ફાગણમાં સોળે કળાએ ખીલેલો મનમોહક કેસૂડો હોળીમાં આપે છે પ્રાકૃતિક રંગ
આજના મોબાઈલ યુગની પેઢીને કેસૂડાના વૃક્ષ વિશે પૂછવામાં આવે તો ભાગ્યે જ કોઈને ખબર હશે. શહેરોમાં લગભગ કેસૂડો જોવા મળતો નથી. ફાગણ મહિનો આવતા જ કેસૂડો સોળે કળાએ ખીલવા લાગ્યો છે. ત્યારે આ કેસૂડો સોળે કળાએ ખીલતા આદિવાસી સમાજના લોકો હોળીની તૈયારીમાં લાગી જાય છે. સાથે જ આ કેસૂડો શરીર માટે પણ ઉપયોગી હોવાનું જાણવા મળ્યું છે.
પાનખર ઋતુ બાદ આવતી વસંત ઋતુમાં કેસરીયો કેસૂડો ખીલે ઉઠે છે.
કવિઓએ જેને પોતાની કવિતામાં ઢાળી છે અને ફાગણમાં જ્યારે પાનખરની ઋતુ જામી હોય ત્યારે બધા વૃક્ષો પરથી પાંદડા ખરી પડે છે ત્યારે કેસૂડો સોળે કળાએ ખીલી ઊઠે છે. રંગોનો તહેવાર હોળી નજીક આવી ગયો છે, આ સાથે કેસૂડો પણ ખીલી ઉઠ્યો છે. ત્યારે આદિવાસી પંથકમાં ઠેક-ઠેકાણે ખીલેલા કેસૂડાના વૃક્ષને જોવાનો લાહ્વો પણ અનેરો છે. શિયાળાની વિદાય સાથે પાનખર ઋતુ બાદ આવતી વસંત ઋતુમાં કેસરીયો કેસૂડો ખીલી ઉઠે છે.
ઉનાળાના ત્રણ મહિનાની ગરમીથી રક્ષણ માટે કેસૂડો ખૂબ ઉપયોગી
ફાગણએ હિંદુ વૈદિક પંચાગ અંતર્ગત વિક્રમ સંવતનો પાંચમો અને શક સંવતનો બારમો મહિનો છે. આ મહિનામાં ખાખરાના વૃક્ષ પર ફૂલો બેસે છે, જેને કેસૂડા તરીકે ઓળખવામાં આવે છે. જો કે હવે કેમિકલ રંગોના સમયમાં કુદરતી વનસ્પતિ રંગોથી કોઇ ધુળેટી રમતુ તો નથી છતા પણ ડાંગ-વાંસદાના આદિવાસીઓને હોળી ધુળેટીમાં કેસૂડાની યાદ અવશ્ય આવે જ છે. ફાગણ મહિનાના આગમન ટાણે કેસૂડાના ફૂલ ખીલતા હોય છે. ઉનાળાના ત્રણ મહિનાની ગરમીથી રક્ષણ માટે કેસૂડો ખૂબ ઉપયોગી છે. કેસૂડાના ફૂલને સુકવીને આખી રાત પલાળી રાખ્યા બાદ તેનો પાવડર પાણી સાથે ભેળવી છાંટવાથી ત્વચાનું આરોગ્ય બળબળતા તાપમાં પણ જળવાઈ રહે તેવા ઔષધિય ગુણો તેમાં રહેલા છે. ઉનાળામાં થતા ચામડીના રોગો પણ તેના પરિણામે દૂર રહે છે.
આયુર્વેદની દ્રષ્ટિએ અનેક રોગો સામે રક્ષણ આપતા કેસૂડાના ફૂલો
કેસૂડાના ફૂલો ઉનાળાના દિવસોમાં તો જંગલ વિસ્તારોની શોભા વધારે છે. પરંતુ આયુર્વેદની દ્રષ્ટિએ ગુણકારી ગણાતા કેસૂડાના ફૂલો પર ઘણા આયુર્વેદિક સંશોધનો પણ થઈ ચૂક્યા છે. જેમાં ચર્મરોગ, અતિસાર તથા નાના બાળકોને ઉનાળાના દિવસોમાં સુકા કેસૂડાના ફૂલોથી સ્નાન કરાવવાથી લુ, શરદી અને તાવ જેવા રોગો સામે રક્ષણ મળે છે. જેથી કેસૂડો શરીર માટે પણ ગુણકારી હોવાનું જાણવા મળ્યું છે. આપણા આદિવાસી સમાજના પૂર્વજોએ દરેક વનસ્પતિના ઔષધિય ઉપયોગને જાણીને તેને ધર્મ સાથે વણી લીધા હતા. જેથી સમાજમાં દરેકનું આરોગ્ય સારૂ રહે, પરંતુ આપણે તે વાત ભુલી ગયા, અને કેમિકલ રંગોના મોહમાં ચડ્યા તેનાથી ધુળેટીમાં આરોગ્ય સુધરવાનું બાજુ પર રહ્યું, વધારે બગડી રહ્યું છે!


