VGGS-2024 : JETRO ના પ્રતિનિધિમંડળ સાથે CM ભૂપેન્દ્ર પટેલની બેઠક, જાપાન-ગુજરાતના સંબંધોને વધુ ગાઢ બનાવવા ચર્ચા
ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત સમિટની 10મી આવૃત્તિ (Vibrant Gujarat Summit 2024) નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે દેશ-વિદેશના નેતાઓ, પ્રતિનિધિઓ ગાંધીનગરની મુલાકાતે છે. આ સમિટ 10થી 12 જાન્યુઆરી સુધી યોજાશે. પીએમ મોદી ( PM Modi) પણ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ (VGGS-2024) નિમિત્તે ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (JETRO) ના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ શ્રીયુત કાઝુયા નાકજો સાન અને ડેમોક્રેટિક રિપબ્લિક તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ જોઝે રામોઝોર્તા સાથે બેઠક કરી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલે તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ જોસે રામોસ હોર્તાનું એરપોર્ટ પર ઉષ્માસભર સ્વાગત પણ કર્યું હતું.
JETRO ના એક્ઝિક્યુટિવ સાથે CM ની મુલાકાત
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 માં (VGGS-2024) સહભાગી થવા અને ગુજરાત આવેલા JETRO ના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ શ્રીયુત કાઝુયા નાકજો સાન અને પ્રતિનિધિમંડળે આજે સવારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સાથે બેઠક યોજી હતી. જણાવી દઈએ કે, જાપાનીઝ કંપનીઓ ભારત અને ખાસ કરીને ગુજરાત સાથે સેમિકન્ડક્ટર ક્ષેત્રે કામગીરી શરૂ કરવા ઉત્સુક છે. તેમ જ VGGS-2024 માં સહભાગી થવા લગભગ 200 કંપનીઓનું જાપાનીઝ પ્રતિનિધિમંડળ ગુજરાત આવ્યું છે તેની પણ તેમને વિગતો આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાપાનીઝ કંપનીઓને રાજ્ય સરકારના યોગ્ય સહયોગની ખાતરી આપતા જાપાન-ગુજરાતના સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે ઉત્સુકતા દર્શાવી હતી.
મુખ્યમંત્રીએ વાઈબ્રન્ટ સમિટ સંદર્ભે તેમની તાજેતરની જાપાન મુલાકાત દરમિયાન JETRO સાથે થયેલી બેઠકની પણ યાદ તાજી કરી હતી. JETRO ના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, તેઓ ભારતમાં માત્ર સ્થાનિક બજારને જ નહીં પરંતુ, 'મેક ઈન ઈન્ડિયા' થકી વૈશ્વિક બજારોમાં નિકાસ કરવા માટે તત્પર છે. તેમણે ડીપ ટેક સહિતના નવા ક્ષેત્રે તકો એક્સપ્લોર કરવામાં રસ દાખવ્યો હતો. આ બેઠકમાં મુખ્યસચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, મુખ્યમંત્રીના સલાહકાર એસ. એસ. રાઠોર, ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદર સહિતના વરિષ્ઠ સચિવો જોડાયા હતા.
તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિનું એરપોર્ટ પર ઉષ્માભેર સ્વાગત
આ બેઠક બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત ગુજરાતના પ્રવાસે આવેલા તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ જોઝે રામોઝોર્તાનું અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક જૂથો દ્વારા ગુજરાતની સાંસ્કૃતિક ઝાંખી રજૂ કરીને તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિને આવકારવામાં આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર મેયર પ્રતિભા જૈન, રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ. મલિક સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિને આવકાર્યા હતા.
મુખ્યમંત્રી ભપેન્દ્ર પટેલે VGGS-2024 ના પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયેલા ડેમોક્રેટિક રિપબ્લિક તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ જોઝે રામોઝોર્તા સાથે મહાત્મા મંદીરમાં મુલાકત બેઠક યોજી હતી. બેઠક દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે VGGS-2024 માં ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ તિમોર લેસ્તેની ભાગીદારીથી ભારત–ગુજરાત- તિમોર લેસ્તેના સંબંધોને નવી ઊંચાઇ મળેશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. બીજી તરફ, ડેમોક્રેટિક રિપબ્લિક તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ જોઝે રામોઝોર્તાએ પણ ગુજરાત જેવા વિકાસના રોલ મોડેલ રાજ્યની ક્ષમતાઓનો લાભ મેળવવા તેમનું રાષ્ટ્ર ઉત્સુક છે, તેમ જણાવ્યુ હતું.
આ પણ વાંચો - VGGS 2023-ડેમોક્રેટીક રિપબ્લિક ઓફ તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત બેઠક



