Sabarkantha : ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ 1 લાખની લાંચ લેતા ઝડપાયો
- દારૂનો ધંધો કરવા હપ્તો માંગનાર ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનનાં વહીવટદારની ધરપકડ (Sabarkantha)
- એક્ટિવાની ચાવી લેવા આવેલા ત્રણ જણા પાસેથી 1.65 લાખની લાંચ માંગી હતી
- ACB એ વહીવટદારને રૂ.1 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો
Sabarkantha : સાબરકાંઠા જિલ્લામાં વહીવટી તંત્રનાં ચોપડે ભલે દારૂબંધીનો કડક અમલ થતો હોવાનાં દાવા કરાઇ રહ્યા છે. પરંતુ, જિલ્લાના અનેક ઠેકાણે વર્ષોથી દેશી અને વિદેશી દારૂનું જે વેચાણ થઇ રહ્યું છે તેના માટે પોલીસ તંત્રની રહેમનજર હોવાનું આમ પ્રજા માની રહી છે. ત્યારે ગત મંગળવારે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ કમ વહીવટદારે દારૂનો ધંધો કરવા માટે લાંચની માંગણી કરી હતી. પરંતુ, સામે ત્રણેય જણા લાંચ આપવા માંગતા ન હતા, જેથી તેમણે અમદાવાદ એસીબીને જાણ કરતા છટકું ગોઠવ્યું હતું અને રૂપિયા 1 લાખની લાંચ લેતા ખેડબ્રહ્માનાં (Khedbrahma) આ વહીવટદારને ACB નાં અધિકારીઓએ રંગેહાથ ઝડપી લીધા હતા.
આ પણ વાંચો - Sabarkantha : ઈડર માર્કટયાર્ડનાં સત્તાવાળાઓ સામે કાયદાની લટકતી તલવાર! વધુ એક તપાસનો આદેશ
એક્ટિવાની ચાવી લેવા આવેલા 3 પાસે 1.65 લાખની લાંચ માંગી
આ અંગે ACB ના (Ahmedabad ACB) સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ વિકાસકુમાર હસમુખભાઇ પટેલે (VikasKumar Patel) ખેડબ્રહ્મા અને આસપાસનાં વિસ્તારમાં દારૂનો ધંધો કરતા કેટલાક લોકો પાસેથી લાંચ પેટે નિયમિત હપ્તો લેતા હતા. દરમિયાન કેટલાકે એક વર્ષ અગાઉ દારૂનું વેચાણ કરવાનો ધંધો બંધ કરી દીધો હતો. તેમ છતાં બે મહિનાથી વધુ મહિનાનો હપ્તો લેવાનો બાકી હતો, જેથી ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનનાં કહેવાતા વહીવટદારે ગત 17 મેના રોજ દારૂનો ધંધો બંધ કરનાર અને તેના બે મિત્રો જે સાબરકાંઠા SOG માં પોલીસે ડિટેઇન કરેલ ત્રણ એક્ટિવાનો દંડ ભર્યા બાદ ચાવી લેવા માટે આવ્યા હતા તેમને એક ટ્રાફિક જમાદારે 'ચાવી અને RC બુક વિકાસભાઇ પટેલ પાસે છે અને તેમણે એક્ટિવા આપવાની ના પાડી છે' તેવું કહ્યા બાદ તેઓ એસઓજીના અધિકારીને (Sabarkantha) રૂંબરૂં મળ્યા હતા. પરંતુ, તેમણે પણ એવું કહ્યું હતું કે, વિકાસભાઇનો હિસાબ પૂરો કરી દેજો પછી એક્ટિવા મળશે.
આ પણ વાંચો - Ahmedabad Plane Crash : 231 હતભાગીના DNA મેચ થયા, 8 પરિવાર હજું પણ જોઈ રહ્યા છે રાહ!
ACB એ પોલીસ કોન્સ્ટેબલને 1 લાખની લાંચ લેતા ઝડપ્યા
ત્યારબાદ આ ત્રણેય જણાએ વિકાસભાઇને મળી એક્ટિવા પાછા આપવા આજીજી કરી હતી. પરંતુ, હિસાબ પેટે બાકી નીકળતી અંદાજે રૂપિયા 1.65 લાખ આપવા કહ્યું હતું. જે પૈકી મંગળવારે રૂપિયા 1 લાખ વિકાસ પટેલને આપવાનો વાયદો કર્યો હતો. દરમિયાન, તેઓ લાંચ આપવા માંગતા ન હોવાને કારણે અમદાવાદ એસીબીનાં (Ahmedabad ACB) ટ્રેપિંગ ઓફિસર ડી.બી. મહેતાનો સંપર્ક કરી છટકું ગોઠવ્યું હતું. જે આધારે મંગળવારે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન (Khedbrahma Police Station) કમ્પાઉન્ડની બહાર પાર્કિંગમાં વિકાસ પટેલ રૂપિયા 1 લાખની લાંચ લેતા ઝડપાઇ ગયા હતા. ત્યારબાદ એસીબીએ તેમની અટક કરી વધુ તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.
અહેવાલ : યશ ઉપાધ્યાય, સાબરકાંઠા
આ પણ વાંચો - Ahmedabad Plane Crash : વધુ એક દુ:ખદ સમાચાર, ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ કાલાવાડિયાનું મોત


