Pakistan: નવાઝ શરીફ વારંવાર ભારતના કરી રહ્યા છે વખાણ! ચંદ્રયાન મિશન, ઇકોનોમી પર કહી આ વાત
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન અને પીએમએલએન (PMLN) ના વરિષ્ઠ નેતા નવાઝ શરીફ (Nawaz Sharif) લગભગ ચાર વર્ષનો વનવાસ પૂર્ણ કરીને ઓક્ટોબર મહિનામાં પાકિસ્તાન (Pakistan) પરત ફર્યા છે. અહીં તેઓ સામાન્ય ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યા છે. જે હેઠળ તેઓ અલગ અલગ વિસ્તારોમાં રેલીઓ યોજી રહ્યા છે. આ રેલીઓ દરમિયાન નવાઝ શરીફ વારંવાર ભારતના વખાણ કરી રહ્યા છે. તાજેતરમાં તેમણે ભારતના ચંદ્રયાન મિશન 3ના (Chandrayaan Mission 3) વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે, પાડોશી દેશ ચાંદ પર પહોંચી ગયું છે અને આપણે પાછળ રહી ગયા છીએ. શરીફે અર્થવ્યવસ્થાને લઈને પણ ભારતની નીતિઓને બિરદાવી છે.
ઉપરાંત, નવાઝ શરીફે પાકિસ્તાની સેના પર નિશાન સાધતા કહ્યું કે, પાકિસ્તાનની દયનીય સ્થિતિ માટે ભારત (India) અને અમેરિકા (USA) જવાબદાર નથી. પરંતુ, સેના આ માટે દોષી છે. જણાવી દઈએ કે, અગાઉ પણ નવાઝ શરીફે એક રેલી દરમિયાન સંકેત આપ્યા હતા કે તેમની સરકાર ભારત સાથેના સંબંધોમાં સુધાર લાવવાનો પ્રયાસ કરશે. તેમણે કહ્યું કે, વર્ષ 2013માં જ્યારે દેશમાં વીજળીની સમસ્યા હતી તો અમારી સરકારે આ સમસ્યાનો અંત આણ્યો હતો. આખા દેશમાંથી આતંકવાદનો ખાતમો કર્યો હતો. માર્ગ, શિક્ષાની વ્યવસ્થા ઊભી કરી હતી. સીપીઇસી લાવી અને વિકાસ અને સમૃદ્ધિનો એક નવો યુગ શરૂ થયો હતો.
'આપણે જાતે જ પગ પર કુહાડી મારી છે'
નવાઝ શરીફે વધુમાં કહ્યું કે, આપણા દેશની હાલત માટે કોણ જવાબદાર છે? આપણે જાતે જ પગ પર કુહાડી મારી છે. પીએમએલ-એન સુપ્રીમોએ કહ્યું કે, વિકસિત દેશોની વિકાસ યાત્રામાં મહિલાઓની ભૂમિકા મહત્ત્વની રહી છે. વિકસિત દેશમાં મહિલાઓને આગળ વધારવામાં આવે છે તેમને પ્રોત્સાહન આપવામાં આવે છે. મને લાગે છે કે આપણા દેશના વિકાસ માટે મહિલાઓએ પણ વિકાસ યાત્રામાં સમાન ભાગીદાર બનવું પડશે. મહિલાઓએ પુરુષો સાથે મળીને દેશ માટે સેવા કામ કરવા પડશે.
આ પણ વાંચો - જાણો… વિશ્વના સૌથી ઠંડા શહેરમાં શિયાળાની દરમિયાન સ્થિતિ કેવી હોય છે


