર શંકા ઊભી થઈ છે. કુલપતિએ સ્પષ્ટ કર્યું કે અત્યાર સુધીમાં કોઇપણ લેખિત ફરિયાદ મળી નથી, તેમ છતાં જો ફરિયાદ આવે તો મહિલા વિંગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના વિદ્યાર્થીઓમાં નારાજગી અને વિરોધનું મોજું ઉભું કરી રહી છે, તેમજ યુનિવર્સિટીની છબી પર પણ મોટો પ્રશ્નાર્થચિહ્ન લગાવ્યો છે.


