Download Apps
Home » સુખ-દુઃખનાં પલ્લાં વચ્ચે સ્થિરતા મેળવવાની કળા

સુખ-દુઃખનાં પલ્લાં વચ્ચે સ્થિરતા મેળવવાની કળા

 ચિંતા આજના દિવસનાં સુખ-ચેન છીનવી લે છે 
માણસમાત્રને જોઈએ છે આનંદ, સુખ, શાંતિ. જીવન આનંદમય, સુખમય, શાંતિમય હોય તેવું સૌ કોઈ ઇચ્છે છે. પરંતુ એવું બનતું નથી. સુખ-દુઃખના પ્રવાહો સૌ કોઈને તાણી જાય છે. ક્ષણિક સુખ અને પાછળ દુઃખની સવારી, કે થોડી-ઘણી શાંતિ પછી અશાંતિની સવારી અણધારી આવી પહોંચે છે.
શાંતિ-અશાંતિનું સતત ફરતું ચક્ર જીવનને રગદોળ્યા કરે છે.
આજનો સમય ક્યારેય નહીં ધારેલો એવો વિકટ ચાલી રહ્યો છે.
સંજોગો રોજ નવા નવા દુઃખના કે નવી નવી સમસ્યાઓના સીમાડા દેખાડતા રહે છે.
પળે પળે મન ઉદ્વેગમાં રહે છે. ધારેલાં કાર્યો, ધંધા-પાણી, આવકનાં સાધનો અને પરિણામો હાથ-તાળી દઈ છટકી જાય છે.
કાલે શું થશે તેની ચિંતા આજના દિવસનાં સુખ-ચેન છીનવી લે છે.
ધન, દોલત, પદ, પ્રતિષ્ઠા, પરિવાર, મિત્રો અને બીજું બધું જ ગમે તેટલું હોવા છતાં ઓછું પડે છે – મનને શાંતિ આપવા માટે.
ટૂંકમાં, મનમાં એક મહાભારત નિરંતર ચાલે છે. કુરુક્ષેત્રના મેદાનના અર્જુન જેવી સ્થિતિ મનમાં રોજ પેદા થાય છે. મનમાં રોજ વિષાદયોગ રચાય છે. સગાં-વ્હાલાં પ્રત્યેની મમતામાં કે મનના માનેલા ધર્મોમાં અંદર બેઠેલો અર્જુન મૂંઝાય છે. ઘડીક લડી લેવાની વૃત્તિ, ઘડીક સંઘર્ષ સામે બાથ ભીડવાની હિંમત, તો ઘડીકમાં મેદાન છોડવાની વાત.
પણ પાંચ હજાર વર્ષ પહેલાં અર્જુનનું બળિયું પાસું એ હતું કે એની પાસે કૃષ્ણ હતા. આજે છ અબજની વસ્તીની અંદર મુંઝાઈને બેઠેલા અર્જુન પાસે કૃષ્ણ ક્યાં છે?
આત્મહત્યાઓ કેમ થાય છે 
વિશ્વમાં દર વર્ષે એવા મુંઝાઈ ગયેલા આઠ લાખ લોકો આત્મહત્યા કરે છે. તે એવા દયનીય લોકો છે – જેમની પાસે રસ્તો હોવા છતાં રસ્તો જડતો નથી. બહાર ઝાકમઝોળ હોવા છતાં માંહ્યલી દુનિયા અંધારી બની છે.
દર વર્ષે એવા મૂંઝાયેલા દસ લાખ લોકો આક્રોશમાં ભાન ભૂલીને બીજાની હત્યા કરી બેસે છે.
ક્યાંય માર્ગ જડતો નથી આનંદ મેળવવાનો, એટલે એવા અબજો લોકો દરરોજ કરોડો લીટર દારૂના નશામાં લથડિયાં ખાય છે, અને કરોડો યુવાનો નશીલી દવાઓ કે ધૂમ્રપાન અને નિમ્ન સ્તરની બીભત્સતામાં ગૂલ થઈ જાય છે. અને અંતે પોતાનો અને બીજાનો સર્વનાશ નોતરે છે.
પારિવારિક કલહો પણ એવી મૂંઝવણનું જ પરિણામ બને છે. અને અસંખ્ય પરિવારોને મનની અશાંતિ છિન્નભિન્ન કરી નાંખે છે.
મનનું આ મહાભારત યુગોથી ચાલ્યા કરે છે અને મનમાં બેઠેલો અર્જુન યુગોથી મુંઝાય છે. શું છે આનો ઇલાજ?
એનો ઇલાજ મેળવવા કૃષ્ણ પાસે જવું પડે. અર્જુનને કૃષ્ણ મળ્યા, મહાભારતના યુદ્ધમાં, કુરુક્ષેત્રના મેદાનમાં મૂંઝાયેલા અર્જુનને કૃષ્ણે શાંતિની સાચી દિશા ચીંધી.
