WORLD CUP : રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને 5 રને હરાવ્યું
ICC ક્રિકેટ વર્લ્ડ કપની રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને 5 રનથી હરાવ્યું. 28 ઓક્ટોબરના રોજ ધર્મશાલામાં રમાયેલી આ મેચમાં ન્યૂઝીલેન્ડને 389 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, પરંતુ તે નવ વિકેટે 382 રન જ બનાવી શકી હતી. વર્તમાન વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયન ટીમનો આ સતત ચોથો વિજય હતો. ન્યુઝીલેન્ડની છ મેચોમાં આ બીજી હાર હતી.
મેચની છેલ્લી ઓવરમાં ન્યુઝીલેન્ડને જીતવા માટે 19 રન બનાવવાના હતા. મિચેલ સ્ટાર્કના પ્રથમ બોલ પર ટ્રેન્ટ બોલ્ટે એક રન લીધો હતો. જ્યારે મિચેલ સ્ટાર્કે બીજા બોલ પર પાંચ રન (વાઈડ + ફોર) આપ્યા હતા. એટલે કે હવે ન્યુઝીલેન્ડે પાંચ બોલમાં 13 રન બનાવવાના હતા. નીશમ આગામી ત્રણ બોલ પર 2-2 રન બનાવી શક્યો હતો. અહીંથી જીતવા માટે ન્યુઝીલેન્ડને બે બોલમાં સાત રનની જરૂર હતી. બે રન બનાવવાના પ્રયાસમાં નીશમ પાંચમા બોલ પર રનઆઉટ થયો અને કિવી ટીમની આશા પર પાણી ફરી વળ્યું. ન્યૂઝીલેન્ડને જીતવા માટે છેલ્લા બોલ પર છ રન બનાવવાના હતા, પરંતુ લોકી ફર્ગ્યુસન એક પણ રન બનાવી શક્યો નહોતો.
વોર્નર હેડનું તોફાની પ્રદર્શન
ધર્મશાલામાં પ્રથમ બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયન ટીમ માટે ટ્રેવિસ હેડે સદી ફટકારી હતી. જ્યારે ડેવિડ વોર્નરે 81 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ બંને ઓપનિંગ કરવા આવ્યા હતા અને ટીમને જોરદાર શરૂઆત અપાવીને પેવેલિયન પરત ફર્યા હતા. હેડે 67 બોલમાં 109 રન બનાવ્યા હતા. વોર્નરે 65 બોલમાં 81 રન બનાવ્યા હતા. તેણે 5 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. ગ્લેન મેક્સવેલે 24 બોલમાં 41 રન બનાવ્યા હતા. મિચેલ માર્શ 36 રન બનાવીને આઉટ થયો હતો. જો ઇંગ્લિશએ 38 રનની મહત્વની ઇનિંગ રમી હતી. કેપ્ટન પેટ કમિન્સે 14 બોલમાં 37 રન બનાવ્યા હતા.
ફિલીપ અને બોલ્ટની 3-3 વિકેટ
ન્યૂઝીલેન્ડ તરફથી ગ્લેન ફિલિપ્સે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 10 ઓવરમાં 37 રન આપીને 3 વિકેટ લીધી હતી. બોલ્ટે 10 ઓવરમાં 77 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. સેન્ટનરે 10 ઓવરમાં 80 રન આપીને વિકેટ લીધી હતી. નીશમ અને મેટ હેનરીએ એક-એક વિકેટ લીધી હતી.
આ પણ વાંચો -મેચ પહેલા રિવાબાનું મોટું નિવેદન, પ્રાર્થના કરું છું કે ભારત વર્લ્ડ કપ જીતે: RIVABA JADEJA


