Ask the right question : સ્વયંને નીરખીએ અંતરની આંખે
Ask the right question : જીવનમાં કોઈ લક્ષ્ય રાખો ત્યારે તેના માટે જરૂરી છે કે યોગ્ય પ્રશ્ન કરો. જો તમારી પાસે કોઈ લક્ષ્ય હોય તો તમારે માટે એક વાત જે ખૂબ જ મહત્ત્વની છે, તેને ધ્યાનમાં રાખવાની છે. ‘Ask the right questions and you will get the right answers.’ એટલે કે તમે સાચા પ્રશ્નો પૂછશો તો તમને સાચા ઉત્તર મળશે.
‘When you ask the right question then history will change.’ – જો તમે સાચો પ્રશ્ન પૂછશો તો ઇતિહાસ બદલાશે.
ગાંધીજી આચાર્ય કૃપલાણીજીને મળ્યા. તેમણે કહ્યું કે ‘ઇતિહાસ એમ કહે છે કે જ્યારે-જ્યારે કોઈ સ્વતંત્રતા જોઈતી હોય તો revolution - ક્રાંતિ કરવી પડે અને સત્તાની ઉપર જવું હોય તો લોહી રેડ્યા વગર તે શક્ય બનતું નથી. આખો ઇતિહાસ એવું બોલે છે કે શાંત ક્રાંતિ ક્યારેય શક્ય નથી.’
આ સમયે ગાંધીજીએ પ્રશ્ન પૂછ્યો અને કહ્યું, ‘History will change – ઇતિહાસ બદલાશે.’ મહાત્મા ગાંધીજીના અહિંસક આંદોલનથી ‘ઐતિહાસિક શાંત ક્રાંતિ’ થઈ અને સમગ્ર વિશ્વે તેની નોંધ લીધી.
Ask the right question : પ્રશ્ન પૂછવાથી પ્રગતિ થાય છે
Charles Darwin (ચાર્લ્સ ડાર્વિન) કે જે ઉત્ક્રાંતિવાદના જનક કહેવાય છે, તેમને બધી જગ્યાએથી જાકારો મળ્યો. બધેથી પાછા ફરવું પડ્યું હતું. શાળામાં ગયો તો શિક્ષકે વિશેષ અભ્યાસની ના પાડી. માતા-પિતાએ પણ તે કંઈક કરશે એવું વિચારવાની આશા છોડી દીધી. એટલું જ નહીં, તે ચર્ચમાં પાદરી બનવા માટે ગયો અને ત્યાં પણ નિષ્ફળતા પ્રાપ્ત થઈ. પરંતુ એક મધ્યમ કક્ષાના જીવશાસ્ત્રી તરીકે તેણે કુદરતને પ્રશ્નો પૂછવાના છોડ્યા નહીં. તે બૌદ્ધિક પ્રશ્નોની પરંપરાના આધારે તેણે અંતે વિશ્વને ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત આપ્યો. ડાર્વિનનો આ સિદ્ધાંત સાચો છે કે ખોટો તેની ચર્ચા કર્યા વગર એક વાત સ્પષ્ટ સમજાય છે કે પ્રશ્ન પૂછવાથી પ્રગતિ થાય છે. યોગ્ય પ્રશ્નથી ઊર્ધ્વગતિ અને અયોગ્યથી અધોગતિ પમાય છે.
આજે આપણે જે મોબાઇલ ફોન વાપરીએ છીએ તેની શોધ કેવી રીતે થઈ તમને ખબર છે? સાચા પ્રશ્નથી. વાત છે, વર્ષ-૧૯૭૩ની. Martin Cooper (માર્ટિન કૂપર) એક સામાન્ય એન્જિનિયર હતા. મોટરોલા કંપનીએ તેને અને તેની ટીમને કાર ફોન ઉપર રિસર્ચ કરવાનું સોંપ્યું. સંશોધન કરતાં તેમણે પોતાની જાતને વારંવાર એક પ્રશ્ન પૂછ્યો, ‘Why do we have to call a place, when we want to call a person?’ એટલે કે ‘આપણે કોઈ વ્યક્તિને ફોન કરવા, કોઈ સ્થાન પર ફોન કેમ કરવો પડે છે?’
જેમ કે, આપણે મગનભાઈને ફોન કરવા તેમના ઘરે, ઓફિસ કે દુકાને શા માટે ફોન કરવો પડે છે? સીધો મગનભાઈને જ ફોન કેમ નથી કરી શકતા?
Ask the right question : સાચા પ્રશ્નો પૂછો સમષ્ટિમાં પરિવર્તન લાવી શકે
માર્ટિન કૂપરે આ પ્રશ્ન પૂછ્યો અને ૧૦ વર્ષની મહેનત પછી ૧૯૮૩માં મોબાઇલ ફોન આવ્યો. એટલે કે સાચા પ્રશ્નો પૂછો તો તમને યોગ્ય ઉત્તર મળે અને તે તમારામાં જ નહીં, સમષ્ટિમાં પણ પરિવર્તન લાવી શકે છે.
ઘણાને તો પ્રશ્ન જ થતા નથી અને થાય તોપણ પૂછતા નથી. મનમાં પ્રશ્ન ન ઊઠે તો કોઈ જ પ્રાપ્તિ થતી નથી. ભગવાન બુદ્ધ યુવરાજ હતા ત્યારે તેમણે ચાર વ્યક્તિને જોઈ અને યોગ્ય પ્રશ્નો પૂછ્યા તો અંતે બુદ્ધ બની ગયા.
