ધ્રાંગધ્રાના સોમપુરા પરિવારે રામ મંદિરમાં 1800 મૂર્તિઓથી ઝાલાવાડનું નામ રોશન કર્યું
Surendranagar : સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે રહેતા અને વર્ષોથી શિલ્પ કળા સાથે સંકળાયેલ સોમપુરા પરિવાર અને તેમના કારીગરો દ્વારા બનાવેલ અંદાજે 1800 થી વધુ અલગ અલગ દેવી દેવતાઓની મૂર્તિઓ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરમાં અત્યાર સુધીમાં સ્થાપિત કરવામાં આવતા ઝાલાવાડનું નામ દેશ સાથે વિદેશમાં પણ રોશન કર્યું છે.
કરોડો હિન્દુઓ અને ધર્મપ્રેમી લોકોની આસ્થા સાથે જોડાયેલ શ્રી રામ મંદિરનો અયોધ્યા ખાતે 22 જાન્યુઆરી 2024ના દિવસે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. જેમાં ધ્રાંગધ્રા ખાતે રહેતા અને વર્ષોથી પથ્થરની મૂર્તિઓ અને શિલ્પ-સ્થાપત્યના વ્યવસાય સાથે જોડાયેલા હિતેશભાઈ સોમપુરા અને તેમની ટીમના 25 થી વધુ કારીગરો દ્વારા બનાવેલ અંદાજે 300 જેટલી દેવી-દેવતાઓની મૂર્તિઓ રામ મંદિરમાં પ્રાર્થના ખંડ, કીર્તન ખંડ ,રંગ મંડપ સહિતની જગ્યાઓમાં કોતરણીયુક્ત સ્તંભો સ્થાપિત કરવામાં આવ્યા હતા.
છેલ્લા દોઢ બે વર્ષથી હિતેશભાઈ સોમપુરા અને તેમની ટીમ દ્વારા મૂર્તિઓ બનાવવાનું કામ હજુ પણ ચાલુ છે અને વધુ 1500 જેટલી દેવી દેવતાઓની મૂર્તિઓનું કામ પૂર્ણ થતા હાલ અયોધ્યા રામ મંદિરના વિવિધ ભાગો જેમ કે ઘુમ્મટ, સ્તંભ અને મંદિર શિખરના ગોખ, પ્રદક્ષિણા કક્ષ અને રામ દરબારના દરવાજા પાસેના ભાગોમાં મૂકવામાં આવી છે. જે બદલ હિતેશભાઇ અને તેમનો પરિવાર ગર્વની લાગણી અનુભવી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ધ્રાંગધ્રાના શિલ્પ કારીગરો દ્વારા અગાઉ સોમનાથ, દ્વારકા સહિત મોઢેરા સૂર્ય મંદિર અને ગાયકવાડ હવેલી ખાતે પણ મૂર્તિઓ સહિત વિવિધ કૃતિઓ બનાવવામાં આવી છે.


