Ahmedabad: ઇમ્યુનિટી ઓછી હોય તેવા લોકોને HMPV વાયરસની અસર થાય
- HMPV વાયરસનો પ્રથમ કેસ કર્ણાટકમાં આવ્યો
- હવે ગુજરાતમાં પણ પ્રથમ કેસ નોંધાઇ ચુક્યો છે
- 2 મહિનાની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
ચીનના વુહાન શહેરથી ફેલાયેલ કોરોના વાયરસ હજુ પણ દુનિયા માટે એક રહસ્યનો કોયડો છે. તેવામાં ચીનમાંથી ફરી એકવાર ખતરાની ઘંટડી સંભળાવી છે. જેમાં ચીનમાં એક નવો વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે તેનું નામ 'હ્યુમન મેટાપ્યુમોવાયરસ' એટલે કે HMPV છે. ચીનમાં તો કહેવાઈ રહ્યું છે કે, હોસ્પિટલો ભરાઈ ગઈ અને સ્મશાન પર પણ ઘણી ભીડ છે.ત્યારે ગુજરાતમાં પણ પ્રથમ કેસ નોંધાઇ ચુક્યો છે. HMPV વાયરસનો પ્રથમ કેસ કર્ણાટકમાં આવ્યા બાદ હવે ગુજરાતમાં પણ પ્રથમ કેસ નોંધાઇ ચુક્યો છે.
2 મહિનાની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
ઉલ્લેખનીય છે કે 2 મહિનાની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બાળકની હાલ અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમજ આ બાળકી મોડાસા નજીકના કોઇ ગામની હોવાનું પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે. જેની સારવાર ચાંદખેડાની કોઇ ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે. જો કે સૌથી ચોંકાવનારી બાબત છે કે, આ અંગે સરકારી અધિકારીઓ કે મંત્રી બોલવા તૈયાર નથી. ત્યારે HMPV વાયરસને લઈ અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીનું નિવેદન સામે આવ્યું છે તેમાં ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું છે કે બાળક અથવા સિનિયર સીટીઝન કે જેનામાં ઇમ્યુનિટી ઓછી હોય તેવા લોકોને આ વાયરસની અસર થાય છે. વાયરસ ઘણા વર્ષો જૂનો છે જેથી ડરવા કે ગભરાવાની જરૂર નથી.
આ વાયરસમાં દર્દીને શરદી,ખાંસી, તાવ અને ઉધરસ જેવા લક્ષણો
આ વાયરસમાં દર્દીને શરદી,ખાંસી, તાવ અને ઉધરસ જેવા લક્ષણો છે. આ વાયરસ માટે કોઈ વેક્સિન કે કોઇ દવા નથી. આ રોગમાં સામાન્ય દવાથી જ સાત દિવસમાં રિકવરી આવી જતી હોય છે. આ વાયરસથી બચવા માટે શરદી, ખાંસીવાળા લોકોથી દૂર તેમજ ભીડભાળ વાળા જગ્યાઓ પર ન જવા સૂચના છે. માસ્કનો ઉપયોગ કરવો અને આવા વાયરસના લક્ષણો જણાય હોસ્પિટલમાં જઈ તુરંત સારવાર કરાવવી જોઇએ.
મેટાન્યુમોવાઈરસ (HMPV) વિશે જાણવા જેવી બાબતો
- મેટાન્યુમોવાઈરસ (HMPV) અન્ય શ્વસન વાયરસ જેવો જ વાયરસ છે.
- વર્ષ 2001થી આ વાઈરસની ઓળખ થયેલ છે.
- આ વાઈરસ શિયાળાની ઋતુ દરમિયાન ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોમાં દેખાય છે અને તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફલુનો સમાવેશ થાય છે.
મેટાન્યુમોવાઈરસ (HMPV)ના લક્ષણો દેખાય તો શું કરવું?
- જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ અથવા ટિસ્યુથી ઢાંકવું.
- નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવાં કે સેનેટાઈઝરનો ઉપયોગ કરવો.
- ભીડભાડવાળા સ્થળોથી દૂ૨ રહેવું અને ફલૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું.
- તાવ, ઉધરસ કે છીંક આવે છે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું.
- વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો.
- પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી.
- બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશન વાળા વાતાવરણમાં રહેવું.
- શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું, બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.
આ પણ વાંચો: 2020 માં કોરોના અને 2025 માં HMPV! સોશિયલ મીડિયામાં આ મીમ્સ થયા વાયરલ