તેમણે એક બીમાર માણસને જોયો અને પ્રશ્ન કર્યો કે ‘આ બીમારી બધાને થાય?’ ત્યારે જવાબ મળ્યો કે ‘હા.’ અને ‘રાજાને બીમારી આવે?’ તો જવાબ મળ્યો કે ‘બમણી ગતિથી આવે.’ તેમણે એક વૃદ્ધ વ્યક્તિ જોયો અને પૂછ્યું કે ‘આ વૃદ્ધાવસ્થા બધાને આવે?’ તો જવાબ મળ્યો કે ‘હા.’ અને ‘રાજાને વૃદ્ધાવસ્થા આવે?’ તો જવાબ મળ્યો કે ‘ઝડપથી આવે.’ તેમણે એક મૃત વ્યક્તિને જોઈ અને પ્રશ્ન કર્યો કે ‘બધા મૃત્યુ પામે?’ તો જવાબ મળ્યો કે ‘હા’ અને ‘રાજા મૃત્યુ પામે?’ તો જવાબ મળ્યો કે ‘વહેલા’. પછી તેમણે એક સંન્યાસીને જોયા અને પ્રશ્ન કર્યો કે ‘આ સંન્યાસી એટલે કોણ?’ તો જવાબ મળ્યો કે ‘દુનિયા તેમને છોડી દે એ પહેલાં, તેઓ દુનિયાને છોડી દે છે.’ આ જવાબ સાંભળી યુવરાજે સંસારનો ત્યાગ કર્યો અને સંન્યાસમાર્ગ સ્વીકાર્યો.
આવી અવસ્થાવાળી વ્યક્તિઓ કે આવાં દૃશ્યો કોણે નથી જોયાં? છતાં આપણા અંતરમાં ક્યારેય યોગ્ય પ્રશ્નો ઉદ્ભવતા નથી. તેથી જ આધ્યાત્મિક માર્ગમાં ઊર્ધ્વગતિ થતી નથી.
સુયોગ્ય સંવાદથી આપણા દરેક પ્રશ્નનો યોગ્ય જવાબ મળે જ
ભારતની ભવ્ય આધ્યાત્મિક પરંપરામાં યોગ્ય પ્રશ્ન અને યોગ્ય ઉત્તરના સંવાદનું વિશિષ્ટ સ્થાન છે. ઉપનિષદ શું છે? એ ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંવાદ. એ જ રીતે શ્રીમદ્ ભગવદ્ગીતા - એ ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ છે. એ જ રીતે વચનામૃતમાં ભગવાન શ્રીસ્વામિનારાયણ અને વિદ્વાન પરમહંસો વચ્ચેનો સંવાદ છે. આમ, સુયોગ્ય સંવાદથી આપણા દરેક પ્રશ્નનો યોગ્ય જવાબ મળે જ છે, પણ મનુષ્ય જીવનના જવાબ શોધવાની ધૂનમાં યોગ્ય પ્રશ્ન પૂછવાનું ભૂલી જાય છે. જ્યાં સુધી વ્યક્તિ પોતાના પ્રશ્ન બરાબર સમજી શકતો નથી ત્યાં સુધી યથાર્થ જવાબ પામી શકતો નથી.
તેનું ઉત્તમ ઉદાહરણ છે, દુનિયાના શ્રેષ્ઠતમ વૈજ્ઞાનિકોમાંના એક આલ્બર્ટ આઇન્સ્ટાઇન. તેઓ કહે છે કે ‘If I had a problem and my life depended upon it, and I had only an hour to solve it, I will spend the first 55 minutes trying to ask the right questions to understand the problem and the answer will come in the next 5 minutes.’
જો મારા જીવનમાં કોઈ જબરદસ્ત આપત્તિ આવે તો ?
‘જો મારા જીવનમાં કોઈ જબરદસ્ત આપત્તિ આવે. એવી આપત્તિ કે જેના ઉપર મારી જિંદગીનો આધાર હોય અને તેનો ઉકેલ લાવવા માટે માત્ર એક જ કલાક હોય તો હું શું કરું?’ ત્યારે તેણે કહ્યું કે ‘હું પ્રથમ ૫૫ મિનિટ સાચા પ્રશ્નો પૂછી આપત્તિ સમજવા માટે મથીશ અને પછી પાંચ જ મિનિટમાં તેનો ઉકેલ આવી જશે.’
પરંતુ આપણે શું કરીએ છીએ? આપત્તિ સમજ્યા વગર જ ઉકેલ લાવવા દોડધામ કરીએ છીએ. ખરેખરી મહેનત પોતાના પ્રશ્નો યથાર્થપણે સમજવા કરીશું, તો જવાબ તો સહેલાઈથી આપોઆપ મળી જશે.
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની દિવ્ય નિશ્રામાં દરેકને દર્પણની જેમ પોતાના પ્રશ્નો, પોતાનું યથાર્થ સ્વરૂપ યથાર્થપણે જણાઈ આવે છે. તેથી જીવનના યથાર્થ જવાબો સહજતાથી પ્રાપ્ત થાય છે.
(સૌજન્ય : સાધુ બ્રહ્મવિહારીદાસ)
આ પણ વાંચો : Surya Grahan Effects : સૂર્યગ્રહણ પહેલાં આ 4 રાશિઓ પર આવશે મુશ્કેલી, જાણો શું અસર થશે


