જનેતાની સંભાળ રાખવા માટે મોટું ઘર નહીં, મોટું હૃદય જોઈએઃ સુપ્રીમ કોર્ટ
માતાની સંભાળ રાખવા માટે મોટું ઘર નહીં પણ મોટું હૃદય જોઈએ. એક વૃદ્ધ મહિલાને તેના પુત્ર દ્વારા સેવા ન કરવા મુદ્દે કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ અવલોકન કર્યું હતું. વૃદ્ધ મહિલાની પુત્રીઓએ કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે તેમનો ભાઈ માતાની સંભાળ રાખતો નથી, તેથી તેણે તેની કસ્ટડી આપવી જોઈએ.મહિલાની કોઈપણ જંગમ કે સ્થાવર મિલકત ટ્રાન્સફર નહીં કરી શકાયઆ કેસની સુનાવણી દરમિયાન સુપ્રી
Advertisement
માતાની સંભાળ રાખવા માટે મોટું ઘર નહીં પણ મોટું હૃદય જોઈએ. એક વૃદ્ધ મહિલાને તેના પુત્ર દ્વારા સેવા ન કરવા મુદ્દે કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ અવલોકન કર્યું હતું. વૃદ્ધ મહિલાની પુત્રીઓએ કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે તેમનો ભાઈ માતાની સંભાળ રાખતો નથી, તેથી તેણે તેની કસ્ટડી આપવી જોઈએ.
મહિલાની કોઈપણ જંગમ કે સ્થાવર મિલકત ટ્રાન્સફર નહીં કરી શકાય
આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એક અધિકારિક ટિપ્પણી કરી હતી. દીકરીઓએ કહ્યું કે તેમના ભાઈએ માતાની મોટી સંપત્તિ પોતાના નામે કરી છે, પરંતુ હવે તેઓ તેમની કાળજી લેતા નથી. તેના પર કોર્ટે આદેશ આપ્યો છે કે હવે મહિલાની કોઈપણ જંગમ કે સ્થાવર મિલકત ટ્રાન્સફર નહીં કરી શકે. આ ઉપરાંત પુત્રીઓને માતાની કસ્ટડી સોંપવા અંગે પુત્ર પાસેથી મંગળવાર સુધી જવાબ માંગવામાં આવ્યો હતો.
માતાને રાખવા માટે જગ્યા નથી
આ કેસમાં માતા ડિમેન્શિયાથી પીડિત છે. કોર્ટે કહ્યું કે હવે દીકરીઓએ માતાની જવાબદારી નિભાવવી જોઈએ. તેના પર પુત્ર તરફથી હાજર રહેલા એડવોકેટ શોએબ કુરેશીએ કહ્યું હતું કે દીકરીઓ તેમના પરિવાર સાથે રહે છે અને તેમની પાસે માતાને રાખવા માટે જગ્યા નથી. આ અંગે કોર્ટે કહ્યું કે, 'પ્રશ્ન એ નથી કે તમારી પાસે કેટલું ક્ષેત્રફળ છે, પણ સવાલ એ છે કે તમારી માતાની સંભાળ રાખવા માટે તમારું હૃદય કેટલું મોટું છે.' જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને સૂર્યકાંતની બેન્ચે પુત્રને મંગળવાર સુધીમાં નોટિસનો જવાબ આપવા જણાવ્યું હતું.
દીકરીઓએ કહ્યું હતું - તેમને તેમની માતાને મળવાની મંજૂરી નથી આપવામાં આવી રહી
વૃદ્ધ મહિલાની પુત્રીઓ પુષ્પા તિવારી અને ગાયત્રી કુમારે માર્ચમાં અરજી દાખલ કરીને કહ્યું હતું કે તેમની માતાને ફેબ્રુઆરીમાં ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારપછી તેને તેના ભાઈએ કોઈ અજાણી જગ્યાએ ગોંધી રાખી છે અને તેમને મળવા પણ નથી દેવામાં આવતી. કોર્ટે પુત્રને 89 વર્ષની માતા વૈદેહી સિંહનું લોકેશન જાહેર કરવા નોટિસ પાઠવી હતી. ત્યાર બાદ પુત્રએ કહ્યું કે માતાને બિહારના મુઝફ્ફરપુરના ઘરે લઈ ગયો હતો. જે બાદ કોર્ટે આદેશ આપ્યો હતો કે મહિલાની પુત્રીઓને તેને મળવા દેવામાં આવે.
કોર્ટે કહ્યું- માતાની તબિયત ખરાબ છે અને તમે પ્રોપર્ટી ટ્રાન્સફર કરતા રહ્યાં
આ પછી, 18 એપ્રિલે, કોર્ટે પટનાની મેદાંતા હોસ્પિટલને એક મેડિકલ બોર્ડ બનાવવા અને વૃદ્ધ માતાના સ્વાસ્થ્યની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. આના પર 28 એપ્રિલે હોસ્પિટલના મેડિકલ બોર્ડે પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે વૈદેહી સિંહ ડિમેન્શિયાથી પીડિત છે. તેના પર કોર્ટે કડક વલણ દાખવતા કહ્યું હતું કે માતાની તબિયત આટલી ખરાબ હોવા છતાં દીકરો તેની પ્રોપર્ટી ટ્રાન્સફર કરવામાં વ્યસ્ત હતો. વૃદ્ધોની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતાં કોર્ટે કહ્યું હતું કે, દેશમાં વરિષ્ઠ નાગરિકો સાથે આ એક ગંભીર દુર્ઘટના છે. તે ગંભીર બીમારીથી પીડિત છે અને તમે તેની સંપત્તિ વેચવાનો પ્રયાસ કરી રહ્યાં છો. તમે તેમને કલેક્ટર કચેરીએ પણ લઈ ગયા જેથી કરીને તમે તેમના અંગૂઠા લગાવી શકો. હવે અમે તેની મિલકતને લગતી કોઈપણ વધુ પ્રક્રિયાને અટકાવીએ છીએ.