મનની સ્થિરતા
શ્રીકૃષ્ણ માર્ગ ચીંધે છે – ગમે તેવા સંજોગોમાં મનની સ્થિરતા કેળવવાનો.
દરેક વખતે સંજોગો બદલવાનું આપણા હાથમાં નથી હોતું. પણ સંજોગો પ્રત્યેના આપણા વલણને બદલવાનું આપણા હાથમાં જ છે.
આપણે અને આપણું મન. કુસ્તી આ બે વચ્ચે જ છે.
જીવનનો રસ્તો ખડબડિયો છે અને રહેવાનો. આપણે આપણી ચાલ બદલવી પડે કે જેથી હેલાં ન આવે.
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ ઘણી વખત ઊંટની સવારીનું ઉદાહરણ લડાવીને કહેતા. તેઓ કહેતાઃ ‘આ સંસાર ઊંટની સવારી જેવો છે. તમે ઊંટ પર સવારી કરો તો હેલાં આવે જ. જો બરાબર બેસતાં ન આવડે તો પડી જવાય. એટલે ઊંટ જેવી રીતે ચાલે એના તાલે તાલ આપણે પણ નમતાં અને હેલા ઝીલતાં શીખવું પડે. એમ આ સંસારમાં પણ સુખ-દુઃખના હેલા આવે, તેમાં તેને અનુરૂપ થઈ જવું પડે. નહીંતર ગબડી પડાય અને દુઃખી દુઃખી થઈ જવાય.’ આ હેલા ઝીલવાની કળા ભગવાન શ્રીકૃષ્ણ ભગવદ્ગીતામાં અર્જુનને શીખવે છે. પાંચ હજાર વર્ષ પહેલાંનું એ જ્ઞાન આજે પણ એટલું જ ઉપયોગી છે.
જય-પરાજયની બંને સ્થિતિમાં મનને આનંદમય કેવી રીતે રાખવું?
આપણા બધા વતી જાણે અર્જુન પાંચ હજાર વર્ષ પહેલાં પૂછે છેઃ
સુખ-દુઃખમાં સમતા કેવી રીતે કેળવવી? જીવનનાં દ્વંદ્વોમાં મન કેવી રીતે સ્થિર રાખવું? જય-પરાજયની બંને સ્થિતિમાં મનને આનંદમય કેવી રીતે રાખવું? લાભ અને અલાભમાં મનમાં શાંતિ કેવી રીતે જાળવી રાખવી? આ બધા સંજોગોમાં જેની મતિ સ્થિર રહેતી હોય એવા મહાપુરુષ કેવા હોય? તે કેવી રીતે બોલે? તે કેવી રીતે વર્તે? ભગવદ્ગીતાના દ્વિતીય અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ તેનો ઉત્તર આપે છે – 18 શ્લોકોમાં.
આ 18 શ્લોકોમાં શ્રીકૃષ્ણ એમ કહેવા માંગે છે કે એવા સ્થિતપ્રજ્ઞ મહાપુરુષ આ પૃથ્વી પર આપણી વચ્ચે જ હોય છે. એમનું જીવન જોઈને, એમાંથી પ્રેરણા મેળવીને તમે તમારું જીવન ઘડો, તમે પણ મનની એવી સમતા કેળવી લો.
યુગે યુગે એવા સ્થિતપ્રજ્ઞ મહાપુરુષો આ ધરતીને શોભાવતા રહે છે. પોતાના જીવન દ્વારા અસંખ્ય લોકોને પ્રેરણાનું અમૃત પાય છે. કોઈ અપેક્ષા વિના, નિઃસ્વાર્થ ભાવે.
ગુણાતીત સંત-દીવાદાંડી 
આપણા યુગે નીરખેલા એવા સ્થિતપ્રજ્ઞ પુરુષનું મુખારવિંદ લાખો લોકોનાં હૃદયમાં સૌને સતત પ્રેરણા આપી રહ્યું છે.
એમનું પવિત્ર નામ – પ્રમુખસ્વામી મહારાજ – સાંભળતાં જ લોકોનાં હૈયે હામ આવી જાય છે. સમતા અને મમતાના એ મેરુ હતા.
ભગવદ્ગીતાના એ અઢારેય શ્લોકોનું જીવતું, જાગતું, હાલતું, ચાલતું અને સૌની વચ્ચે રહેતું અજોડ ઉદાહરણ હતું.
નિષ્કલંક અને નિર્દોષ, પરગજુ અને પરોપકારી, પરમાર્થી અને સેવાર્થી ચરિત્ર હોવા છતાં, જીવનમાં સુખ-દુઃખ એમને પણ આવ્યાં. માન- અપમાનના હેલા પણ આવ્યા. કષ્ટોની કોઈએ ન જોઈ – અનુભવી હોય તેવી બધી જ બાબતો તેમના જીવનમાં પણ બની અને શરીરના કુચ્ચેકુચા બોલાવી દેતી બીમારીઓ પણ છેલ્લી ઘડી સુધી પજવતી રહી. પરંતુ એ બધા વચ્ચે પ્રમુખસ્વામી મહારાજ હંમેશાં આનંદ, આનંદ અને આનંદ ભોગવતા રહ્યા,
ચારે તરફ આનંદ, આનંદ અને આનંદ વહેંચતા રહ્યા. દુઃખ કે આપત્તિઓના તેમણે ક્યારેય રોદણાં ન રોયાં, કે ન બીજાને રોવાં દીધાં.
