કિન્નરોને આજ દિન સુધી એક અજાણ્યા વર્ગ તરીકે કેમ ગણે છે?
પ્રત્યેક સમાજમાં સ્ત્રીઓ અને પુરુષો આ બે વર્ગોની સાથે સાથે કિન્નરોનો પણ એક ત્રીજો વર્ગ અસ્તિત્વ ધરાવે છે. આપણી માન્યતાઓ રૂઢિ અને સમાજરચનામાં કિન્નરોને આજ દિન સુધી એક અજાણ્યા વર્ગ તરીકે અથવા તો કહો કે ઓળખાયેલા વર્ગ તરીકે થોડીક અને ક્યારેક વધારે પણ સમજ સાથે તેમના તરફ ક્યારેક મશ્કરી ભર્યું, ક્યારેક તેમને અપમાનિત કરતું તો વળી ક્યારેક તેમને તેમના જીવનનો વ્યવહારો ચલાવવામાં મુશ્
Advertisement
પ્રત્યેક સમાજમાં સ્ત્રીઓ અને પુરુષો આ બે વર્ગોની સાથે સાથે કિન્નરોનો પણ એક ત્રીજો વર્ગ અસ્તિત્વ ધરાવે છે. આપણી માન્યતાઓ રૂઢિ અને સમાજરચનામાં કિન્નરોને આજ દિન સુધી એક અજાણ્યા વર્ગ તરીકે અથવા તો કહો કે ઓળખાયેલા વર્ગ તરીકે થોડીક અને ક્યારેક વધારે પણ સમજ સાથે તેમના તરફ ક્યારેક મશ્કરી ભર્યું, ક્યારેક તેમને અપમાનિત કરતું તો વળી ક્યારેક તેમને તેમના જીવનનો વ્યવહારો ચલાવવામાં મુશ્કેલી પડે તેવું અવરોધરૃપ વર્તન થતું આવ્યું છે.
કિન્નરો માટે જુદી જુદી ભાષામાં જુદા જુદા શબ્દો વપરાતા હશે પણ તેમની સમસ્યાઓ અથવા તો તેમના અસ્તિત્વ સામેના પડકારો લગભગ બધેજ વધતે ઓછે અંશે એક સરખા જોવાયા છે.
આમ તો મહાભારતના યુદ્ધમાં શિખંડીના અસ્તિત્વના લેખથી આજની બહુચર્ચિત અને આંતરરાષ્ટ્રીયકક્ષાએ ક્યાંક બનેલી "લક્ષ્મી"સુધીની આ વર્ગની જીવનયાત્રાના અજાણ્યા પ્રદેશોથી આપણે સામાન્ય માણસો લગભગ અજાણ્યા જ રહેવાનું પસંદ કર્યું છે.
એકવીસમી સદીમાં અજાણ્યા રહી ગયેલા વિસ્તારોની જાણકારી મેળવવાની જ્ઞાન યાત્રા બની છે ત્યારે છેલ્લા થોડાક વર્ષોમાં કિન્નરોને પણ માનવ અધિકાર અને એક માનવને મળતું માન અને સન્માન મળવા જોઈએ એવું સ્વીકારવાની શરૂઆત થઈ છે. જેને સામાજિક સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અને માનવતાની દ્રષ્ટિએ પણ સકારાત્મક પરિવર્તન તરીકે અને આ સદીના સ્ત્રી અર્થને જુદા અર્થમાં સમાજના દ્રષ્ટિકોણનું પ્રતિબિંબ પડતું જોવા મળે છે.
અમદાવાદ પાસેના નાના ચિલોડા ગામની એક દીકરી ઝરણા રિતેશ ગાંગુલીએ યુનિવર્સિટીમાં કિન્નરો પર શોધ સંશોધન કરીને પીએચડીની ઉપાધિ પ્રાપ્ત કરી જેના શોધ અને સંશોધનોના ઘણા બધા કારણો આપણે માટે ચોકાવનારા બને છે. બહેન ઝરણાએ ગુજરાતના લગભગ ૨૦૦ કરતાં પણ વધારે કિન્નરોના જીવનની ગુણવત્તા પર ભાવનાત્મક બુદ્ધિ અને આધ્યાત્મિક માન્યતાઓના મહત્વ પર ગુજરાત યુનિવર્સિટીમાંથી સંશોધન કરીને પી.એચ.ડી.ની ઉપાધી પ્રાપ્ત કરી.
તેના સંશોધનના ઊડીને આંખે વળગે તેવા કેટલાક કારણો માં કેટલીક અજાણી બાબતો ઉજાગર થઇ.
અન્ય વર્ગોની જેમ કિન્નરોના વર્ગમાં પણ પ્રાચીન પરંપરાઓ માન્યતાઓ અને મૂલ્યો માં બહુ મોટો ફેરફાર થયેલો જોવા મળ્યો. એક જમાનામાં કિન્નર મૃત્યુ પામે છે પછી તેનું શું થાય છે તે વિશે કોઈને ખાસ કશી માહિતી નહોતી એવી એક માન્યતા હતી અને છે કે કિન્નરનું મૃત્યુ થાય તો એની અંતિમયાત્રા રાત્રિએ જ કાઢવામાં આવે. સમાજને એની નોંધ લેવા તકલીફ પડે . આને કારણે કિન્નરોના મૃત્યુ પછી એમની અંતિમ ક્રિયા ક્યાં ને કેવી રીતે થાય છે એના વિશે લગભગ સમાજનો મોટો વર્ગ અજાણા જ હતો.
બહેન ઝરણાના સંશોધનોમાંથી જે તારણો બહાર આવ્યા છે તે મુજબ કિન્નરોના મૃત્યુ પછીના તેમની અંતિમ ક્રિયાના રિવાજોમાં પણ હવે પરિવર્તન આવવા માંડ્યું છે અને તેમની અંતિમયાત્રા દિવસે નીકળે અને નદીકિનારે નિશ્ચિત જગ્યાએ તેમની દફનવિધિ કરવામાં આવે.
પણ આ તો કિન્નરોના જીવનની થોડીક અજાણી બાબતો છે કદાચ એમના વિશે કોઈકને વધારે જાણવાનું મન પણ થાય પણ તેથી કિન્નરોની સમસ્યા પૂરી થતી નથી. કિન્નરોની અનેક સમસ્યાઓમાંની મૂળ સમસ્યા તો એ છે કે સમાજના મુખ્ય પ્રવાહમાં તેમને સામેલ કરવામાં આવતા નથી પરિણામે તેમને પોતાનું જીવન ટકાવી રાખવા માટે ક્યારેક ઉચિત તો ક્યારેક અનુચિત માર્ગ અપનાવવા પડતા હોય છે.
એકવીસમી સદીમાં જ્યારે આપણે સૌનો સાથ સૌનો વિકાસ એવા સુંદર વિચાર સાથે ચાલી રહ્યા છીએ ત્યારે કિન્નરોને પણ સમાજની મુખ્ય ધારામાં સમાવવા માટેની સમજનો વિસ્તાર થાય જરૂર પડે તો એને માટે અલગ વ્યવસ્થાતંત્ર ઊભું કરવામાં આવે અને એથી આગળ વધીને જરૂર પડે તો જરૂરી કાયદાઓનું ગઠન પણ કરાવવું જોઈએ અને એ રીતે માનવતાના આ સમજણપૂર્વક સ્વીકારવા માટે સમાજે આગળ આવવું જોઇએ અને આ કોયડાના ઉકેલ માટે મન ખુલ્લું રાખવું જોઈએ એ આજની સદીનો એક જુદો જ સ્ત્રીઆર્થ બને છે.


