Sabarkantha : AR કન્સલ્ટન્સીની પોન્ઝી સ્કીમ કૌભાંડમાં રોકાણકારનો ગંભીર આરોપ!
- Sabarkantha માં વધુ એક પોન્ઝી સ્કીમનો પર્દાફાશ!
- હિંમતનગરમાં 3.42 કરોડની છેતરપિંડીની ફરિયાદ
- 3-10 ટકાના વ્યાજની લાલચ આપી લગાવ્યો ચૂનો
- પેઢીના માલિક અને ભાગીદાર સહિત ત્રણ ભૂગર્ભમાં!
- પોન્ઝી સ્કીમ કૌભાંડમાં ભોગ બનેલા દેસાસણના રોકાણકારે પોલીસને લેખિત આપ્યું
- એ.આર કન્સલ્ટન્સીના સંચાલકો અને તેમના મળતીયા વિદેશમાં હોવાનું કહે છે.
Sabarkantha : કૌભાંડોથી કલંકિત થયેલા સાબરકાંઠાનાં હિંમતનગર સહિત અન્ય સ્થળે રહેતા કેટલાક ભેજાબાજો ટૂંકા રસ્તે માલદાર થવાનાં સ્વપ્ન જોઈને ઊંચા વ્યાજની લાલચ આપી લોકો પાસેથી પોન્ઝી સ્કીમોનાં નામે કરોડો રૂપિયા ચાઉ કરી જનાર એ.આર કન્સ્ટન્સી અને એ.આર કેપીટલનાં સંચાલકો વિરુદ્ધ બે દિવસ અગાઉ હિંમતનગર એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જે સંદર્ભે શનિવારે પોન્ઝી સ્કીમમાં રોકાણ કરી ડિપોઝિટની રકમ પરત ન આપનાર આ સંચાલકો સામે દેસાસણનાં એક રોકાણકારે પોલીસને લેખિતમાં અરજી આપીને સત્વરે ડિપોઝિટનાં નાણા પરત અપાવવાની માગ કરી છે. શનિવારે હિંમતનગરમાં એવી પણ ચર્ચા શરૂ થઈ છે કે પોન્ઝી સ્કીમ ચલાવનાર એક સંચાલક અગાઉ જૂના બળવંતપુરામાં આવેલ એક સામાન્ય મકાનમાં રહેતા હતા અને હવે તેઓ રોકાણકારોનાં પૈસા ચાંઉ કરી આલિશાન મકાન તથા મોંઘી ગાડીઓમાં ફરતા થયા છે.
દેસાસણ ગામે રહેતા શખ્સે એ.ડિવિઝનનાં PI ને કરી લેખિત ફરિયાદ
આ અંગે હિંમતનગર તાલુકાનાં દેસાસણ ગામે રહેતા વિરલકુમાર નરેન્દ્રભાઈ પટેલે શનિવારે એ.ડિવિઝનનાં પી.આઈને લેખિતમાં કરેલા આક્ષેપ મુજબ, એ.આર કન્સલ્ટન્સીનાં સંચાલકોએ વર્ષ 2023-24 માં તેમની પાસેથી રૂ. 17 લાખ લેવા માટે મિત્રો સાથે બેઠક કરી વધુ વ્યાજની લાલચ આપી હતી. ત્યારબાદ વિરલકુમાર, સગાભાઈઓ પુષ્પરાજસિંહ પરમાર તથા રાજવીરસિંહ પરમારને અજયસિંહ રજુસિંહ પરમારની એ.આર કન્સલ્ટન્સીનાં પ્રોપરાઈટર તથા કિરીટકુમાર.ડી.સોનીએ દર મહિને 5 ટકાથી વધુ વ્યાજ આપવાની લાલચ આપીને રોકાણ કરાવ્યું હતુ.
આ પણ વાંચો - Sabarkantha : BZ જેવી વધુ એક પોન્ઝી સ્કીમ! રૂ.3.42 કરોડથી વધુનાં કૌભાંડની આશંકા
રૂપિયા પરત માગતા સંચાલક 'હું વિદેશમાં છું' કહી ટાળે છે!