અપમાનને પણ પચાવી લેવાનો ગુણ 
એકવાર એક ખૂબ મોટા તીર્થધામમાં સ્વામીશ્રી દર્શનાર્થે ગયા. તીર્થના કેટલાક અણસમજુ અગ્રણીઓના મનમાં કેટલીક ગેરસમજોને લીધે તેમને સ્વામીશ્રી પ્રત્યે દ્વેષ ઉત્પન્ન થયો હતો. સ્વામીશ્રી તીર્થમાં પ્રવેશ્યા કે તરત જ એ મોવડીઓએ તિરસ્કારભર્યા શબ્દો સાથે તેઓનું અસહ્ય અપમાન કર્યું અને કાઢી મૂક્યા. સ્વામીશ્રીના મુખારવિંદ પર કોઈ રોષ નહીં, કોઈ ક્ષોભ નહીં, કોઈ આક્રોશ નહીં…
ગણતરીના મહિનાઓ પછી એ અગ્રણીઓ વતી બે વ્યક્તિ સ્વામીશ્રીને મળવા આવી. પોતાની ખૂબ મોટી ભૂલ થઈ હોવાનું જણાવ્યું. આગ્રહપૂર્વક તીર્થમાં પધારવાનું આમંત્રણ પાઠવ્યું. સ્વામીશ્રીએ પણ સ્વીકાર્યું. સ્વામીશ્રી ત્યાં પધાર્યા પણ ખરા. એ જ મોવડીઓ ત્યાં હાજર હતા. ખૂબ ભાવથી તેમણે સત્કાર્યા, પૂજન કર્યું, સ્વામીશ્રીને વસ્ત્ર ઓઢાડ્યાં, આરતી ઉતારી અને પોતાની ગેરવર્તણૂંક બદલ પશ્ચાત્તાપ કર્યો, ક્ષમા માંગી…
સ્વામીશ્રીના ધીર-ગંભીર મુખારવિંદ પર માત્ર વાત્સલ્યસભર મંદ સ્મિત હતું. એ જ સ્મિત જે થોડા મહિનાઓ પૂર્વે આ જ તીર્થમાંથી અપમાનિત થઈને નીકળતી વખતે પણ હતું… આવા બંને અંતિમો વચ્ચે પોતાની સમતુલા જાળવીને ચાલ્યા જતા સ્વામીશ્રી આવાં તો કેટકેટલાંય દ્વંદ્વો, એવી કેટકેટલી વિપરીતતાઓ વચ્ચેથી પસાર થયા છે!
એક પળે ગરીબમાં ગરીબ ગામડિયાને સ્નેહ આપતા… તો બીજી જ પળે કોઈ અમીરને સત્સંગ લાભ દેતા…
આજે આદિવાસીઓના કૂબાઓમાં વિચરણ કરતા… તો આવતી કાલે જ અમેરિકાવાસીઓના મહેલોમાં વિચરણ કરતા…
આજે વિરાટ જનમેદની વચ્ચે પ્રવચન આપતા… તો આવતીકાલે જ માંડ બે-પાંચ જણાની સભામાં એ જ જુસ્સાથી પ્રવચન આપતા…
આજે ગાદલાની સુંવાળી પથારી પર સૂતા… તો આવતીકાલે ખુલ્લા આભ નીચે ખેતરનાં ઢેફાં પર સૂતા…
17,000થીય વધુ ગામો અને અનેક દેશોનાં પાણી પી ચૂકેલા સ્વામીશ્રીએ ક્યારેય, કોઈ ગામમાં, કોઈ દેશમાં, કોઈનેય એમ કહ્યું નથીઃ ‘મને આ નહીં ફાવે.’
શ્રીમદ્ ભગવદ્ગીતા આ વિરલ સ્થિતિને ‘બ્રાહ્મી સ્થિતિ’ કહીને બિરદાવે છે.
વર્તમાન સમયે એવા જ બ્રાહ્મી સ્થિતિના ધારક પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ આપણી વચ્ચે બિરાજીને આપણને જીવનના સુખ-દુઃખનાં પલ્લાં વચ્ચે મનને સ્થિર, શાંત, સુખમય, આનંદમય રાખવાની પ્રેરણા આપી રહ્યા છે. આ બ્રાહ્મી સ્થિતિના ધારક સત્પુરુષોમાંથી પ્રેરણા મેળવીને આપણે પણ આપણા જીવનને ધન્ય બનાવીએ.+
 સાધુ અક્ષરવત્સલદાસ (BAPSના વરિષ્ટ સંત)
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
By Hardik Shah
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
By Hardik Shah
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
By Hiren Dave
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો