ગોંડલની 33 વર્ષીય મુકબધીર યુવતી પર દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દીધાના ગુનાનો ભેદ ઉકેલાયો છે. ગોંડલ સિટી પોલીસે સતત ત્રણ દિવસની મહેનત બાદ ગોંડલની એક દરગાહના મુંજાવર ઈકબાલ ઉર્ફે ઈકુ અહેમદ ચૌહાણ (ઉ.વ.52) અને સીદ્દીક અકારા સાદ્દીકી (ઉ.વ.50) ની ધરપકડ કરી છે. છેલ્લા ત્રણેક વર્ષથી આ શખ્સો દરગાહ પરિસરમાં આવેલ એક રૂમ અને એક અવાવરૂ જગ્યાના મકાનમાં યુવતિના દેહને પિંખતા હતાં.
અપરણિત યુવતી ગર્ભવતી હોવાનું ખુલતા પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા
પ્રાપ્ત વિગત મુજબ ગોંડલની એક 33 વર્ષની મુકબધીર યુવતિને પેટમાં દુ:ખાવો ઉપડતાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી જેમાં તે ગર્ભવતી હોવાનું ખુલ્યું હતું. યુવતિ મુકબધીર અને અપરિણીત હોવાથી તબીબી સ્ટાફે પોલીસને જાણ કરતા દુષ્કર્મ થયું હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. જેથી રાજકોટ એસપી જયપાલસિંહ રાઠોડે ગુનાનો ભેદ ઉકેલવા અને આરોપીઓને ઝડપથી પકડી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપી હતી. ગોંડલ ડિવિઝન ના DySP કે.જી. ઝાલા, PI મહેશ સંગાડાના માર્ગદર્શન હેઠળ ગોંડલ સિટી પોલીસ મથકના સ્ટાફે તપાસ હાથ ધરી હતી.
પોલીસ ત્રણ દિવસની મહેનત બાદ આરોપી સુધી પહોંચી હતી
PI સાંગડાએ વધુમાં જણાવ્યું હતું કે, ભોગ બનનાર મુકબધીર હતા અને તે ભણેલા પણ નહોતા જેથી તેમની સાથે કોણે આવુ દુષ્કૃત્ય કર્યું તે જાણવું ખૂબ જ પડકારજનક બની ગયું હતું. પ્રાથમિક તપાસની મહેનત બાદ રાજકોટની વિરાણી મુકબધીર સ્કૂલના સાઈન ભાષાના નિષ્ણાંત શિક્ષકો કશ્યપ પંચોલી અને જયસુખકુમાર સુરાણીની મદદ લેવાઈ હતી.
નિષ્ણાંતો માટે પણ સમજવુ પડકારજનક હતું
યુવતિના પરિવારમાં તેના પિતા, ભાઈ અને ભાભી હતા. જેથી યુવતિના ભાભીને સાથે રાખી યુવતિને બમલ અંગે પુછવાની તજવીજ કરાઈ હતી. યુવતિ સાઈન લેન્ગવેજ ભણેલી ન હોતી જેથી નિષ્ણાંતો માટે પણ સમજવુ પડકારજનક હતું. જો કે અનેક ડેમોટ્રેશન બાદ અંતે આરોપીઓની પ્રાથમિક વિગતો મળી હતી. જે પછી ભોગ બનનારને કેટલાક લોકોના ફોટા બતાવ્યા હતા જેમાંથી આરોપીઓને ઓળખી બતાવ્યા હતાં. જે પછી આરોપીઓને અટકમાં લઈ યુવતિને તેમની સામે લઈ જઈ ઓળખ કરાવવામાં આવી હતી. આ ત્રણ દિવસની સતત પ્રક્રિયા બાદ અંતે આઈપીસી 376 (2) (જે) (એન) વગેરે મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ યુવતિના માતાનું બે વર્ષ પહેલા નિધન થયું હતું.
મુંજાવર દરગાહમાં કઈ રીતે લઇ જતો
તેણી પોતાના પિતા – ભાઈ અને ભાભી સાથે રહેતી હતી તેના ઘર નજીક એક ડેલામાં દરગાહ આવેલી છે. આ દરગાહમાં તેણી નિયમિત દર્શન કરવા અને લોબાન – અગરબત્તી કરવા માટે જતી હતી જયાં દરગાહમાં ઈકબાલ મુંજાવર તરીકે રહેતો હતો. યુવતિ દરરોજ દરગાહમાં આવતી અને મુકબધીર હોવાનો લાભ લઇ ઈકબાલ તેણીને કોઈ બહાને રૂમમાં લઈ જતો અને ત્યાં દુષ્કર્મ આચરતો હતો.
બીજો આરોપી કસાઈનો ટ્રક ડ્રાઈવર છે
બીજો આરોપી સીદ્દીક અહીંના ખાટકી વાસના મુખ્ય કસાઈનો ટ્રક ડ્રાઈવર છે જે યુવતિના પિતા અને ભાઈનો પરિચિત હતો. સીદ્દીકને મુકબધીર યુવતિ અંગે ખ્યાલ હતો. ત્રણેક વર્ષ પહેલા તેણે યુવતિ પર નજર બગાડી હતી. યુવતિને આરોપી સીદ્દીક તેના ઘર નજીક જ એક અવાવરૂ મકાનમાં લઈ જતો અને દુષ્કર્મ આચરતો હતો. હાલ પોલીસે આરોપીને દબોચી લીધા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બન્ને શખ્સોના DNA ટેસ્ટ માટે નમૂના લેવાશે
મુંજાવર ઈકબાલના બે વાર લગ્ન થયા હતાં પણ બંન્નેવાર પત્ની મુકીને ચાલી ગઈ હતી. જેથી તે ઘણા સમયથી એકલો જ રહેતો હતો. પકડાયેલા બંન્ને આરોપીના DNA ટેસ્ટ માટે નમૂના લેવાશે અને જયારે યુવતિની ડીલીવરી થાય તે બાળક સાથે DNA મેચ કરાવી, કોણે યુવતિને ગર્ભવતી બનાવી તે તપાસ કરાશે.
અહેવાલ : વિશ્વાસ ભોજાની
આ પણ વંચો : વડોદરા : પાદરામાં IPL પર સટ્ટો રમાડતા બુકીને ત્યાં દરોડા, દારૂ અને 5 લાખથી વધુની રોકડ રકમ કબજે કરી