રોકાણ પૈકીની કેટલીક રકમ વિરલકુમાર પટેલે રોકડ તથા ઓનલાઈન પેમેન્ટ આપ્યું હોવાનો આક્ષેપ છે. જ્યારે પૈસા પરત લેવા માટે 11 મહિના પછી માંગણી કરી ત્યારે તેઓએ કોઈ વ્યાજ કે વળતર આપ્યું નથી. પૈસા પરત લેવા માટે ફોન પર સંપર્ક કરવામાં આવે ત્યારે અજયસિંહ રજુસિંહ મકવાણા 'હું વિદેશમાં છું', 'હાલ મારે પાસે પૈસા નથી, આવશે એટલે આપીશ' તેમ કહેતા હતા. જો કે, પોન્ઝી સ્કીમનાં સંચાલકો વિરુદ્ધ એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ત્યારે પોલીસ તપાસમાં શું બહાર આવે છે તે જોવાનું રહ્યું.
એ.આર કન્સલ્ટન્સીનો અર્થ શું ?
હિંમતનગર એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એ.આર કન્સલ્ટન્સીનાં સંચાલકો સામે નોંધાયેલી ફરિયાદ બાદ શનિવારે કેટલાક લોકોએ એવું અર્થઘટન કર્યું છે કે A એટલે અજય અને R એટલે રાજવીર છે. જ્યારે, રાજવીરનાં ભાઈ પુષ્પરાજસિંહ પોતે ફરિયાદી બન્યા છે, જેથી હવે એ જોવાનું રહે છે કે રોકાણકારો પાસેથી ઓનલાઈન પેમેન્ટ લેનાર પુષ્પરાજસિંહને પોલીસ ફરિયાદીમાંથી સાક્ષી કે આરોપી બનાવે છે કે નહીં?
આ પણ વાંચો - Surat : ACB એ લાંચિયા અધિકારીની 'દિવાળી' બગાડી! લાખોની લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો
જૂના બળવંતપુરામાં આવેલ મકાન અજયસિંહનું જૂનું નિવાસસ્થાન
પોન્ઝી સ્કીમ સાથે સંકળાયેલા અજયસિંહ રજુસિંહ મકવાણા અને રજુસિંહ લાલસિંહ મકવાણા પોન્ઝી સ્કીમ શરૂ નહોતી કરાઈ ત્યારે તેઓ જૂના બળવંતપુરામાં આવેલ સામાન્ય મકાનમાં રહેતા હતા. જો કે, હવે તેઓએ હિંમતનગરનાં બેરણા રોડ પર આવેલ ભાગ્યોદય સોસાયટીનાં આલિશાન મકાનમાં રહે છે.
એક વર્ષ અગાઉ સાઇબર ક્રાઈમમાં લેખિત અરજી કરાઈ હતી
એક વર્ષ અગાઉ સંજયકુમાર શિંગડ નામનાં રહીશે સાબરકાંઠામાં ઊંચા વ્યાજ આપી એ.આર કન્સલ્ટન્સીનાં સંચાલકો દ્વારા રોકાણકારોને લાલચ આપી છેતરપિંડી કરાતી હોવાનાં આક્ષેપ સાથેની ફરિયાદ હિંમતનગર સાઇબર ક્રાઈમમાં નોંધાવી હતી. પરંતુ, ગમે તે કારણસર પોસ્ટનાં માધ્યમથી મોકલાયેલી આ ફરિયાદ પ્રત્યે પોલીસે કોઈ ધ્યાન આપ્યું ન હોય તે બનવા જોગ છે. હવે, જ્યારે ફરિયાદ નોંધાઈ ચૂકી છે તે અગાઉ વર્ષ 2024 ને 29 નવેમ્બરે પણ આ જાગૃત રહીશે નામ ન આપવાની શરતે CID ક્રાઈમને પણ લેખિતમાં જાણ કરી હતી.
અહેવાલ : યશ ઉપાધ્યાય, સાબરકાંઠા
આ પણ વાંચો - Rajkot : સેક્સ પાવર વધારવા ઉત્તેજક દવાઓનું ગેરકાયદે વેચાણ કરતું કોલ સેન્ટર ઝડપાયું, 9 ની ધરપકડ


